Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચેક રિટર્ન કેસમાં આરોપી એક વર્ષની સજા અને રૂપિયા છ લાખનું વળતર ૬૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ

રાજકોટ, તા. ૧૪ : ચેક પરત ફરવાના કેસમાં આરોપી મનસુખભાઇ સવશીભાઇ સાંકળીયાને ૧(એક) વર્ષની જેલની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૬,૦૦,૦૦૦/- સાઇઠ દિવસમાં ફરીયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ફરીયાદી રૂદ્રપ્રતાપસિંહ વરજાંગભાઇ બોરીચાએ આરોપી મનસુખભાઇ સવશીભાઇ સાંકળીયા રહે. તરઘરાને ઓળખતા હોવાથી સબંધના દાવે વ્યવહારીક કામ માટે હાથ ઉછીના આરોપીએ પૈસાની માંગણી કરતા ફરીયાદીએ રકમ રૂપિયા ૬,૦૦,૦૦૦/- પુરા તારીખ ૧૪-૯-ર૦૧પ રોજ આરોપીને આપેલ હતા.

ફરીયાદીએ આપેલ રકમની પરત માંગણી કરતા આરોપીએ ફરીયાદીને રૂ. ૬,૦૦,૦૦૦/-પુરા નો સિહોર મર્કંન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લિ. બોટાદ બ્રાંચનો ચેક પોતાની સહી કરીને આપેલ અને ચેક બેંકમાં વટાવવા નાખશો એટલે તમોને તમારી રકમ મળી જશે તેમ જણાવતા આરોપીએ આપેલો ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવતા તારીખ આ ચેક 'ફન્ડસ ઇનસફીશીયન્ટ' ના શેરા સાથે રીટર્ન થયેલ, તેમ છતાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ચૂકવેલ નહીં.

આથી ફરીયાદીએ આરોપી સામે અદાલતમાં ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. અદાલતમાં કેસ ચાલી જતા ફરીયાદી તરફે એડવોકેટ ચેતન એન. આસોદરીયાએ કરેલ દલીલો માન્ય રાખી આરોપી મનસુખભાઇ સવશીભાઇ સાંકળીયા સામે અદાલતે ૧(એક) વર્ષની જેલની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૬,૦૦,૦૦૦/- સાઇઠ દિવસમાં ફરીયાદીને વળતર પેટે ચૂકવવા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એન.એચ. વસવેલીયાએ હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી રૂદ્રપ્રતાપસિંહ વરજાંગભાઇ બોરીચા વતી એડવોકેટ શ્રી ચેતન એન. આસોદરીયા તથા જૈમીશ કાકડીયા, યશપાલ ચૌહાણ, ભરત ધોળકીયા રોકાયેલ હતાં.

(3:30 pm IST)