Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

લક્ષ્મીવાડી કવાટર્સના ખુની હુમલાના ગુનામાં બે આરોપીના આગોતરા જામીન રદ

આરોપીઓ સામે ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહી

રાજકોટ તા.૧૩ : અહીંના લક્ષ્મીવાડી કવાટર્સમાં રહેતા પાડોશીઓ વચ્ચે ચાલતી જુની અદાવતના કારણે ફરીયાદી રાજેશ પ્રતાપભાઇ પરમાર ઉપર તલવાર વડે ખુની હુમલો કરી હત્યાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ લક્ષ્મીવાડી બ્લોક નં.૧૦માં રહેતા આરોપી તેજશ દિલીપભાઇ સરવૈયા અને મેહુલ શૈલેષભાઇ રાઠોડે સંભવિત ધરપકડ સામે આગોતરા  જામીન મેળવવા કરેલ અરજીને અધિક સેશન્સ જજશ્રી કે.ડી.દવેએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ફરીયાદી અને આરોપીઓ લક્ષ્મીવાડી વિસ્તારમાં બાજુબાજુમાં રહે છે તેઓ વચ્ચે જુની અદાવત ચાલતી હોય તે બાબતે બોલાચાલી થતા ફરીયાદી તલવાર લઇને મારવા ગયેલા પરંતુ આરોપીઓએ તેની તલવાર આંચકી લઇને ફરીયાદી ઉપર તેની જ તલવાર વડે હુમલો કરીને જાન લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદીએ ફરીયાદ કરતા આરોપીઓએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરતા સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપીઓ નાસતા ફરે છે. તપાસ હજુ ચાલુ છે. તલવાર કબજે કરવાની છે. હત્યાની કોશિષનો ગંભીર ગુનો છે. આવા ગુનામાં આગોતરા જામીન આપી શકાય નહી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.સેસ. જજ શ્રી કે.ડી.દવેએ બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી.સમીર એમ. ખીરા રોકાયા હતા.

(3:47 pm IST)