Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજ્યભરમાં આંદોલનનો પ્રારંભ

વર્ષોથી પડતર અનેક માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના પ્રતિક ધરણા : સુત્રોચ્ચાર : ૮મીએ ગાંધીનગરમાં મહારેલી

રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિસ સ્ટાફે શાંતપુર્ણ રીતે પ્રતિક ઉપવાસ કર્યા હતાં. તેમજ દર્દીઓને તકલીફ ન પડે તેની પણ કાળજી રાખી હતી. તસ્વીરમાં ધરણા પર બેઠેલા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: ગુજરાત રાજ્યના નર્સિસના વર્ષોથી અણઉકેલ્યા પડતર પ્રશ્નોના ઉકેલ માટે સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે લડતના મંડાણ કર્યા છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ જોડાયો છે. આજે સવારે અગિયાર વાગ્યે નર્સિંગ સ્ટાફે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પ્રતિક ધરણા પર બેસી સુત્રોચ્ચાર કર્યા હતાં. હજુ આગામી દિવસોમાં પણ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

ધ ટ્રેઇની નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા લોકલ બ્રાંચ પીડીયુ હોસ્પિટલ રાજકોટ દ્વારા જણાવાયું હતું કે યુનાઇટેડ નર્સિસ ફોરમ એલાયન્સ ઓફ નર્સિંગ એસોના ૨૫/૬/૧૯ના પત્ર મુજબ ૧૬/૧થી નર્સિસ સ્ટાફ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરાયો છે અને અહિંસક આંદોલન ચાલી રહ્યું છે. આમ છતાં સરકાર તરફથી હકારાત્મક વલણ ન અપનાવાતા હવે ૧૧/૭, ૧૮/૭ અને ૨૫/૭ના રોજ ત્રણ દિવસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં તંબુ બાંધી પ્રતિક ઉપવાસ ધરણાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત તા. ૧/૮ના રોજ રાજ્યના સમગ્ર નર્સિસ કર્મચારીઓની એક મહારેલી ગાંધીનગરમાં નીકળશે. આ કાર્યક્રમને પીડીયુ રાજકોટ દ્વારા પણ ટેકો અપાયો છે.

નર્સિસની આટલી માંગણીઓ અણઉકેલ છે...

.કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ પગાર અને ભથ્થા આપવા .બેઝીક બીએસસી નર્સિંગના છાત્રોને ઇન્ટર્નશીપમાં સ્ટાઇપેન્ડની મંજુરી .કોન્ટ્રાકટ અને આઉટસોર્સ પ્રથા સંપુર્ણપણે બંધ .સેપ્રેટ ડિરેકટોરેટ ઓફ નર્સિંગને મંજુરી . નર્સ-દર્દીના રેશીયો મુજબ નર્સિસના તમામ હોસ્પિટલો અને આરોગ્યકેન્દ્રોમાં મહેકમને મંજુરી .સ્પેશિયાલિટી તાલિમ પ્રાપ્ય નર્સિસને ખાસ પોસ્ટ સાથે વિશીષ્ટ પગાર .ઉચ્ચ અભ્યાસક્રમ માટે સરકારી ફરજો બજાવતાં નર્સિસને ચાલુ પગારે પ્રતિનિયુકતીની પુનઃ શરૂઆત .કાયમી નર્સિંગ શિક્ષકો અને કોલેજ ખાતે યુજીસીના ધારાધોરણ મુજબ પગાર .નેશનલ પેન્શન સ્કીમને પુનઃ ચાલુ કરવી  .સીએસસી-પીએસસીના નર્સિસને ફરજો દરમિયાન ઉપસ્થિત થતાં પ્રશ્નોની ચર્ચા

ઉપરોકત તમામ માંગણીઓ બાબતે વખતો વખત સરકારમાં તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ ઉકેલ ન આવતાં આંદોલન કરવાની ફરજ પડી રહ્યાનું જણાવાયું છે.

(3:46 pm IST)