Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જી.પી.એસ. ઇ.વી.એમ.માં નહિ પણ તેનું વહન કરતા વાહનોમાં લગાડાશેઃ દ્વિવેદી

મતદારોને મતાધિકારી અચૂક ભોગવવા સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ : યુવા મતદારોમાં વિશેષ ઉત્સાહ, વટથી વોટ આપજોઃ આર.જે. હર્ષિલ

રાજકોટઃ ગઇકાલે રાત્રે ડીડી ગિરનાર પર લોકતંત્રના મહાઉત્સવ નિમિતે રાજ્યના સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી અને રેડીયો ક્ષેત્રે ખૂબ જાણીતા ગુજરાતના ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર આર.જે. હર્ષિલે ચૂંટણીલક્ષી વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી દ્વિવેદીએ જણાવેલ કે મતદાર યાદીમાં કોઇ નાગરિકોનું નામ નોંધવાનું બાકી રહી ગયું હોય તો હજુ પણ ઓનલાઇન અથવા નજીકની મામલતદાર કે કલેકટર કચેરીમાં નિયત ફોર્મ ભરીને નામ નોંધાવી શકે છે. તેમણે રાજ્યમાં મુકત અને ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ હોવાનું જણાવી એક પ્રશ્નના જવાબમાં ઉમેરેલ કે ગ્લોબલ પોઝીસીનીંગ સિસ્ટમ (જી.પી.એસ.) મત મશીનમાં નહિ પણ મત મશીન લઇને સ્ટ્રોંગરૂમ સુધી જતા વાહનોમાં લગાડવામાં આવશે. ચૂંટણીએ લોકશાહીનો ઉત્સવ છે. લોકો અચૂક મતદાન કરે તેવી મારી અપીલ છે. શ્રી હર્ષિલે નવા યુવા મતદારોમાં મતદાન માટે ખૂબ ઉત્સાહ હોવાનું જણાવી સૌ મતદારોને વટથી  વોટ આપવા અપીલ કરી હતી.

(3:42 pm IST)