Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મંદી-સ્ટેમ્પની અછત વચ્ચે નોરતામાં ૧૯૦૩ દસ્તાવેજની નોંધણી

રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીની ૧૦.૬૭ કરોડ અને રજીસ્ટ્રેશન ફીની ૧.૫૧ કરોડની તોતીંગ આવકઃ સૌથી વધુ ઝોન-૨ મોરબી રોડ-રેલનગર વિસ્તારમાં ૩૬૫ અને સૌથી ઓછા ઝોન-૮ ગ્રામ્ય વિસ્તારમાં ફકત ૧૩૫ દસ્તાવેજો નોંધાયા : ૧ ઓકટોબરથી મેન્યુઅલી સ્ટેમ્પને બદલે ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ અમલમાં મુકાતા દસ્તાવેજ નોંધણીમાં મોટુ ગાબડુ, રાજ્ય સરકારે કરોડોની આવક ગુમાવવી પડીઃ હજુ પણ ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિમાં ૨૪ કલાકના વેઈટીંગથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય ધીમી ગતિએ થાય છે

રાજકોટ, તા. ૯ :. શુકનવંતા નોરતાના દિવસોમાં મિલ્કતના દસ્તાવેજોની નોંધણીમાં ભારે ધસારો હોય છે પરંતુ ચાલુ વર્ષે મંદી અને સ્ટેમ્પની અછત વચ્ચે નોરતાના દિવસોમાં ૧૯૦૩ દસ્તાવેજની નોંધણી થઈ છે. ચાલુ વર્ષે ૧ ઓકટોબરથી મેન્યુઅલી સ્ટેમ્પના બદલે ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ અમલમાં મુકાતા દસ્તાવેજ નોંધણીના કાર્યમાં ભારે અસર પડી હતી અને રાજ્ય સરકારને કરોડોની આવક ગુમાવવી પડી હતી.

રાજકોટ શહેરમાં મિલ્કતના દસ્તાવેજ નોંધણીના આઠેય ઝોનમાં તા. ૨૯-૯થી ૭-૧૦-૨૦૧૯ સુધી નોરતાના શુકનવંતા દિવસોમાં કુલ ૧૯૦૩ દસ્તાવેજની નોંધણી થઈ છે અને રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટી પેટે ૧૦.૬૭ કરોડની અને રજીસ્ટ્રેશન પેટે ૧.૫૧ કરોડની તોતીંગ આવક થઈ છે. સૌથી વધુ દસ્તાવેજની નોંધણી ઝોન-૨ એટલે કે મોરબી રોડ-રેલનગર વિસ્તારમાં ૩૬૫ અને સૌથી ઓછા ઝોન-૮ ગ્રામ્ય વિસ્તારમાં ફકત ૧૩૫ દસ્તાવેજની નોંધણી થઈ છે.

ઝોનવાઈઝ જોઈએ તો સબ રજીસ્ટ્રર ઝોન-૧ કચેરી (સીટી સર્વે વોર્ડ નં. ૧ થી ૧૦) જૂના રાજકોટ વિસ્તારમાં ૧૮૦ દસ્તાવેજ થયા છે અને સ્ટેમ્પ ડયુટી પેટે ૮૫.૭૬ લાખ તથા રજીસ્ટ્રેશન ફી પેટે ૧૫.૯૪ લાખની આવક થઈ છે. સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૨ (વોર્ડ નં. ૧૧ થી ૧૩, ૧૭, ૧૮, બેડી, રોણકી, ગવરીદડ, રતનપર અને મોરબી રોડ-રેલનગર વિસ્તાર)ના ૩૬૫ દસ્તાવેજ થયા છે અને સ્ટેમ્પ ડયુટી પેટે ૩.૧ કરોડ અને રજીસ્ટ્રેશન ફી પેટે ૨૧.૩૭ લાખની આવક થઈ છે. સબ રજીસ્ટ્રેશન કચેરી ઝોન-૩ (વોર્ડ નં. ૧૪ થી ૧૬, માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા અને મનહરપુર)માં ૩૦૫ દસ્તાવેજની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડયુટી પેટે ૧.૬૪ કરોડની અને રજીસ્ટ્રેશન ફી પેટે ૨૪.૧૪ લાખની આવક થઈ છે. સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૪ (રૈયા, મુંજકા, વેજાગામ અને વાજડી)માં ૨૭૩ દસ્તાવેજોની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડયુટી પેટે ૧.૪૪ કરોડ અને રજીસ્ટ્રેશન ફી પેટે ૨૩.૮૦ લાખ આવક થઈ છે.

જ્યારે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૫ (નાનામવા, મોટામવા, વાજડી વિરડા)માં ૧૭૭ દસ્તાવેજની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડયુટી પેટે ૧.૫૪ કરોડ અને રજીસ્ટ્રેશન ફી પેટે ૨૮.૭૩ લાખની આવક થઈ છે. સબ રજીસ્ટ્રેશન કચેરી ઝોન-૬ (મવડી, કણકોટ અને રામનગર)માં ૨૨૮ દસ્તાવેજની નોંધણી થઈ છે અને સ્ટેમ્પ ડયુટી પેટે ૧.૨૪ કરોડ તથા રજીસ્ટ્રેશન ફી પેટે ૨૧.૧૮ લાખની આવક થઈ છે. તેવી જ રીતે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૭ (કોઠારીયા, વાવડી, થોરાળા, કાળીપાટ અને લાપાસરી)માં ૧૪૦ દસ્તાવેજની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડયુટી પેટે ૫૦.૮૪ લાખ અને રજીસ્ટ્રેશન ફી પેટે ૯.૨૩ લાખની આવક થઈ છે. સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૮ (રાજકોટ તાલુકાના ખેતીના તમામ તથા ગ્રામ્ય વિસ્તારની મિલ્કતો)માં ફકત ૧૩૫ દસ્તાવેજની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડયુટી પેટે ૪૧.૧૯ લાખ અને રજીસ્ટ્રેશન ફી પેટે ૭.૫૬ લાખની આવક થઈ હતી.

દર વર્ષે શુકનવંતા નોરતામાં દસ્તાવેજ નોંધણીમાં ભારે ધસારો હોય છે પરંતુ ચાલુ વર્ષે મંદીના ગ્રહણ અને સ્ટેમ્પની અછત વચ્ચે દસ્તાવેજ નોંધણીમાં મોટુ ગાબડુ પડયુ છે અને રાજ્ય સરકારને કરોડોની આવક ગુમાવવી પડી છે. ૧ લી ઓકટોબરથી મેન્યુઅલી સ્ટેમ્પને બદલે ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ અમલમાં મુકાતા અને ઈ-સ્ટેમ્પીંગ મેળવવામાં ૨૪ કલાકના વેઈટીંગથી હાલમાં પણ દસ્તાવેજ નોંધણી કાર્ય ધીમી ગતિએ ચાલે છે.

નોરતા સિવાયના સામાન્ય દિવસોમાં તમામ સબ રજીસ્ટ્રર કચેરીઓમાં ૨૦ થી ૩૫ દસ્તાવેજ નોંધાય છે. જ્યારે નોરતાના શુકનવંતા દિવસોમાં દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દૈનિક ૩૫ થી ૫૦ દસ્તાવેજો થતા હોય છે પરંતુ ચાલુ વર્ષે મંદી અને સ્ટેમ્પની અછત વચ્ચે નોરતાના દિવસોમાં આઠેય ઝોન કચેરીમાં ફકત ૧૯૦૩ દસ્તાવેજો જ નોંધાયા છે.

-: અહેવાલ :-

રાજભા  ઝાલા

(3:39 pm IST)