Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જય શંખેશ્વર ચાતુર્માસ એટલે જીવન નિર્માણનો ચાતુર્માસ

જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.નો ભવ્યાતિભવ્ય ''જય શંખેશ્વર ચાતુર્માસ'' પ્રવેશ અમદાવાદ સ્થિત સેટેલાઈટ જોધપુર જૈન શ્વે. મૂ. સંદ્ય (તુલસી)

રાજકોટ, તા. ૧૧ : જય શંખેશ્વર ચાતુર્માસ પ્રવેશ અમદાવાદ સ્થિત સેટેલાઈટ જોધપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (તુલસી) મધ્યે થયો હતો. દેશ-વિદેશમાંથી આવેલાં હજારો ભાવિકોને પૂ. જૈનાચાર્યએ આશીર્વચન આપ્યા હતા. જય શંખેશ્વર ચાતુર્માસ એટલે શુભ સંકલ્પ, દૃઢ સંકલ્પનો ચાતુર્માસ. શિક્ષા, દીક્ષા અને ભિક્ષા પ્રાપ્તિનો ચાતુર્માસ. ચારિત્ર અને જીવન નિર્માણનો ચાતુર્માસ. માનવ જીવનને સફળ બનાવવાનો ચાતુર્માસ.લૃ જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.) પણ અહિ બિરાજમાન છે.  અનેકના જીવન નિર્માણના મહાશિલ્પી અને પ્રખર પ્રવચનકાર પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક જીવન નિર્માણ શિબિરનું ભવ્ય આયોજન ૧૪થી ૨૫ ઓગસ્ટ વચ્ચે આવતા સાત રવિવારના રોજ  — સવારે ૯થી ૧૨ – શ્રીમતી બીનાબેન નયનભાઈ શાહ જૈન ઉપાશ્રય (રાઠી હોસ્પીટલની ગલીમાં, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ) ખાતે કરાયું છે. જીવનના ખેલને જીતી લો (૧૪/૦૭), વિશ્વનો પ્રાણ અહિંસા (૨૧/૦૭), ખળભળાટમાંથી ઝળહળાટ (૨૮/૦૭), સહતા રહો  – સફળ થતા રહો (૦૪/૦૮), મનના માલિક બનો – વિશ્વના માલિક બનો (૧૧/૦૮), તમારું જ સ્વાગત કરો (૧૮/૦૮) અને જૈન ધર્મ જીવતી જાગતી દંતકથા (૨૫/૦૮) જેવાં જીવન નિર્માણના વિવિધ વિષયો પર પૂ. જૈનાચાર્ય મનનીય પ્રવચન આપશે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ તથા પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની ૭૫માં જન્મ જયંતી વર્ષ અંતર્ગત ૨૧ જુલાઈના રોજ વિશ્વનો પ્રાણ અહિંસા વિષય પર વિશેષ શિબિરનું આયોજન કરાયું છે જેમાં અહિંસા-જીવદયા-પ્રેમીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. સહુ ભાવિકોને અને ખાસ કરીને યુવા પેઢીને જીવન નિર્માણ શિબિરનો લાભ લેવા જાહેર નિમંત્રણ છે. શિબિરને સફળ બનાવવા સંઘના પ્રમુખ લલિતભાઈ ગાંધી, હોદ્દેદારો અને ટ્રસ્ટીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:30 pm IST)