Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાજપ માટે પડકારઃ કારોબારી સભ્યો માટે દ્વિધાભરી પરિસ્થિતિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં બજેટ માટે ૨૧મીએ સામાન્ય સભાઃ બાગીઓને 'ખેલ' પાડવાની તક

રાજકોટ તા.૧૧: કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા. ૨૧મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે  પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં ચાલુ વર્ષનું સુધારેલ બજેટ અને નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ રજુ થશેે. કારોબારીએ બુધવારે સર્વાનુંમતે મંજુર કરીને મોકલેલ બજેટ સામાન્ય સભામાં રજુ થશે. પંચાયતમાં સતા પલ્ટા માટે લાંબા સમયથી નિષ્ફળ પ્રયાસો કરી રહેલ ભાજપ અને કોંગીના બાગીઓને બજેટ બેઠકમાં ખેલ પાડવાની વધુ એક તક મળી છે. બજેટ બેઠક પહેલા જ પક્ષાંતરધારા હેઠળના કેસનો ચૂકાદો આવવા પાત્ર છે.

બજેટ સર્વાનુંમતે મંજુર કરવા માટે બાગીઓ અને ભાજપે કોંગ્રેસના નિર્ણયમાં સૂર પૂરાવવો પડે તેમ છે. સાદી બહુમતીથી બજેટ નામંજુર કરી સુપરસીડનો માર્ગ મોકળો કરી શકાય તેમ છે. તેના માટે ગૃહમાં સાદી બહુમતી જરૂરી છે. જો કારીબારી સભ્યો બજેટ તરફી મતદાન કરે તો કોંગ્રેસની લાઇનમાં રહયાનું ગણાશે અને સતાપલ્ટાનું સ્વપ્ન રોળાશે. જો વિરૂદ્ધમાં મતદાન કરે પક્ષાંતરધારા ભંગનો આરોપ લાગે અને પોતે જ કારોબારીમાં મંજુર કરેલા બજેટને સામાન્ય સભામાં નામંજુર કરવા મતદાન કરવું પડે તેવી સ્થિતિ છે. અવિશ્વાસ દરખાસ્તની વાત પણ હજુ ચર્ચામાં જ છે.(૧.૪)

(10:27 am IST)