Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જૈનમ દ્વારા બુધવારે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશેઃ ધર્મયાત્રા-ધર્મસભા

જૈનોના ચારેય ફિરકાઓના સંઘો, સંસ્થાઓ આકર્ષક ફલોટ્સ સાથે જોડાશે : સાધુ સાધ્વીજીઓના આર્શીવચન : પંડિત સુનિલભાઈ શાસ્ત્રી ધર્મસભા સંબોધશે

રાજકોટ, તા. ૧૫ : જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૧૭ને બુધવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા 'ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી'ના ગગન ભેદી નાદ સાથે યોજાશેે. ે સવારે ૮ કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ), શારદા બાગ, આકાશવાણી રોડ, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે તેમ જણાવાયું હતું.

ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.  આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. જીલ્લા પંચાયત (અકિલા)ચોક ખાતે ૧૦૦ થી વધુ બાળકો દ્વારા વેશભુષા રજુ કરાશે જેમાં જોડાનાર તમામ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહીત કરાશે.

ફલોટસ બનાવનાર તમામને રૂ.૯૦૦૦ ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ. ૫૦૦૦, બીજા નંબરને રૂ. ૪૦૦૦,  ત્રિજા નંબરને રૂ. ૩૦૦૦, ચોથા નંબરને રૂ. ૨૦૦૦,  પાંચમા નંબરને રૂ. ૧૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.

હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાધ્વીજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે. સાથે સાથે વકતા શ્રી પંડીત સુનીલભાઈ શાસ્ત્રી ધર્મસભાને સંબોધશે.

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉ૫ાશ્રય,  શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય વિ. સંઘ જોડાયા છે.

ધર્મયાત્રાનો રૂટ આ મુજબ છે. તા.૧૭-ને બુધવારે સવારે ૮ કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ),  શારદા બાગ, આકાશવાણી રોડ, અકિલા સર્કલ, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.

ધર્મસભા વકતા : પંડિત શ્રી સુનિલકુમાર શાસ્ત્રીનો પરિચય : બેલગાંવ - કર્ણાટક ખાતે જન્મેલ, કન્નડ તેમની માતુ ભાષા છે,  શિક્ષણમાં તેઓએ એમ.એ.બી.એડ. (સંસ્કૃત) જયપુર (રાજસ્થાન), જૈન દર્શનમાં શાસ્ત્રી, એમ.એ. (હિન્દી) સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.  તેઓશ્રી કધનડ, મરાઠી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ભાષા ઉ૫ર પ્રભુત્વ ધરાવે છે, તેઓશ્રી અનેક  ધર્મપ્રચાર માટે અનેક વિદેશ પ્રવાસ કરેલ છે જેમાં મુખ્યત્વે લંડન ખાતે બે વખત ૨૦૦૭,૨૦૦૯, નાઇરોબી બે વખત ૨૦૧૦, ૨૦૧૧ અને આગામી પ્રવાસોમાં લંડન - ૨૦૧૯, નાઈરોબી-૨૦૨૦, મુંબઈ, કલકતા વિગેરે સ્થળે અવારનવાર ધર્મપ્રચાર પ્રવાસો કરતા રહયા છે. હાલમાં રાજકોટ દિગંબર જૈન મંદિરમાં ૨૧ વર્ષોથી પાઠશાળા અને ધાર્મિક વ્યાખ્યાન વિગેરેનું સંચાલન કરી રહયા છે. વર્તમાન સમયમાં એચ.એસ.સી. સ્કુલ આર.એન. છાયા કન્યા વિદ્યાલયમાં સંસ્કૃત અને ગુજરાતીનાં વરિષ્ઠ વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહયા છે. પંડિત સુનીલકુમાર શાસ્ત્રી રાજસ્થાન એચ.એસ.સી બોર્ડ માં સિલ્વર મેડલ અને શાસ્ત્રી બી.એ. અંતર્ગત ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે.

તસ્વીરમાં જૈન અગ્રણીઓ સર્વશ્રી ઉપેનભાઈ મોદી, નિલેશભાઈ ભીમાણી (ભીમભાઈ), નિલેશભાઈ શાહ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:55 pm IST)