Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

દહેજધારાના કેસમાં ૭ વર્ષથી ફરાર દંપતિને કુવાડવા રોડ પોલીસે પકડ્યું

૨૦૧૧માં મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા બંને ફરાર થઇ ગયા'તા

રાજકોટ તા. ૧૮: મહિલા પોલીસ મથકમાં સાત વર્ષ પહેલા નોંધાયેલા દહેજ પ્રતિબંધક ધારા હેઠળના ગુનામાં સતત ફરાર દંપતિને કુવાડવા રોડ પોલીસે પકડી લઇ મહિલા પોલીસ મથકમાં રજૂ કર્યા છે.

કુવાડવા રોડ પોલીસ મથકની ટીમે ચોક્કસ માહિતી પરથી કુવાડવા રોડ ચોકડીએથી કોૈશિક મહેન્દ્રભાઇ ભીમજીયાણી (ઉ.૪૧-રહે. ૨૦૧ સ્મિત એન્કલેવ, સંતોષ પાર્ક પાસે રૈયા રોડ) તથા તેના પત્નિ યોગીતા કોૈશિક ભીમજીયાણી (ઉ.૩૯)ને પકડી લીધા હતાં. આ બંને વિરૂધ્ધ સાત વર્ષ પહેલા મહિલા પોલીસ મથકમાં ફર્સ્ટ ગુના નં. ૨૯/૨૦૧૧ હેઠળ આઇપીસી ૪૯૮ (ક), ૪૦૬,૩૨૩, ૧૧૪ અને દહેજ પ્રતિબંધકધારા હેઠળ ગુનો દાખલ થયો હતો. ત્યારથી આ બંને ફરાર હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલે ભાગતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા, મનિષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ, દિલીપભાઇ, હિતેષભાઇ માલકીયા સહિતને ટીમે સાત વર્ષથી ફરાર દંપતિને પકડી લઇ મહિલા પોલીસમાં સોંપ્યા છે. તે વખતે કોૈશિક ભીમજીયાણીના નાના ભાઇના પત્નિએ ફરિયાદ કરી હતી. જેમાં કોૈશિકના નાના ભાઇ, માતા તથા પિતાની જે તે વખતે ધરપકડ થઇ ગઇ હતી. કોૈશિક અને તેના પત્નિ બહારગામ જતાં રહ્યા હતાં અને સતત ત્યારથી ફરાર હતાં. જેને હવે પકડી લેવાયા છે. (૧૪.૬)

 

(2:54 pm IST)