Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વર્ષાબેન વાઢેરને પતિ અશોકે જ શ્વાસ રૃંધી પતાવી દીધા'તા

કુવાડવા રોડ સદ્દગુરૂનગરમાં બેભાન હાલતમાં મોતને ભેટેલા કારડીયા રજપૂત મહિલાની હત્યા થયાનું ખુલ્યું : મંગળવારે બપોર બાદ ગભરાયેલી હાલતમાં પોતાના રૂમમાંથી નીચે આવી પોતાનાથી ખોટુ થઇ ગયાનું કહ્યું: વર્ષાબેને હોસ્પિટલમાં દમ તોડતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પતિ સામે હત્યાનો ગુનોઃ વિચીત્ર બિમારીને કારણે ભાન ભુલી જતાં ભુલથી ગળુ દબાવાઇ ગયાનું પતિનું કથન! : વર્ષાબેનની હત્યાથી પુત્ર-પુત્રી મા વિહોણા થતાં કલ્પાંત : બિમારી ધરાવતો અશોક અવાર-નવાર બેભાન થઇ પડી જાય છેઃ પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી, અને થોડી જ પળોમાં સ્વસ્થ થઇ જાય છેઃ બી-ડિવીઝન પી. આઇ. વી. જે. ફર્નાન્ડીઝ : હત્યાનો ભોગ બનનારના આલાપ ગ્રીનસીટી પાસે રહેતાં પિતા વિજયભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી જમાઇ અશોક જેસીંગભાઇ વાઢેર સામે ગુનો નોંધી પુછતાછ

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પર સદ્દગુરૂનગર-૪માં મેહુલ સ્કૂલ પાસે રહેતાં વર્ષાબેન અશોક વાઢેર (ઉ.૩૫) નામના કારડીયા રજપૂત મહિલા મંગળવારે બપોરે બે વાગ્યા આસપાસ ઘરે બેભાન થઇ જતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં ગળુ દબાતા શ્વાસ રૃંધાવાથી તેણીનું મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં બી-ડિવીઝન પોલીસે મૃતકના માવતર પક્ષ અને સાસરિયા પક્ષના લોકોની સઘન પુછતાછ શરૂ કરી હતી. વર્ષાબેનનું મોત કુદરતી નહિ, પણ હત્યા હોવાનું અને હત્યા ખુદ તેના પતિ અશોક જેસીંગભાઇ વાઢેરે જ ગળુ દાબીને કરી હોવાનું ખુલતાં પોલીસે ગુનો દાખલ કરી પતિની પુછતાછ કરી હતી. પોતાને માનસિક તકલીફ  હોઇ અચાનક જ આવેશમાં આવી જતાં ભુલથી ગળુ દબાવાઇ ગયાનું તેણે કહ્યું હતું.

ગઇકાલે બપોર બાદ મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો. જે જાણીની પોલીસ ચોંકી ગઇ હતી. વર્ષાબેન મંગળવારે બપોર બાદ ઘરમાં અચાનક બેભાન થઇ જતાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયાનું તેણીના સાસરિયા પક્ષના લોકોએ જણાવ્યું હતું. પરંતુ બેભાન કઇ રીતે થઇ ગયા તેની વિગતો બહાર આવી નહોતી. દરમિયાન ગળુ દબાતાં શ્વાસ રૃંધાવાને કારણે તેણીનું મોત નિપજ્યાનું સ્પષ્ટ થતાં   પોલીસે વિશેષ તપાસ આરંભી હતી.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરી હેઠળ પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, ચંદ્રસિંહ, વિજયગીરી અને ડી. સ્ટાફની ટીમે તપાસ આગળ વધારી મૃત્યુ પામનાર વર્ષાબેનના પતિ, સાસરિયા સહિતની પુછતાછ કરી હતી. દરમિયાન વર્ષાબેનના દેરાણી હેતલબેને એવું જણાવ્યું હતું કે મંગળવારે બપોરે બે વાગ્યા આસપાસ અશોકભાઇ અને વર્ષાબેન બંને ઘરમાં એકલા હતાં અને ઉપરના રૂમમાં હતાં. અચાનક જ અશોકભાઇ દોડતાં-દોડતાં ઉપરના રૂમમાંથી નીચે આવ્યા હતાં અને ગભરાઇ ગયેલા હતાં.

