Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

'અમે સીઆઇડી પોલીસ છીએ, તમારું ચેકીંગ કરવાનું છે'...કહી કારખાનેદાર વૃધ્ધના ૧.૪૩ લાખના દાગીના લઇ બે ગઠીયા 'છૂ'

સંત કબીર રોડ પર નયનભાઇ શીંગાળા (ઉ.૬૧) સાથે ઠગાઇઃ ચેઇન, વીંટીઓ, પર્સ, ઘડીયાળ રૂમાલમાં મુકાવી પોટલુ વૃધ્ધના વાહનની ડેકીમાં જ મુકયું: પણ બાદમાં આગળ જઇ પોટલુ ખોલતાં દાગીના ગાયબ જણાયા! : પોલીસે ભોગ બનેલા વૃધ્ધને જુનાગઢમાં ઝડપાયેલા ગઠીયાઓની તસ્વીરો દેખાડી પણ તે અલગ હોવાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૪: થોડા દિવસ પહેલા જુનાગઢમાં પોલીસના નામે લોકોને છેતરીને દાગીના-રોકડ બઠ્ઠાવી લેતાં મહારાષ્ટ્રના ત્રણ શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી લીધા હતાં. ત્યાં આવો જ બીજો બનાવ રાજકોટના સંત કબીર રોડ પર બન્યો છે. જેમાં બે અજાણ્યા હિન્દીભાષી ગઠીયાઓએ પોતે સીઆઇડીમાં છે, વાહન ચેક કરવું છે...તેમ કહી આ વિસ્તારના જ કારખાનેદાર લોહાણા વૃધ્ધને ચેકીંગના નામે અટકાવી રૂ. ૧,૪૩,૦૦૦ના સોનાના દાગીના બઠ્ઠાવી લેતાં થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે.

સંત કબીર રોડ પર ગોલ્ડન નેસ્ટ બી-૪૦૨માં રહેતાં અને મયુરનગરમાં દિશા મેટલ નામે કારખાનુ ધરાવતાં નયનભાઇ વૃજલાલભાઇ શીંગાળા (લોહાણા) (ઉ.૬૧) તા. ૯ના સવારે પોણા દસેક વાગ્યે પોતાના કારખાનેથી એકસેસ નં. જીજે૩એચઓ-૩૫૩૮ લઇ ઘરેથી મેંગો માર્કેટ કુવાડવા રોડ ખાતે જઇ રહ્યા હતાં ત્યારે કબીરવન મેઇન રોડ પર પાછળ એક કાળા રંગનું બાઇક આવ્યું હતું અને તેમાં ૩૫ થી ૪૦ વર્ષના બે શખ્સ હતાં. હાથથી ઇશારો કરી આ શખ્સોએ વાહન ઉભુ રાખવાનું કહેતાં નયનભાઇએ પોતાનું એકસેસ ઉભુ રાખ્યું હતું.

એ પછી આ બંને નજીક આવ્યા હતાં અને પોતે સીઆઇડી પોલીસમાં છે ડેકી ખોલો ચેકીંગ કરવું છે તેમ કહી ખિસ્સામાં જે હોય તે પણ બહાર કાઢી તમારો રૂમાલ પાથરી તેમાં રાખો...તેમ કહેતાં નયનભાઇએ પોતાનું પર્સ, મોબાઇલ ફોન રૂમાલમાં મુકી દીધા હતાં. એ પછી બંનેએ દાગીના પણ મુકવાનું કહેતાં તેમણે બાર ગ્રામની સોનાની વીંટી ગણપતિદાદની છબીવાળી, બીજી એક સોનાની વીંટી ડાયમંડવાળી એક તોલાની , ત્રીજી વીંટી એક તોલાની તેમજ ગળામાંથી સાડા ત્રણ તોલાનો ચેઇન કાઢી રૂમાલમાં મુકયા હતાં.

ત્યારબાદ પોતાને સીઆઇડીના માણસો ઓળખાવનારા આ બંનેએ રૂમાલને ગાંઠ મારી દીધી હતી અને નયનભાઇના જ એકસેસની ડેકીમાં આ રૂમાલ રાખી દઇ 'તમારી પાસે કંઇ વાંધાજનક નથી, તમે જઇ શકો છો' તેમ કહેતાં નયનભાઇ ત્યાંથી નીકળી ગયા હતાં. એ પછી દાગીના પાછા પહેરવા માટે થોડે આગળ જઇ પોતાનું વાહન ઉભુ રાખી રૂમાલની ગાંઠ ખોલીને જોતાં અંદરથી ત્રણ વીંટી, ચેઇન ગાયબ જણાયા હતાં. જ્યારે પર્સ, મોબાઇલઅને ઘડીયાળ જેમના તેમ હતાં. આથી નયનભાઇ તુરત જ પોતાને જ્યાં ચેકીંગ માટે રોકાયા હતાં ત્યાં પરત પહોંચ્યા હતાં. પરંતુ કોઇ જોવા મળ્યું નહોતું.

બંને ગઠીયા મજબુત બાંધાના હતાં અને હિન્દીભાષી હતાં. આ બંનેના બાઇકમાં નંબર પણ નહોતાં. બંને ગઠીયા કુલ રૂ. ૧,૪૩,૦૦૦ના દાગીના બઠ્ઠાવી ગયા છે. જુનાગઢમાં પકડાયેલા ત્રણ ગઠીયાની તસ્વીરો થોરાળા પોલીસે આ વૃધ્ધને બતાવી હતી. પરંતુ પોતાને છેતરી જનારા ગઠીયા જુનાગમાં પકડાયેલા નહિ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યુ હતું. પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)
  • જામનગર : મનરેગામાં ભ્રષ્ટાચાર કરનાર ૩ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા : જામનગર જિલ્લાના જોડિયાના બોડકા ગામે તળાવ ઉંડુ ઉતારવાના મનરેગાના કામમાં આચરાયો ભ્રષ્ટાચાર : મેટ તેમજ આશાવર્કર અને આંગણવાડી હેલ્પર સહિત ૩ ને ફરજ મોકૂફ કરાયા : એક પુરુષ અને બે મહિલા કર્મચારીઓને ફરજમોકૂફ કરતાં ડીડીઓ : મનરેગાની કામગીરીમાં ખોટી હાજરી પુરી રુ.૫૯,૫૨૪ રકમની ગેરરિતી આચરી કરાઈ હતી ઉચાપત : ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી access_time 6:01 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • ખીરસરા જીઆઇડીસીએ ૧પ૦થી વધુ વેપારીઓની અરજીઓ નહીં સ્‍વીકારતા પ્રચંડ રોષઃ અરજીના રૂપિયા ૧રપ૦ પાછા દેવાની પણ ના : જીઆઇડીસી ખાતે વેપારીઓના ટોળા access_time 4:20 pm IST