Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ત્રિકોણબાગ પાસે એસટી બસના ચાલકને બૂલેટના ચાલકે બે લાફા મારી દીધા

વળાંકમાં બસ નીકળતાં પોતે આળગ નીકળી ન શકતાં ઉશ્કેરાઇ ગયો : જીજે૩જેડી-૫૦૮૦ નંબરના બૂલેટના ચાલકને શોધતી એ-ડિવીઝન પોલીસ

રાજકોટ તા. ૧૧: ત્રિકોણબાગ પાસે એક બૂલેટ ચાલક એસટી બસની સાઇડ કાપી ન શકતાં અને સાઇડમાં ઉભુ રહેવું પડતાં ઉશ્કેરાઇ જઇ આગળ જઇ બસને આંતરી તેના ચાલકને બે ફડાકા મારી દેતાં પોલીસે ગુનો નોંધી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ સંદર્ભે એ-ડિવીઝન પોલીસે મેંદરડા રહેતાં અને જુનાગઢ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં જાહીદભાઇ હમીદભાઇ સોલંકી (ઉ.૪૨)ની ફરિયાદ પરથી બૂલેટ નં. જીજે૩જેડી-૫૦૮૦ના ચાલક સામે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જાહીદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગઇકાલે જુનાગઢ-પાલનપુર રૂટની બસ નં. જીજે૧૮ઝેડ-૨૪૫૩ લઇને કંડકટર સંદિપભાઇ નળીયાપરા સાથે ગઇકાલે સવારે સવા દસેક વાગ્યે જુનાગઢથી નીકળ્યા હતાં. બપોરે સવા બારેક વાગ્યે ઢેબર રોડ પરથી ત્રિકોણ બાગ તરફ જતાં ઢેબર ચોકમાં વળાંક લેતા હતાં ત્યારે બૂલેટનો ચાલક નીકળી શકેલ નહિ અને તેને સાઇડમાં ઉભુ રહેવું પડ્યું હતું. આથી તે ગુસ્સે ભરાયો હતો અને આગળ જઇ ત્રિકોણ બાગ સીટી બસ સ્ટોપ પાસે રોડ આડે બૂલેટ રાખીને ઉભો રહી ગયો હતો. જેથી બસ ઉભી રાખવી પડી હતી. તે સાથે જ તેના ચાલકે નજીક આવી જેમ તેમ ગાળો દીધી હતી અને હલાવતા નથી આવડતી? તેમ કહી ઝઘડો કરતાં પોતે બસમાંથી નીચે ઉતરતાં અને ચાલકને બૂલેટ સાઇડમાં લઇ લેવા સમજાવતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને બે ફડાકા મારી દીધા હતાં. કંડકટર સંદિપભાઇએ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કર્યો હતો. પોતાને ચક્કર આવવા માંડતા ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એએસઆઇ ડી. બી. ખેરએ જાહીદભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. જ્યુબીલી ચોકીના પીએસઆઇ જે. ડી. વસાવાએ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(3:41 pm IST)