Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

૭૦ હજારની ઉઘરાણી માટે મહેશ કોળીને પહેલા બેફામ માર માર્યો, પછી કપડાથી મોઢું બાંધી દેતાં શ્વાસ રૃંધાયો

ચોટીલાના નવાગામના યુવાનની રોણકી પાસે માધવન પાર્ટીપ્લોટમાં થયેલી હત્યામાં બહાર આવેલી વિગતો :હત્યાનો ભોગ બનનારનો નાનો ભાઇ નરેશ પણ થોડા દિવસ રાજકોટ આવી મહેશ સાથે રહી મજૂરી કરી ગયો હોઇ તે આરોપીઓને ઓળખતો હતોઃ હત્યા કરી નાશી છૂટેલા દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુને શોધવા ડીસીબીની ટૂકડી રાજસ્થાન તરફ રવાના

રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડીથી મોરબી રોડ ચોકડી જતાં રસ્તામાં રોણકી નજીક હાઇવે પર આવેલા માધવન પાર્ટીપ્લોટની અગાસીએ થયેલી ચોટીલાના દેવપરાના કોળી યુવાન મહેશ રમેશભાઇ ઓળકીયા (ઉ.૨૨)ની હત્યા કરાયેલી લાશ મળતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરતાં એવી વિગતો ખુલી છે કે રૂ. ૭૦ હજારની ઉઘરાણી મામલે મહેશને તેની સાથે જ મંડપ સર્વિસનું કામ કરતાં રાજસ્થાનના ચાર શખ્સો દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુએ બેફામ માર મારી તેમજ વાંસા, હાથમાં કોઇ હથીયારથી ઇજા કરી બાદમાં મોઢા-ગળા પર મંડપ ડેકોરેશનમાં વપરાતું કપડું બાંધી દઇ હાથ-પગ પણ આ કપડાથી બાંધી બીમકોલમ સાથે મહેશને બાંધીને ચારેય ભાગી ગયા હતાં. એ પછી શ્વાસ રૃંધાઇ જતાં મહેશ મોતને ભેટ્યો હતો.

પોલીસે ચોટીલા આણંદપુરના નવાગામ ખાતે રહેતાં અને જસદણના હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટમાં એફવાયબીકોમાનો અભ્યાસ કરતાં હત્યાનો ભોગ બનેલા મહેશના નાના ભાઇ નરેશ રમેશભાઇ ઓળકીયા (ઉ.૧૮)ની ફરિયાદ પરથી દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુ સામે આઇપીસી ૩૦૨, ૩૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. નરેશે જણાવ્યું હતું કે અમે બે ભાઇ અને એક બહેન છીએ. જેમાં મહેશ મોટો, હું બીજા નંબરે અને હેતલ સોૈથી નાની છે. મારા માતા હેમુબેન અને પિતા રમેશભાઇ ગામડે રહી ખેતી કરે છે. ભાઇ મહેશ ચારેક વર્ષથી રાજકોટ રહી મંડપ સર્વિસની મજૂરી કરતો હતો. હું પંદર દિવસથી ગામડે આવ્યો છું. એ પહેલા વિસેક દિવસ અગાઉ હું પણ રાજકોટ ભાઇ મહેશ સાથે રહી મંડપ સર્વિસની મજૂરી કરી ગયો હતો. તે વખતે દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુ સાથે કામ કરતાં હોવાથી તેને હું ઓળખતો હતો.

મારા ભાઇ મહેશની હત્યા થયાની ખબર પડતાં હું રાજકોટ આવ્યો હતો. મેં માધવન પાર્ટી પ્લોટમાં જ કામ કરતાં મારા ભાઇના મિત્ર વિશાલ ઉર્ફ ભુરાને પુછતાં તેણે કહ્યું હતું કે બે દિવસ પહેલા મહેશ સાથે દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુએ પૈસા બાબતે માથાકુટ કરી હતી. તારા ભાઇ પાસે આ ચારેય રૂ. સિત્તેર હજારની ઉઘરાણી કરતાં હતાં. તારા ભાઇએ પોતે પૈસા સથોડા દિવસમાં આપી દેશે તેમ કહ્યું હતું. એ પછી બુધવારે રાત્રે બારેક વાગ્યા સુધી બધા અગાસીએ બેઠા જાગતાં હતાં. ત્યારે પણ ચારેયએ પૈસા બાબતે ઝઘડો કર્યો હતો. એ પછી બધા સુઇ ગયા હતાં. ત્યારબાદ મોડી રાત્રે ચારેયે મારકુટ કરી હતી અને ભાગી ગયા હતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મુંઢ તેમજ તિક્ષ્ણ હથીયારના ઇજાના નિશાનો મળ્યા છે. તેમજ શ્વાસ રૃંધાવાથી મોત થયાનું જણાવાયું છે. મહેશને બેફામ મારકુટ કરી હથીયારથી ઇજાઓ કરી બાદમાં કપડાથી મોઢુ અને હાથ-પગ બાંધી બીમકોલમ સાથે બાંધીને ચારેય ભાગી ગયાનું એ પછી કપડાને કારણે મોઢુ-નાક બંધ થઇ જતાં શ્વાસ રૃંધાઇ જવાથી મહેશ મોતને ભેટ્યાનું પોલીસનું તારણ છે. 

હત્યા બાદ ભાગી છૂટેલા ચારેય રાજસ્થાન તરફના હોઇ ડીસીબીની એક ટૂકડી તે તરફ રવાના થઇ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ તથા ડી. સ્ટાફની ટીમ વિશેષ તપાસ કરે છે.

અઠવાડીયા પહેલા પણ મહેશે નાના ભાઇ નરેશને ફોન કરી પૈસા મામલે ચારેય ડખ્ખો કરતાં હોવાનું કહેલું

. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહેશે અઠવાડીયા પહેલા પણ નાના ભાઇ નરેશને ફોન કરીને પોતાની સાથે દિનેશ, લક્ષમણ, સુરેશ અને કાળુ પૈસાની ઉઘરાણી મામલે માથાકુટ, ઝઘડા કરતાં હોવાની વાત કરી હતી. પૈસા બાબતે જ તેની હત્યા થઇ હોવાનું હાલ સ્પષ્ટ થયું છે. ચારેય પકડાયા બાદ વિશેષ વિગતો બહાર આવશે.

(3:33 pm IST)