Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજકોટ જિલ્લા જવાબદારી ગોવિંદભાઇ પટેલના શિરે

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની દુર્દશા હતીઃ જુઠ્ઠાણાના જવાબ માટે ગામડાઓમાં ભાજપની ખાટલા બેઠકો

ભાજપ સરકારે વિકાસ, શાંતિ અને સલામતી આપીઃ ટેકાના ભાવ દોઢા કર્યા

જય જવાન, જય કિશાનઃ રાજકોટ જિલ્લાની ખાટલા બેઠકો સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કિશાન મોરચાના પ્રમુખ વિજય કોરાટ, મિડીયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળ વગેરેએ અકિલાની મુલાકાત લીધીલે તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા.૧૧: નરેન્દ્રભાઇ મોદીએ કિસાનો માટેના વિકાસ માટે કંડારેલી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતહિતલક્ષી નીતિઓ અપનાવી ખેડૂતો માટે લાભદાયક એવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેમ રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ કોંગ્રેસની બેધારી નીતિને વખોડતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ  દેવામાફીના મુદે, સિંચાઇ, સબસીડી, વીજળી, પીડીસી કનેકશન, ટેકાના ભાવ, પાકવીમાના પ્રશ્ને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. કોંગ્રેસ તેનો ભૂતકાળ યાદ કરી જવાબ આપે. કેન્દ્રની યુપીએ કોંગ્રેસની સરકારે ૨૦૦૯માં દેવાનાબુદીની જાહેરાત કરી ત્યારે કિસાનો પર કુલ ૭ લાખ કરોડનું દેવું હતું અને કોંગ્રેસ માત્ર ૭૦ હાજર કરોડની જાહેરાત કરીને કિસાનોની મશ્કરી કરી ૩૦ લાખ કિસાનો માંથી માત્ર ૪.૫ લાખ કિસાનોને લાભ મળ્યો હતો. વ્યાજમાફીના રૂપિયા કિસાનોને ૨૦૧૧ સુધી બેંકોને આપ્યા નહિ અને તે આખા ભારતની ૧૧૫૦ કરોડની રકમ ૪ વર્ષ સુધી ન આપી અને ૫૫૦ કરોડ જ ગુજરાતને આપ્યા જેમાંથી ફકત રાજકોટ જીલ્લાને ૨૫ કરોડજ માંડ મળ્યા હતા. કેન્દ્રની કોંગ્રેસ સરકારે છેક વર્ષ ૨૦૧૧માં આપતા રાજ્ય સરકારે ૪૫ ટકા તેના ઉપર વ્યાજ ચુકવવું પડ્યું હતું. આ સમયે ગુજરાતને સહકારી મંડળીઓ ઝીરો ટકા વ્યાજથી ધિરાણ આપતી હતી. તો કોંગ્રેસ ૪૫૦૦૦ કરોડના દેવા માફીની વાત કયાં મોઢે કરી રહી છે??? તેમાં પણ નિયમિત સમયસર ભરપાઇ કરનારા પ્રામાણિક ખેડુતોને ગુજરાતમાં એક ફુટી કોડી પણ મળી નથી. કિસાનોના નામે મગરના આંસુ સારતી કોંગ્રેસને તેના શાસનકાળનો કાળો ઇતિહાસ યાદ કરી જોવે. કોંગ્રેસના શાસનમાં કિસાનોની દુર્દશા અને બર્બરતા જેવી જિંદગી બની ગઇ હતી.

કોંગ્રેસએ નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજુરી ન આપીને ખેડૂતોને પડ્યા ઉપર પાટા માર્યા હતા. જયારે ભાજપા સરકારે શાસનધુરા સંભાળતા જ નરેન્દ્રભાઇ મોદીએ ૧૭ દિવસમાં જ મંજુરી આપી દીધી હતી. કોંગ્રેસના નેતાઓને ખેડુતોના વિકાસની વાત શોભતી નથી.