હેતલબેને આગળ જણાવ્યું હતું કે અશોકભાઇ ગભરાયેલી હાલતમાં હતાં ત્યારે જ તેણીના પીત સંજયભાઇ તથા પડોશીઓ વિશાલભાઇ, મનિષભાઇ, હંસાબેન સહિતના  પણ આવી ગયા હતાં અને 'શું થયું?' તેમ પુછતાં અશોકભાઇએ જણાવેલ કે 'મારાથી કંઇક ખોટુ થઇ ગયેલ છે, મારી મોટી ભુલ થઇ ગઇ છે., મારાથી મારી પત્નિ વર્ષાનું ગળુ દબાય ગયું છે' તેવી વાત કરી હતી. એ પછી પોતે (હેતલબેન) તથા પડોશી હંસાબેન સહિતના ઉપરના રૂમમાં જતાં ત્યાં વર્ષાબેન બેભાન મળ્યા હતાં અને તેણીને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતું તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટના મામલે પોલીસે હત્યાનો ભોગ બનેલા વર્ષાબેનના પિતા રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસે તુલીપ એપાર્ટમેન્ટ વાળી શેરી શ્રીજી બંગલો-૭ ખાતે રહેતાં વિજયભાઇ મુળુભાઇ ચોૈહાણ (ઉ.૫૯)ની ફરિયાદ પરથી તેના જમાઇ અશોક જેસીંગભાઇ વાઢેર સામે આઇપીસી ૩૦૨  મુજબ ગુનો નોંધી તેની પુછતાછ શરૂ કરી છે. જો કે અશોક વાઢેરે એવું કહ્યું હતું કે તેને એવી વિચીત્ર બિમારી છે કે જેના કારણે તે અવાર-નવાર બેભાન થઇ પડી જાય છે. આ બિમારીની અમદાવાદ ખાતે ચાર વર્ષથી સારવાર પણ ચાલુ છે. પોતે કુદરતી હાજતે જાય તો પણ દરવાજો બંધ નથી કરતાં અને પોતે અંદર પડી ન જાય તેનું સતત પત્નિ બહાર ઉભા રહીને ધ્યાન રાખતાં હતાં. મંગળવારે બપોરે પણ અચાનક બિમારીને કારણે આવેશ આવી જતાં અને પોતે શું કરે છે તે ખુલી જતાં ભુલમાં જ પત્નિનુ ગળુ દબાવાઇ ગયું હતું. એ પછી પોતે ભાનમાં આવતાં પોતાનાથી ખોટુ થઇ ગયાનો અહેસાસ થયો હતો.

પોલીસે બિમારીના રિપોર્ટ પણ તપાસ્યા છે અને આવી બિમારી ખરેખર હોય છે તેની માહિતી પણ મેળવી છે. પોલીસ મથકમાં પણ અશોક એક વખત બેભાન થઇ પડી ગયો હતો. આમ છતાં વિશેષ તપાસ થઇ રહી છે. 

૧૫ વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ પતિ અશોક વાઢેર ચાંદીકામ કરે છે

. હત્યાનો ભોગ બનેલા વર્ષાબેનના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી તેજસ્વી (ઉ.૧૨) અને પુત્ર ધ્રુવ (ઉ.૯) છે. આ બંને મા વિહોણા થઇ ગયા છે. પતિ અશોક જેસીંગભાઇ વાઢેર ઘરે જ ચાંદીકામ કરે છે. તે મુળ પડધરીના આણંદપર બાઘીના વતની છે. ત્યાં ખેતી પણ ધરાવે છે.

વર્ષાબેન બે ભાઇ-બહેનમાં બીજા હતાં: પિતા કહે છે-દિકરીને કોઇ દુઃખ, ત્રાસ નહોતાં

. હત્યાનો ભોગ બનેલા વર્ષાબેનના પિતા વિજયભાઇ ચોૈહાણ મોરબી રોડ પર ખેતી ધરાવે છે અને તેઓ બે ભાઇ તથા ત્રણ બહેનમાં મોટા છે. તેમને સંતાનમાં બે દિકરી વર્ષાબેન, કોમલબેન અને બે પુત્રો અશ્વિનભાઇ તથા જયપાલભાઇ છે. જેમાં વર્ષાબેન બીજા નંબરે હતાં. પિતા વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે પંદર વર્ષના લગ્ન જીવનમાં દિકરી વર્ષાને કોઇ દિવસ સાસરિયામાં માથાકુટ થઇ હોઇ કે દુઃખ ત્રાસ હોય તેવું સામે આવ્યું નથી. આ કેમ બની ગયું? તે અમને પણ ખબર નથી.

(3:17 pm IST)