Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કોર્પોરેશનના ઓડિટોરિયમ-પ્લાન્ટ ફીલ્ટર પાણીનાં ટાંકાની સુરક્ષામાં છીંડાઃ સિકયોરિટી એજન્સીઓને દંડ ફટકારતા કમિશનર

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ-ન્યારી ફીલ્ટર પ્લાન્ટ અને કાલાવડ રોડ પાણીનાં ટાંકામાં સિકયોરિટી ગાર્ડની ગેરહાજરી સબબ પેન્થર-ભાગ્યોદય અને શિવ સિકયોરિટી એજન્સીઓને પાંચ-પાંચ હજારનો દંડ

રાજકોટ તા.૧૦: મ્યુ.કોર્પોરેશન દ્વારા મિલ્કતોનાં રક્ષણ માટે કરોડોનાં ખર્ચે ખાનગી સિકયોરિટી એજન્સીઓને સુરક્ષાનાં કોન્ટ્રાકટો આપવામાં આવ્યા છે ત્યારે ઓડિટોરિયમ પાણીનાં ટાંકા અને ફીલ્ટર પ્લાન્ટ જેવા સંવેદનશીલ સ્થળોની સુરક્ષામાં  ઘોર બેદરકારી સબબ ત્રણ-ત્રણ સિકયોરિટી એજન્સીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ મ્યુ.કમિશનર પાનીએ ફટકાર્યો છે.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગર પાલિકાના સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન સિકયુરિટી એજન્સીઓના સિકયુરિટી ગાર્ડની ગેરહાજરી જોવા મળતા સંબંધકર્તા એજન્સીઓને નોટીસ આપી યોગ્ય પુર્તતા કરવા જણાવવામાં આવ્યું હતું. સંબંધકર્તા પ્રાઇવેટ સિકયુરિટી એજન્સીઓને અપાયેલ નોટીસ ગ્રાહ્ય રાખવાપાત્ર ન જણાતા એજન્સીઓને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.જેમાં (૧) પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, (ર) ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, કાલાવડ રોડ, (૩) કાલાવડ રોડ, પાણીનો ટાંકો આ ત્રણેય સ્થળોએ સિકયોરિટી ગાર્ડની ગેરહાજરી સબબ અનુક્રમે પેન્થર, ભાગ્યોદય અને શિવ સિકયોરિટી આ ત્રણેય એજન્સીઓને રૂ. પાંચ -પાંચ હજારનો દંડ ફટકારાયો છે.

(3:36 pm IST)