Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પ્રોફેસરોને બખ્ખાઃ ઉત્તરવહી ચકાસવા, સુપરવિઝનમાં બમણો વધારો

ઉપરવાલા જબ ભી દેતા.... દેતા છપ્પર ફાડકે... : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના સુચારૂ સંચાલન માટે મળેલી બેઠકમાં પ્રિન્સીપાલોએ કામગીરી પ્રશ્ને ઉહાપો મચાવ્યો પરંતુ મહેનતાણુ વધતા રાજીના રેડ

રાજકોટ, તા. ૧૩ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં ભારત સરકારના ૭મા પગારપંચનો લાભ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ભવનના પ્રોફેસરોના પગારમાં ૨૫ થી ૭૦ હજારનો વધારો થયો છે. તોતીંગ પગારવધારા બાદ બે થી પોણા ત્રણ લાખનો પગાર અધ્યાપકોને થયો છે. જે અન્ય કર્મચારીઓ કરતાં ડબલ અને ત્રિપલ વધારો છે.

અધ્યાપકોને પગાર વધારો મળતા ખુશખુશાલ થયા હતા. તેમની ખુશાલીમાં બમણો વધારો થયો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રથમ તબક્કો સુચારૂ રીતે લેવાય તે માટે તમામ કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક બોલાવી હતી. સેનેટ હોલમાં યોજાયેલી આ બેઠકમાં પ્રથમ તો કામગીરીનો બોજ હોવાનું અને પરીક્ષાની કામગીરીમાં રાગ - દ્વેષ અને લાગવગીયા ધાર્યુ કરાવી જતા હોવાની ફરીયાદ કરી હતી. કેટલાક પ્રિન્સીપાલોએ ચેકીંગ સ્કવોડ, પરીક્ષામાં ગેરરીતિ તેમજ મહેનતાણુ ઓછુ મળતુ હોવાની ફરીયાદ કરી હતી તો કેટલાક પ્રિન્સીપાલોએ તો જેમલીંગ પદ્ધતિથી ગોઠવાતી પરીક્ષા સામે વિરોધ કર્યો હતો. ગત પરીક્ષામાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર માથે લીધુ હતું અને ગેરરીતિ આચરતા હતા. તેમની સામે પણ પગલા લેવાને બદલે યુનિવર્સિટીએ છોડી મૂકયા હોવાની ફરીયાદ કરી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુકત કુલપતિ નીતિન પેથાણીએ પ્રિન્સીપાલોની ફરીયાદને ગંભીરતાથી લઈ જેમલીંગ તથા પરીક્ષા ચોરીમાંથી કેટલાક વિદ્યાર્થીઓને છોડી મૂકાતા હોવાના બાબતની ગંભીર નોંધ લઈ આગામી તબક્કાથી સિન્ડીકેટમાં ઠરાવ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

દોઢ થી બે લાખનો તગડો પગાર મેળવતા પ્રોફેસરો પરીક્ષાના કામમાં અણગમો વ્યકત કરતા હોય છે. મોટાભાગના પ્રોફેસરો ઉત્તરવહી ચકાસવા જતા નથી કે ચેકીંગ સ્કવોડમાં પણ સામેલ થતા નથી. સુપરવિઝનમાં પણ કોઈ સીનીયર વિદ્યાર્થીને સોંપી દેતા હોય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે કોલેજના પ્રોફેસરો કલાસરૂમ કે ભવનને બદલે ઘરે હાજર વધુ રહેતા હોય છે. શિક્ષણ કાર્ય પૂર્ણ સમયનું ન કરાવતા હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. યુનિવર્સિટીએ ઉદાર બની પગારવધારાની સાથે પરીક્ષાના મહેનતાણામાં પણ બમણો વધારો કર્યો છે. હવે જોવાનુ એ રહે છે કે પગાર વધારો અને મહેનતાણુ ડબલ થતા શું પ્રોફેસરો સુપરવિઝન કરશે? ઉત્તરવહી ચકાસવા જશે ? સહિતના પ્રશ્નો ઉભા થયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સુપરવિઝન કરનાર પ્રોફેસરોને પહેલા મહેનતાણુ ૧૫૦ મળતુ હતું જે હવે ૩૦૦ થયું છે. ચીફ સીનીયર સુપરવાઈઝરનું મહેનતાણુ પહેલા ૧૭૫ હતુ તે ૩૫૦ થયુ છે. જયારે ઉત્તરવહી ચકાસવાના સ્નાતક કક્ષાએ રૂ.૬ હતા. જે હવે પેપરદીઠ રૂ.૧૦ કરવામાં આવ્યા છે. તો અનુસ્નાતક કક્ષાએ રૂ.૭ હતા તેના હવે ઉત્તરવહી દીઠ રૂ.૧૦ કરવામાં આવ્યા છે.

પેપર સેટીંગના મહેનતાણામાં પણ વધારો થયો છે. સ્નાતક કક્ષાએ પહેલા ૩૦૦ રૂ. હતા તે હવે રૂ.૫૦૦ કર્યા છે. જયારે અનુસ્નાતક કક્ષાએ રૂ.૩૫૦ના રૂ.૬૦૦ કરવામાં આવ્યા છે.

ચેકીંગ સ્કવોડને કહો મહેમાનની જેમ ન વર્તે, ગેરરીતિ આચરનારને પકડે

કોલેજ આચાર્યોની બેઠકમાં કુલપતિ પેથાણીને રજૂઆત

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલથી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષાના આયોજન માટે ગઈકાલે કુલપતિ નીતિન પેથાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક બોલાવી હતી તેમાં પરીક્ષા ન્યાયિક માહોલમાં લેવાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં પ્રિન્સીપાલોએ રજૂઆત કરી હતી કે પરીક્ષા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોકલાતી ચેકીંગ સ્કવોડ મહેમાન બનીને આવતી હોય તેમ હાઉકલી કરીને ચાલતી પકડે છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ચકાસવા, ગેરરીતિ અટકાવવા તેમજ કોપીકેસ કરવાની જવાબદારી કોલેજના પ્રિન્સીપાલને બદલે સ્કવોડને સોંપવા માગણી કરી હતી.

(3:48 pm IST)
  • ગુજરાતમાં સમલૈંગીકોને ઉમેદવારી કરવા રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ અપીલ કરીઃ આવા ઉમેદવારોને ટેકો આપવા જાહેરાત કરી access_time 4:17 pm IST

  • ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગજ્જ નેતા ચૂંટણી લડે તેવી શકયતા ;એમપીના રાજ્યપાલ આંનદીબેન પટેલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ચર્ચામાં ઉમેરાયું :અટકલની આંધી access_time 1:17 pm IST

  • સૌરાષ્ટ્ર વેપારી મંડળનો ચાઈના સામે રોષ : ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી : મસૂદ માટે ચાઈના દ્વારા વિટો પાવરના ઉપયોગ બાદ દેશમાં વેપારીઓમાં ચાઈના સામે જોવા મળતો રોષ : 'વેપાર પછી પહેલા દેશ' સૂત્ર અપાયુ access_time 6:14 pm IST