Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

થોરાળાની આરતી કોળી પ્રેમી હનિફ સાથે અગાભી પીપળીયા વાડીએ હતી ત્યારે પ્રેમીના પત્નિ-સાળા સહિતના તૂટી પડ્યા

કારમાં બેસાડી રસ્તામાં ઢીકા-પાટુ-લાકડીથી બેફામ ધોલધપાટ કરી છેલ્લે રોણકી પાસે છોડી મુકતાં હોસ્પિટલના બિછાનેઃ કોળી પરિણીતા પતિથી અલગ રહે છેઃ બે વર્ષથી હનિફ સાથે પ્રેમ

રાજકોટ તા. ૮: પતિ સાથે ઝઘડો થયા બાદ તેને અને સંતાનોને છોડી થોરાળામાં એકલી રહેતી આરતી પિયુષ કનેશા (ઉ.૨૯) નામની કોળી યુવતિ ગઇકાલે સાંજે પ્રેમી હનિફ સાથે હનિફની વાડીએ વાંકાનરેના અગાભી પીપળીયા ગામે ગઇ હતી ત્યારે રાત્રીના બે વાગ્યે હનીફની પત્નિ, સાળા, સાઢુ, ભાણેજ સહિતનાએ આવી જઇ આરતીને બેફામ ધોલધપાટ કરી કારમાં નાંખી બેડી નજીક રોણકીની સીમ સુધી લાવી રસ્તામાં પણ મારકુટ કરતાં અને છેલ્લે રોણકી પાસે લોકો ભેગા થઇ જતાં છોડી મુકતાં સારવાર માટે દાખલ થઇ છે. આરતીના કહેવા મુજબ પોતાને હનિફ સાથે પ્રેમસંબંધ હોઇ તેના કારણે આ હુમલો કરાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં આરતી કનેશાને સવારે તેના ભાઇએ સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. આરતીએ પોતાને રાતે બે વાગ્યે અગાભી પીપળીયામાં થોરાળાના હનિફ સંધી સાથે તેની વાડીએ હતી ત્યારે હનિફના પત્નિ હિરબાઇ, સાળા કાસમ, સાઢુ સલિમભાઇ, ભાણેજ સોહિલ તથા મયલાએ આવી લાકડીથી માર માર્યો હતો.

આરતીએ વધુમાં જણાવ્યું હતું કે મારે પતિ સાથે મનમેળ ન હોઇ પાંચેક વર્ષથી તેને છોડીને હું અલગ થોરાળામાં રહુ છું. મારા સંતાનો પણ હાલ પતિ પાસે છે. છેલ્લા બે વર્ષથી મારે હનિફ સાથે પ્રેમસંબંધ હોઇ તે અવાર-નવાર મારા ઘરે આવે છે. આ બાબત તેની પત્નિ હિરબાઇને પસંદ નહોતી. ગઇકાલે સાંજે હું અને હનિફ તેની અગાભી પીપળીયાની વાડીએ આટો મારવા ગયા હતાં. રાતે જમીને સુવાની તૈયારી કરતા હતાં ત્યારે હનિફની પત્નિ, સાળો, સાઢુ સહિતના કાર સહિતના વાહનોમાં આવ્યા હતાં અને હનિફને મારકુટ કરી મને કારમાં નાંખી રોણકી સુધી લઇ ગયા હતાં અને રસ્તામાં ખુબ માર માર્યો હતો. એ દરમિયાન કોઇ લોકો ભેગા થઇ જતાં મને રોણકી પાસે મુકીને બધા ભાગી ગયા હતાં. બાદમાં મેં મારા ભાઇને જાણ કરતાં હોસ્પિટલે ખસેડી હતી.બીજી તરફ હનિફ અગાઉના એક ગુનામાં ફરાર હોઇ તેને થોરાળા પોલીસે સકંજામાં લેવા તજવીજ કરી છે.

(3:26 pm IST)