Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મંગળવારે મૃદુલા દેસાઈ સૂરોની રસલ્હાણ વહાવશે

યુવા ગાયક સાગર સાવરકર અને સોનલ ગઢવી પણ જમાવટ કરશેઃ યુસુફ આઝાદ અને રશીદા ખાતુનની કવ્વાલીઃ સૂરસંસારનો ૧૪૬મો કાર્યક્રમ

 

રાજકોટ,તા.૧૧: શહેરની ૨૫મા વર્ષમાં રાચી રહેલ જુના ફિલ્મી ગીતોની સંસ્થા ''સૂર-સંસાર'' એકમાત્ર અણનમ અને અડીખમ સંસ્થા છે. ૨૫મા વર્ષનો બીજો કાર્યક્રમ તા.૧૬ને મંગળવારે યોજાયો છે. આ સળંગ ૧૪૬મો કાર્યક્રમ છે.

આ કાર્યક્રમમાં લોકોના લાડીલા ગાયક મૃદુલા દેસાઈ, યુવા ગાયક સાગર સાવરકર  અને સૌરાષ્ટ્રની મશહુર અને કોકિલ કંઠી ગાયીકા સોનલ ગઢવી સૂરોની રસ લ્હાણ વહાવશે.

મૃદુલાજી પોતાની જીવંત અદાયગી અને પેશગીથી લોકોમાં બહુજ પ્રિય છે. સાગર સાવરકર બહુકંઠી એટલે વર્સેટાઈલ ગાયક છે. મૃદુલાજીને લક્ષમાં રાખી તેમને વિશિષ્ઠ ગીતો આપવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં બે કવ્વાલીઓ યુસુફ આઝાદ અને રશીદા ખાતુનની છે. આ કવ્વાલીઓ લોકોને મસ્તીમાં ઝુમતા કરશે એટલું જ નહી સાથો સાથ ''વાહવાહ''ના ઉદગારો અને તાલીઓના ફટાકડા ફોડતી રહેશે. મૃદુલાના અન્ય ગીતો મસ્તીલા, મોજીલા અને માદક હશે. સાગરજી જુજ સાંભળવા મળતા મશહુર ગાયકોના અદલ અવાજને શ્રોતાઓ વચ્ચે વહેતો મુકશે.

સોનલજી લોકપ્રિય અને બહેનોના હોઠે ચડેલા ગીતો પ્રસ્તુત કરશે.

રીઝર્વ વર્ગ હાઉસ ફુલ છે કાર્યક્રમના ફકત ૨૦ ગેસ્ટ પાસ આપી શકાય તેમ છે. જે ફોનનં (૦૨૮૧) ૨૫૭૭૫૬૩નો સંપર્ક સાધી તા.૧૪ જુલાઈ સુધીમાં મેળવી શકાશે. વર્ષ ૨૦૨૦- ૨૧ના વેઈટીંગ લીસ્ટ માટે આ ફોન પર નામ નોંધાવી શકાશે.

વાદ્યવૃંદ વડોદરાના જીગ્નેશ પટેલ અને સાથીદારોનું છે. ઉદ્ઘોષણા રશ્મિ માણેકની છે. ધ્વની વ્યવસ્થા આનંદ ડીજીટલ સાઉન્ડની છે. એ ઉપરાંત શ્રોતાઓનું જાણીતું અને માનીતું અદ્વિતીય એવું 'સૂર- સંસાર'નું કોરસવૃંદ તો અવશ્ય હશે જ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:34 pm IST)