Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

શહેરમાં રોગચાળાનો ફૂફાડોઃ સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૩ કેસ

સામાન્ય શરદી, ઉધરસ, ઝાડા ઉલટીનાં ૨૨૫ દર્દીઓ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં ચોપડે નોંધાયાઃ મેલેરિયા વિભાગે દવા છંટકાવ અને દંડ ફટકારવાની કામગીરીના આંકડા રજૂ કર્યા

રાજકોટ, તા. ૧૧: શહેરમાં છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ-મેલેરિયા વકરી રહ્યો છે અને છેલ્લા અઠવાડિયામાં શહેરભરમાંથી સત્તાવાર રીતે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત અન્ય તાવના ૨૫૦ જેટલા દર્દીઓ નોંધાતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ જાહેર કરેલ છેલ્લા ૧ અઠવાડિયાના રોગચાળાના આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડિયામાં સામાન્ય શરદી-ઉધરસ-તાવના ૧૪૨, ડેેન્ગ્યુ અને મેલેરિયાના ૨૭, ટાઇફોઇડના ૨ તથા અન્ય તાવના ર૪ એમ આ તમામ મળી તાવના કુલ ૨૮૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.

ડેન્ગ્યુના જે ર૩ કેસ નોંધાયા છે તેમાં  ગુલાબનગર, ખોડીયારનગર, ભીમરાવનગર, ગંજીવાડા, આબેડકરનગર, ઇન્દીરાનગર, ઇન્ડીયન પાર્ક, શુભમ પાર્ક, વાવડી બેડીપરા, રાણીમારૂડીમા ચોક, જીલ્લા ગાર્ડન, સ્લમ કર્વા., પોપટપરા, જંગલેશ્વર, જાગનાથ પ્લોટ, ઉમાકાંત ઉદ્યોગનગર, સીતારામ પાર્ક, ગુલાબવાડી, શિવનગર, રામનાથપરા, ઠક્કરબાપા હરિજનવાસ, અક્ષરનગર, લોધેશ્વરમાં સહિતના શહેરમાં લગભગ વિસ્તારો ડેન્ગ્યુની લપેટમાં આવી ગયાનું નોંધાયું છે.

દરમિયાન મેલેરિયા વિભાગે મચ્છરોના રોગચાળાને કાબુમાં લેવા માટે ૮,૭૪૫ મકાનોમાં ફોંગીંગ કરી અને ગંદા પાણીના ખાડામાં દવા છંટકાવ કરાયાનું તેમજ મચ્છરોના ઉપદ્રવ સબબ ૪૫,૩૦૦ નો દંડ વસુલ કરાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

આમ આરોગ્ય અને મેલેરિયા વિભાગ હજારો મકાનોમાં દવા છંટકાવ સહીતની કામગીરી કર્યાનું જાહેર કરી રહ્યું છે, પરંતુ આ માત્ર કાગળો જ હોવાનુ રોગચાળાો કાબુમાં લેવામાં તંત્ર વામણું સાબીત થઇ રહ્યાની લોક ફરિયાદ ઉઠવા પામી છે.

 

(3:27 pm IST)