Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજકોટ : ચીટર ગેંગે RTO કચેરી ઉભી કરી કાંડ આચર્યુ

રાજકોટ પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડઃ આરટીઓના ફોરવર્ડીંગ લેટર અને સિક્કા સહિતના ઉભા કરેલા બોગસ પુરાવાથી વાહનોના પોતે દંડ વસૂલતા હતા

અમદાવાદ, તા.૮:રાજકોટમાં એક ચીટર ગેંગે પોતાની જ આરટીઓ કચેરી ઉભી કરી વાહનચાલકોના દંડ બારોબાર ઓછામાં વસૂલી તેમના વાહનો છોડાવી બહુ આયોજનપૂર્વકનું કૌભાંડ આચરી સ્થાનિક આરટીઓ કચેરી અને સરકારી તિજોરી સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી આચરી હોવાનું સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી છ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસે આરટીઓના ફોરવર્ડીંગ લેટર, સિક્કા, ઇ-પહોંચ, મેમા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં આરટીઓના ફોરવર્ડીંગ લેટર અને સિક્કા સહિતના ઉભા કરેલા બોગસ પુરાવા જોઇ ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે હવે બહુ ઝીણવટભરી તપાસ હાથ ધરી આ પ્રકરણમાં હજુ કોણ કોણ સંડોવાયેલા છે અને સમગ્ર નેટવર્કમાં કયાંથી કડીઓ જોડાયેલી છે, તેની તપાસ શરૂ કરી છે. રાજકોટના પોલીસ ઈન્સ્પેક્ટર આર.વાય.રાવલના જણાવ્યા અનુસાર, છ માસ પહેલા પોલીસને બાતમી મળી હતી કે અમુક શખ્સો મેમો આવ્યો હોય તેમાં લખેલી દંડની રકમ કરતા ઓછી રકમમાં વાહનો છોડાવી દે છે. આ માહિતી મળતા વોચ ગોઠવી હતી અને લોકો પાસેથી દંડની રકમ ઓછી કરાવવાનું કહેતા શખ્સનો પીછો કરી આજી ડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર પાર્કમાં જય બાલાજી એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે રેડ કરતા ઈ-પહોંચ તેમજ મેમા અને આરટીઓના ફોરર્વડિંગ લેટર તેમજ સિક્કા મળી આવ્યા હતા. આ સાથે હાર્દિક ભાવસિંગ જાદવ(ઉ.વ.૨૪) અને મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતા(ઉ.વ.૩૬)ની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા વધુ લોકો પણ સંડોવાયેલા હોવાનું ખૂલતા રાત્રે અન્ય ચાર આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ  લોકો આરટીઓના ફોરર્વડિંગ લેટર તેમજ પહોંચ આબેહૂબ બનાવી આપતા હતા. જે પહોંચ પોલીસને આપતા પોલીસ વાહન આપી દેતા હતા અને નોંધ કરતા જેથી ચોપડે દંડ ભરાઈ ગયાનું લખાઈ જતું. આ રીતે જે દંડની રકમ પોતે લઈ લેતા અને સરકારી ચોપડે દંડ ભરાઈ ગયાની નોંધ કરાવી આરટીઓ તંત્ર સાથે મોટી છેતરપિંડી આચરી રહ્યા હતા. પોલીસે આ અંગે અલગ અલગ સ્થળોએ રેડ કરી બોગસ પહોંચ, લેપટોપ, પ્રિન્ટર, સિક્કા, પોલીસે આપેલા મેમા સહિતનું સાહિત્ય જપ્ત કરી અત્યાર સુધીમાં કેટલા દંડની રકમ ખવાઈ ગઇ તેની તપાસ હાથ ધરી છે. ઈ-મેમોની પ્રણાલી વધતા તેમજ સંયુક્ત ડ્રાઈવમાં વાહનો જપ્ત થતા લોકોને આરટીઓમાં દંડ ભરવાનો રહે છે. ઘણા વાહનોમાં દંડની રકમ ૨થી ૨૫ હજાર કે તેથી વધુ હોય છે. ભેજાબાજોના ટાઉટ આરટીઓ કચેરીએ જ આંટાફેરા મારતા અને જો કોઇની પાસે વધુ દંડની પહોંચ જૂએ તો તેમની પાસે જઈ ૨૦૦૦નો દંડ હોય તો ૧૫૦૦માં કરી દેવાનું કહેતા. પોતાની ઓળખ આરટીઓ એજન્ટ તરીકે આપતા લોકો ભરોસો કરી મેમો અને પૈસા એડવાન્સમાં આપી દેતા. પૈસા મળતા ટાઉટ એક કલાક પછી પહોંચ આપશે તેમ કહેતો. આ દરમિયાન તે ઓફિસે આવતો અને અહીં વાહન નંબર, ચાલકનું નામ, દંડની રકમ બધુ મેમોમાં જોઇને લેપટોપમાં ફોરર્વડિંગ લેટર અને પહોંચના અગાઉથી તૈયાર કરેલા ફોર્મેટમાં નાખી પ્રિન્ટ કાઢી લેતા અને લેટરમાં સિક્કો પણ મારી દેતા હતા. આ પહોંચ સાથે વાહનચાલક પોલીસ પાસે વાહન લેવા જાય ત્યારે ફરજ પરના અધિકારી પહોંચ મેળવી ચોપડે નોંધ કરતા જેથી પોલીસે જે દંડ કર્યો તે જમા થયાનું પ્રસ્થાપિત થઈ જતા ઓનલાઈન પણ વાહનચાલકનો મેમો બાકી ન હોવાનું અપડેટ થઇ જતુ હતુ. ભેજાબાજોએ પહોંચમાં કયુઆર કોડ બનાવવા સુધીની ચિવટ રાખી હતી. બોગસ પહોંચનો કયુઆર કોડ સ્કેન કરવામાં આવતા જે-તે વ્યક્તિને વાહનનું જ નામ અને નંબર બતાવવામાં આવતો હતો.

(9:46 pm IST)