Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દેશ સેવા માટે જીવન ખર્ચી નાખનાર સૈનિકો - તેમના પરિવારોને મદદરૂપ બનવાનો કાલે અમુલો અવસર

કાલે શસસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવાશે : સૈનિક પરિવારોના કલ્યાણ અર્થે ફંડ એકત્ર કરાશે

રાજકોટ તા. ૬ : દેશ સેવા માટે જીવન ખર્ચી નાખનાર સૈનિકો અને તેમના પરિવારોને બનતી મદદ કરવાના હેતુથી  દર વર્ષે ૭ ડીસેમ્બરે 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ની ઉજવણી કરવામાં આવે છે. તેમના માટે ફંડ એકત્ર કરવામાં આવે છે.

આ અંગેની વિગતો વર્ણવતા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરીના કૌશિકભાઇ અનડકટ અને કિરણભાઇ ભટ્ટીએ જણાવેલ કે આજે આમ નાગરીક આરામની નિંદર માણી શકે છે તેના માટે જાનના જોખમે સરહદો સંભાળતા સૈનિકો ઘાયલ થાય કે જીવ ગુમાવે ત્યારે તેમના પરિવારોને આર્થીક મદદ માટેની વ્યવસ્થા કરવા દર વર્ષે 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરી ભંડોળ એકત્ર કરવામાં આવે છે.

આ વર્ષે પણ રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વવસવાટ કચેરી દ્વારા આ ઉજવણીના ભાગરૂપે કાલથી ફંડ એકત્રીકરણ શરૂ કરાશે. ખુદ કલેકટરશ્રી દ્વારા તેમની કચેરીમાં કાલે સ્ટીકર લગાવી યથા શુકનરૂપ ફંડ જમા કરાવી આ કાર્યનો આરંભ કરાવવામાં આવશે.

આ ફંડ માટે દરેક મુખ્ય મથકોને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. જે મુજબ રાજકોટ જિલ્લાને કાલથી તા. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૨૫ લાખ એકત્ર કરવાનો ટાર્ગેટ અપાયો છે. રાજકોટ જિલ્લાની આ કચેરી હેઠળ મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી મળી છ જિલ્લાઓ આવરી લેવામાં આવે છે. એટલે કે આ છ જિલ્લામાં સૈનિકો તેમના પરિવારોને મદદ કરવાની જવાબદારી વહન કરવામાં આવે છે. તેમના બાળકોને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ કચેરીની ટીમ દ્વારા સરકારી કચેરીઓ, ખાનગી ઉદ્યોગ સંકુલો, શાળાઓમાં ફરી ફંડ એકત્રી કરણનું કાર્ય કરવામાં આવે છે.

આવતી કાલે જ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ હોય લોકોએ ઉદાર હાથે ફંડ જમા કરાવવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી (ફોન ૦૨૮૧ ૨૪૭૬૮૨૫) ના હેડ કલાર્ક કૌશિકભાઇ અનડકટ (મો.૯૮૨૪૮ ૧૯૦૯૪) અને કિરણભાઇ ભટ્ટી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:39 pm IST)