Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

લીમડા ચોકમાં ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ધમાલઃ બીશુ વાળા સહિત ત્રણ સામે ગુનોઃ એકની ધરપકડ

કાર સાઇડમાં લેવાનું કહેતાં પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની અને માર મારવાની ધમકી અપાયાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: લીમડા ચોકમાં સમી સાંજે પાવન ટ્રાવેલ્સની ઓફિસ સામેના રોડ પર ઇનોવા કારમાં આવેલા બીશુ વાળા સહિતના ત્રણ શખ્સોએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ સાથે માથાકુટ કરી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી ધમકી આપતાં ભારે દેકારો મચી ગયો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બીશુ વાળા સહિત બે ત્યાંથી નીકળી ગયા હોઇ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે કોન્સ. રાહુલ હરેશભાઇ જળુની ફરિયાદ પરથી જીજે૩જેએલ-૧૨૩૪ નંબરની ઇનોવા કારમાં આવેલા બીશુ વાળા તથા બે અજાણ્યા સામે આઇપીસી ૧૮૬, ૧૮૯, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. રાહુલ જળુએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે પાંચથી નવ સુધી લીમડા ચોક ખાતે પોતાની ફરજ પર હતો ત્યારે સાથે ટ્રાફિક બ્રિગેડ નરેશ પરમાર પણ હતાં. આ વખતે સફેદ રંગની ઇનોવા રસ્તા વચ્ચે ઉભી રાખી દેવામાં આવી હોઇ બીજા વાહનોને નીકળવામાં તકલીફ થતી હોવાથી ટ્રાફિક બ્રિગેડ નરેશભાઇએ કાર ચાલકને સાઇડમાં કા લેવાનું કહેતાં તેણે કાર ન લેતાં પોતે પણ ત્યાં ગયેલ અને ડ્રાઇવીંગ સીટ પર બેઠેલી વ્યકિતને કાર સાઇડમાં લેવા જણાવતાં તેણે ગાળાગળી શરૂ કરી હતી. કારમાં બીજા બે શખ્સો પણ હતાં. આગળની સીટી પર બેઠેલા બંને જણાએ કેફી પીણું પીધું હોય તેવુ જણાતું હતું.  ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા શખ્સે 'તું કોણ મને ગાડી સાઇડમાં લેવાનું કહેવા વાળો, તું મને ઓળખતો નથી, મારું નામ બીશુ વાળા છે, તારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ' તેમ કહી 'તું અહિથી જતો રહે નહિતર અમારા હાથનો માર ખાઇશ' તેવી ધમકી આપી હતી. ત્યાં બીજા ટ્રાફિક બ્રિગેડના માણસો આવી ગયા હતાં. કારમાં બેઠેલા ત્રણેયે ફરજમાં રૂકાવટ કરી માર મારવાની ધમકી આપી ગાળો દીધી હતી.  ફરિયાદીએ કારના ફોટા પાડી લીધા હોઇ તેના આધારે નંબર મળ્યા હતાં. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

પીએસઆઇ એસ. વી. સાખરા અને ડી. સ્ટાફની ટીમે જરૂરી કાર્યવાહી કરી કારમાં બેઠેલા પૈકી હરિશ્ચંદ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.૭૦)ની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ શરૂ કરી છે.

(3:42 pm IST)