Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રાજકોટમાં અષાઢીબીજે ચારણીયા સમાજ દ્વારા નાગબાઇમાંની શોભાયાત્રા

કિસાનપરા ચોકથી પ્રારંભ અને નિયત રૂટ પર ફરી રેસકોર્ષ મેદાનમાં વિરામ : વિદ્યાર્થી સન્માન તથા સમુહ ભોજનનું પણ આયોજનઃ ૧૪ ફુટની નાગબાઇમાંની મુર્તિ અને વિશાળ ત્રિશુળ સાથેનો મુખ્યરથ હશે બાદમાં ૧૧ બુલેટ તેમજ ધર્મધ્વજ સાથે ૫૧ યુવાનો જોડાશે : પરંપરાગત પહેરવેશમાં સમસ્ત ચારણીયા સમાજ સામેલ થશે

રાજકોટ તા. ૧૧ : ચારણીયા સમાજને આત્મગૌરવ અપાવનાર પૂ. આઇશ્રી નાગબાઇમાંનો પ્રાગટય ઉત્સવ અષાઢીબીજના તા. ૧૪ ના શનિવારે રાજકોટ ખાતે ધામધુમથી ઉજવવા ચારણીયા સમાજ દ્વારા આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા ચારણીયા સમાજ રાજકોટના યુવાનોએ જણાવેલ કે ગત વર્ષે પ્રથમ વખત પૂ. નાગબાઇમાનો જન્મોત્સવ ઉજવાયો હતો. ધારી સફળતા મળતા આ વર્ષે વિશાળ આયોજન કરાયુ છે.

તા. ૧૪ ના શનિવારે અષાઢી બીજના આઇશ્રી નાગબાઇમાંની શોભાયાત્રા, વિદ્યાર્થી સન્માન અને ભોજન સમારોહ એમ ત્રિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે.

સવારે ૧૦ વાગ્યે કિસાનપરાથી બેન્ડની સુરાવલીઓ વચ્ચે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, માલવીયા ચોક, ત્રિકોણબાગ, જવાહર રોડ, જયુબેલી ચોક, આરડીસી બેંક રોડ, ચૌધરી હાઇસ્કુલ ચોક થઇ રેસકોર્ષ મેદાનમાં સમાપન પામશે.

જયાં ચારણીયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે ધો. ૧ થી ૧૨ માં સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા હોય તેઓનું શિલ્ડ આપી સન્માન કરાશે. અંદાજીત ૬૫૧ વિદ્યાર્થી ભાઇ બહેનોને સન્માનીત કરવામાં આવનાર છે.

શોભાયાત્રામાં પૂ. આઇશ્રી નાગબાઇ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા મુખ્ય રથમાં બીરાજશે. વિશાળ ત્રિશુલ પણ આકર્ષણ જમાવશે. મોખરે ૧૧ બુલેટ બાઇક ઉપર ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે.  ૫૧ યુવાનો ભગવી ધ્વજા સાથે સુરક્ષા કવચ પુરૂ પાડશે. વડીલો, બાળકો, બહેનો બધા જ ચારણીયા સમાજના પરંપરાગત પોશાક ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે.

રાજકોટ જ નહીં અમદાવાદ, જામનગર, ખંભાળીયા, કાલાવડ, કચ્છ સહીત સૌરાષ્ટ્રભરમાં વસતા ચારણીયા સમાજના લોકો આ ઉત્સવમાં ધંધા રોજગાર બંધ રાખીને સામેલ થાય તે માટે પુરજોશથી તૈયારી આદરવામાં આવી છે.

સમગ્ર આયોજનની વિશેષ વિગત માટે મો.૯૭૨૩૯ ૩૮૩૩૩, મો.૯૯૧૩૫ ૫૧૪૧૨, મો.૯૯૭૮૮ ૨૩૩૨૧, મો.૯૭૨૪૫ ૩૯૯૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. સમસ્ત ચારણીયા સમાજને મોટી સંખ્યામાં ઉત્સવમાં સામેલ થવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કાર્યક્રમોની વિગતો વર્ણવતા સમસ્ત ચારણીયા સમાજના યુવા આગેવાનો સર્વશ્રી રવિભાઇ બઢીયા, સુરેશભાઇ ગર (મો.૯૯૭૪૦ ૦૫૮૨૯), યાજ્ઞીકભાઇ ગોગીયા, દિનેશભાઇ ચારણીયા, લલિતભાઇ ચૌહાણ, કેતનભાઇ આઠુ, પ્રદિપભાઇ ગુગળીયા (મો.૯૯૯૮૯ ૧૭૫૧૦), પ્રવિણભાઇ ગોગીયા, નરેશભાઇ ગોગીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

 

(4:14 pm IST)