Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ત્રણ ચિલઝડપના ભેદ ઉકેલાયાઃ ૩ લાખના ચેઇન-ઢાળીયા સાથે જસદણના ત્રણ ઝડપાયા

રાજકોટમાં સીસીટીવી કેમેરા ફીટ થતાં ગુનાખોરીનું કાર્યક્ષેત્ર બદલી નાંખ્યું : રાજવીર ઉર્ફ રાજો ધાધલ, રવિ ઉર્ફ ભુરો જોલાપરા અને ભરત ઉર્ફ કાનો ગમારાને ક્રાઇમ બ્રાંચે પકડ્યાઃ રાજુલા-મોરબીના ગુના ઉકેલાયાઃ હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણભાઇ મારૂ અને સંજયભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૮: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ ચિલઝડપકારોને ઝડપી લઇ સોનાના ચેઇન, માળા, ઢાળીયો મળી રૂ. ૩ લાખનો મુદ્દામાલ અને એક બાઇક કબ્જે કર્યા છે. ઝડપાયેલા ત્રણેય જસદણના છે. આ ત્રણેય અગાઉ પણ આવા ગુનામાં સંડોવાઇ ચુકયા છે. જે ત્રણ ચિલઝડપ કરી છે તે મોરબી અને રાજુલા પંથકમાં કરી છે. રાજકોટમાં આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા હોઇ પકડાઇ જવાની બીકે અહિ આવા ગુના આચરતા ડર લાગતો હોવાનું આ ત્રિપુટીએ કહ્યું હતું.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણભાઇ મારૂ અને સંજય ચાવડાને બાતમી મળી હતી કે અગાઉ રાજકોટમાં ચિલઝડપના ગુનામાં સંડોવાઇ ચુકેલા જસદણના ત્રણ શખ્સો રાજવીર ઉર્ફ રાજો વલકુભાઇ ધાધલ (કાઠી) (ઉ.૨૧), રવિ ઉર્ફ ભુરો નટુભાઇ જોલાપરા (મિસ્ત્રી) (ઉ.૨૧) તથા ભરત ઉર્ફ કાનો કડવાભાઇ ગમારા (ભરવાડ) (ઉ.૨૧) સોનાના શંકાસ્પદ મુદ્દામાલ સાથે આજીડેમ ચોકડીથી ભાવનગર રોડ તરફથી પસાર થવાના છે. આ શખ્સો કોઇ ગુનો આચરે કે ચોરાઉ માલનો નિકાલ કરે તેવી શકયતા હોઇ પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે વોચ રાખી ત્રણેયને ઝડપી લીધા હતાં.

તપાસ કરતાં સોનાનો ૧ ઢાળીયો રૂ. ૫૦ હજારનો, સોનાની માળા રૂ. ૧ લાખની, સોનાનો ચેઇન ૧,૨૦,૦૦૦નો મળતાં તે અંગે પુછતાછ થતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચિલઝડપના ગુના કબુલ્યા હતાં. ત્રણેયને અટકાયતમાં લઇ જીજે૦૩એલએ-૧૫૩૭ નંબરનું બાઇક પણ કબ્જે લેવાયું હતું. જે મુદ્દામાલ કબ્જે થયો છે તેમાં આ ત્રણેયે ચાર માસ પહેલા રાજુલા બસ સ્ટેશનમાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરી હતી તે ચેઇન, મોરબીમાં ત્રણ માસ પહેલા તથા એક માસ પહેલા બે ચિલઝડપ કરી હતી તેનો મુદ્દામાલ સામેલ છે.

અગાઉ રાજવીર ઉર્ફ રાજોએ ગઢડામાં ચેઇનની ચિલઝડપ, ભાવનગર રોડપર નગરપાલિકા પાસે ચેઇનની ચિલઝડપ, કેકેવી હોલ પાછળની શેરીમાં પર્સની ચિલઝડપ કરી હતી. રાજવીર સામાન્ય દિવસોમાં ખાનગી બસમાં કલીનરીનું કામ કરે છે. જ્યારે રવિ અને ભરત છુટક મજૂરી કરે છે. મોજશોખ માટે પૈસાની જરૂર ઉભી થાય ત્યારે ચિલઝડપ કરી લે છે. રાજકોટમાં હવે આઇ-વે પ્રોજેકટના કેમેરા ફીટ કરી દેવાયા હોઇ જેથી અહિ આવા ગુના આચરવા આવતાં નથી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ યુ.બી. જોગરાણા, એએઅસાઇ ભરતભાઇ વાઘેલા, બીપીનદાન ગઢવી, હેડકોન્સ. જે. પી. મેવાડા, જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂ, સંજયભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(3:41 pm IST)