Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કારખાનાઓમાં વેરા ઘટાડાને સરકારની મંજુરીઃ તંત્રને ૨૦ કરોડની આવક થશે

કોર્પોરેશને ઈન્ડસ્ટ્રીયલ વેરા આકરણીનો ભારાંક ૨.૫માંથી ઘટાડી ૧.૭૫નો કરતા હવે વાવડી સહિતના કારખાનેદારો મિલ્કત વેરો ભરવા લાગશે

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ વેરા પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જેમાં તમામ મિલ્કતોની નવેસરથી કાર્પેટ એરીયા મુજબ વેરાની આકરણી કરવામાં આવી છે. આ નવી આકરણી સામે શહેરના કારખાનેદારોએ વિરોધ દર્શાવી અને આકરણી ઘટાડવા માંગ ઉઠાવી હતી. જે સંદર્ભે કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપ દ્વારા સ્ટેન્ડીંગ કમિટિ અને જનરલ બોર્ડમા ઠરાવ કરી અને કારખાનાઓની વેરા આકરણીનો ભારાંક ઘટાડી સરકારની મંજુરી અર્થે મોકલ્યો હતો. જેને સરકારે વહીવટી મંજુરી આપી દેતા હવે શહેરના અંદાજે ૧૩૦૦૦ જેટલા કારખાનેદારો કે જેઓએ વધારે વેરાના કારણે કારખાનાઓનો વેરો ભર્યો નથી તેઓ વેરો ભરવા લાગશે આથી તંત્રને અંદાજે ૧૮થી ૨૦ કરોડની આવક થવાની આશા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ શહેરમા નવા ભેળવાયેલ વાવડી સહિતના વિસ્તારોમાં જે નાના મોટા કારખાનાઓ છે. તેની કાર્પેટ વેરા આકરણી કોર્પોરેશનના ટેક્ષ વિભાગે ૨.૫૦ ટકાના ભારાંક મુજબ કરતા તેના કારણે કારખાનાઓમાં લાખો રૂપિયાઓનો વેરો આવતા આ વેરો અસહ્ય હોવાની રજૂઆત કારખાનેદારોએ કોર્પોરેશનના પદાધિકારીઓને કરી હતી. આ રજૂઆત બાદ પદાધિકારીઓએ સ્ટેન્ડીંગ કમિટિમાં ખાસ ઠરાવ કરી અને ઈન્ડસ્ટ્રીયલ વેરા આકરણીનો ભારાંક ૨.૫ માંથી ઘટાડી ૧.૭૫નો કરી નાખ્યો હતો અને તેને રાજ્ય સરકારની મંજુરી માટે રજૂ કરેલ. દરમિયાન રાજ્ય સરકારે આ વેરા ઘટાડાને મંજુર કરી દેતા હવે નવેસરથી તમામ કારખાનેદારોને ઘટાડેલા વેરા મુજબ બીલ આપવામાં આવશે. આમ હવે શહેરના ૧૩૦૦૦ જેટલા કારખાનેદારો મિલ્કત વેરો ભરવા લાગશે. જેથી તંત્રને રૂ. ૨૦ કરોડની વેરા આવક થવાની આશા છે.

(3:38 pm IST)