Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

લેબોરેટરીમાં કૃત્રિમ લોહીનું નિર્માણ : માનવ પર પ્રયોગની તૈયારી

બ્રિટીશ વૈજ્ઞાનિકોએ લોહીનો વિકલ્પ બની શકે તેવી પ્રોડકટ તૈયાર કરી : તબીબી જગત નવો ઈતિહાસ રચવાને આરે સ્ટેમ સેલ્સમાંથી કૃત્રિમ લોહીનો અખૂટ પ્રવાહ : ઉભો કરવાના પ્રયાસમાં નોંધપાત્ર સફળતા : રેર બ્લડ ગ્રુપ તથા લોહીની અછતના સંજોગોમાં દર્દીઓ માટે બની રહેશે લાઈફલાઈન

રાજકોટ તા. ૧૧ : અત્યાર સુધી કહેવાતું કે દુનિયામાં કોઈ એવું મશીન બન્યું નથી કે એક તરફથી રોટલી નાંખો એટલે બીજી તરફથી લોહી નિકળે. વૈજ્ઞાનિકો ગમે તેટલા સંશોધનો કરે પરંતુ માનવ લોહી બનાવી નહીં શકે. આ વાત આજે પણ સત્ય છે પરંતુ બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ લોહી નહીં તો લોહી જેવું જ લાલ રંગનું કૃત્રિમ લોહી જેવી પ્રોડકટ તૈયાર કરી છે.

લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ્સમાંથી કૃત્રિમ લોહીનો અખૂટ પ્રવાહ ઉભો કરવાના પ્રયાસમાં નોંધપાત્ર સફળતા મેળવી લીધી છે. છેલ્લા એક વર્ષમાં વૈજ્ઞાનિકો ચિરંજીવી સ્ટેમ સેલ પર સંશોધન કરી રહયા છે. કુદરતે જે લોહી બનાવ્યું છે તેવું તો નહીં પરંતુ તેનો એક વિકલ્પ જરૂર શોધી કાઢયો છે. ચોકકસ રેર બ્લડ ગ્રુપ ધરાવતાં લોકોને ઈમરજન્સી માટે આ કૃત્રિમ લોહી વરદાનરૂપ બની રહેશે.

કૃત્રિમ લોહી પર એક પછી એક કલીનીકલ ટ્રાયલ્સ ચાલી રહયા છે. તબીબી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી રહેલું કૃત્રિમ લોહી વિશ્વમાં જરૂરીયાતમંદ કરોડો લોકો માટે આશાનું કિરણ બની રહેશે. કૃત્રિમ લોહીનો જથ્થો કયારેય નહીં ખૂટે તેવો વૈજ્ઞાનિકોનો દાવો છે.

વર્તમાન સમયમાં રકતદાની મળતાં લોહી પર અનેક લોકોના જીવન આધારિત છે. રેર બ્લડ ગ્રુપમાં ડોનર મેળવવા મુશ્કેલ હોય છે. આવા સંજોગોમાં દર્દીની જરૂરીયાત કૃત્રિમ લોહી પુર્ણ કરશે. સ્ટેમ સેલ્સમાંથી કૃત્રિમ લોહી બનાવવા પાછળનો વૈજ્ઞાનિકોનો ઈરાદો બ્લડ ડોનેશનને રોકવાનો કે કુદરતી લોહીના ઉપયોગને રોકવાનો નથી પરંતુ લોહી વિના કોઈનો જીવ ન જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો છે. વિશ્વમાં કરોડો લોકો આજે પણ લોહીના મળી રહેલા દાનથી જીવે છે. રકતદાન પર જ આવા લોકોનું જીવન ટકેલું છે. ભારત સહિત વિશ્વના દેશોમાં દર વર્ષે લાખો યુનિટ લોહીની જરૂર પડે છે. તબીબી જગતમાં લોહીની સપ્લાય સતત ચાલુ રાખવી પડે છે. પરંતુ રેર બ્લડ ગ્રુપની જરૂરીયાતના સંજોગોમાં દર્દી અને ડોકટરોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. બ્રિટનમાં કૃત્રિમ લોહી અંગે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો કહે છે કે વૈશ્વિક સ્તરે લોહીનો એક વિકલ્પ હોય તેવી જરૂરીયાત છે. એક એવી પ્રોડકટ હોય જે કુદરતી લોહી ઉપલબ્ધ ન હોવાના સંજોગોમાં કામ આવી શકે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કુદરતી લોહી અન્યને ચઢાવતી વખતે વિવિધ બીમારીનું સંક્રમણ થવાનું જે જોખમ રહે છે તેની સામે કૃત્રિમ લોહી પ્રમાણમાં વધુ સુરક્ષિ હશે. તેના માટે ડોનરની પણ જરૂરીયાત નહીં હોય. લેબોરેટરીમાં જ જોઈએ તેટલું લોહી બનાવી શકાશે. દાનમાં મળી રહેલા સ્ટેમ સેલમાંથી લોહી બનાવવામાં આવી રહયું છે.દરેક સ્ટેમ સેલમાંથી સરેરાશ પ૦ હજાર રેડ બ્લડ સેલ બને છે જે અપુરતા છે. જેથી સંશોધકોને સ્ટેમ સેલના વધુ દાનની જરૂર પડે છે.

હોસ્પિટલમાં સામાન્ય રીતે જેનો ઉપયોગ થાય છે તે લોહીના એક યુનિટની બેગમાં સરેરાશ એક ટ્રીલીયન રેડ બ્લડ સેલ હોય છે. સ્ટીમ સેલ્સ અમુક સમયે નાશ પામે છે. જેથી વૈજ્ઞાનિકો તેનું વિભાજન કરી રેલ બ્લડ સેલ ઉત્પન્ન કર્યા જે નાશ થતાં નથી. જેથી નવા ડોનરની જરૂર પડતી નથી. કૃત્રિમ લોહીનું હાલ કલીનીકમાં મર્યાદિત જથ્થામાં નિર્માણ કરવામાં આવી રહયું છે. તેનો કલીનીકલ ઉપયોગ શરૂ થાય એટલે પુરતાપ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવશે. કલીનીકલ ટ્રાયલમાં કૃત્રિમ લોહી કેટલું ખરૂ ઉતરે છે તે જોવા વૈજ્ઞાનિકો આતુર બન્યા છે. જો અપેક્ષા મુજબ બન્યું તો તબીબી જગતમાં એક નવા યુગની શરૂઆત થશે. વૈજ્ઞાનિકો વર્ષોથી કૃત્રિમ લોહી બનાવવા પ્રયાસ કરી રહયા છે જેનો ઉપયોગ કૃદરતી લોહીના વિકલ્પ રૂપે દર્દીઓમાં કરી શકાય. રેડ સેલ પ્રોડકટ દર્દીઓની સારવારને નવી દિશા આપશે. જે બીમારીમાં લોહીની સતત જરૂર પડે છે તેવા દર્દીઓ માટે કૃત્રિમ લોહી આશીર્વાદરૂપ બની રહેશે.

(4:40 pm IST)