ગોવિંદભાઇ અને ડી.કે.એ જણાવેલ કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોએ પુરતી વીજળીની માંગ માટેના આંદોલનો કર્યા પરંતુ કોંગ્રેસએ વીજળી આપવાના બદલે ૧૬ ખેડુતોને ગોળીઓ ધરબીને વીજળીને બદલે મોત આપ્યા. ખેડુતોની મોટરો બળી જતી. જયારે ભાજપા સરકારે ૨૦ વર્ષથી ૦.૬૦ પૈસા યુનિટ અને ફિકસ એચપી વાળાને તો.૦.૨૦ પૈસા યુનિટ વીજળી આપવામાં આવે છે. વીજળીમાં સરકારે ૧૦,૦૦૦ કરોડની સહાય કરે છે. કોંગીના શાસનમાં ૧૭-૧૭ વર્ષો સુધી ખેડુતોને વીજ કનેકશન પેન્ડીંગ રહેતા હતા. જયારે ભાજપા સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૫.૧૫ લાખ વીજળી કનેકશન આપ્યા. અત્યાર સુધીમાં ૧૫.૫ લાખ કરતા પણ વધારે વીજ કનેકશન આપ્યા. કોંગ્રેસના શાસનમાં વર્ષ ૧૯૮૫ થી ૯૫ ૧૦ વર્ષ ૫૯૦ કરોડનું જ બજેટ હતું જયારે ભાજપાના શાસનમાં વર્ષ ૨૦૦૬ થી ૧૮ સુધીના ૧૦ વર્ષમાં ૩૬,૮૬૦ કરોડનું કૃષિ બજેટ ફાળવીને ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કર્યા. ભાજપા સરકારે ખેડૂત અકસ્માત વીમો ૧ લાખથી વધારી ૨ લાખ રૂપિયાની કરવામાં આવ્યો.

દૂધ ઉત્પાદન

કોંગ્રેસના શાસનમાં દૂધ ઉત્પાદન ૪૪.૫૯ લાખ મેટ્રિક ટન હતું જ્યારે ભાજપાના શાસનમાં ૧૩૫.૬૯ લાખ મેટ્રિક ટન એટલે ૩૫૦ ટકાનો વધારો થયો છે. કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓ મૃતઃ પાય બની હતી. જે ભાજપાએ ખેડૂતો માટે પશુપાલક એક પુરક વ્યવસાય આપીને ખેડૂતોને સમૃદ્ધ કર્યા અને તમામ ડેરીઓ પુનઃ ધમધમતી કરી રોજગારીની મોટી તકો ઉભી કરી.

પાક વીમો

કોંગીના શાસનમાં ૧૨ ટકા જેટલું ઊંચુ પ્રીમીયમ હતું. ખેડુતોની હક્કની વિમાની રકમ મેળવવા આંદોલનો અને ગોળીઓ ખાવી પડતી જયારે ભાજપાની સરકારે પાકવીમા માટે ખેડૂતોને ફાયદારૂપ પદ્ધતિ અપનાવી જેમાં ખેડ,મજુરી,પડતર,બિયારણ, સિંચાઇ, લણણી, ટ્રાન્સપોર્ટ, ખેડુત પોતે મજુરી કરે તે પણ ગણી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડુતની પડતર કિમતમાં ૫૦ ટકા વધારો કરીને ટેકાના ભાવ આપીને ખેડૂતોનું હિત ભાજાપાએ જોયું છે.

કોંગ્રેસ પોતાનો ભૂતકાળ યાદ કરે ખેતરોમાં ઉભા પાક સળગાવી નાખતા હતા. પીવાના પાણી માટે બેડાયુધ્ધો થતા ખેડૂતોની માંગણીના આંદોલનોમાં ગોળીઓ ધરબી દેતા ઔદ્યોગિકરણના નામે ખેડુતોની જમીનો હડપ કરી લીધી.

જયારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેતીની જમીન ખરીદીમાં ૯ કિ.મી.નો કાળો કાયદો દુર કર્યો. ગુણવત્તાયુકત વીજળી પુરી પાડે છે. ગામડાઓમાં નેટવર્ક, કોલ્ડસ્ટોરેજ, સંગ્રહ માટેના ગોડાઉનો તથા એગ્રીકલ્ચર ઇન્ક્રાસ્ટ્રકચરની સુવિધા આપી ટેન્કર રાજ ખતમ કર્યા અને ગામડે ગામડે પીવાના પાણી આપ્યા. ૧૦૮ની સુવિધા આપી. સરકારી હોસ્પિટલ સુવિધાયુકત બનાવી સરકારી ભરતીમાં પારદર્શક ભરતી. રાજ્યને દંગામુકત અને કફર્યુમુકત બનાવ્યું. ઘરે-ઘરે શૌચાલયો બનાવ્યા. ઘર બેઠા આરોગ્ય સુવિધા, ગરીબોને આવાસો આપ્યા. ભાજપાના કાર્યકર્તાઓએ ગામડે-ગામડે ઘરે-ઘરે ફરીને કિસાનો સામે મૂકી જુઠાણાઓ દ્વારા ગેરમાર્ગે દોરતી કોંગ્રેસને ભાજપાનો પ્રત્યેક કાર્યકર ખાટલા બેઠકો યોજીને કોંગ્રેસને એના જુઠાણાનો જડબાતોડ જવાબ આપશે અત્યારે ખાટલો બેઠકો ચાલુજ  છે તેમ ગોવિંદભાઇ, ડી.કે., ભાનુભાઇ  અને વિજયભાઇ કોરાટે જણાવ્યુ હતુ.(૩.૧)

(11:52 am IST)