Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જિલ્લા પંચાયત માટે ભાજપની 'સાઇકલોન સિસ્ટમ': માસાંતે કોંગ્રેસ પર ત્રાટકશે

કોંગ્રેસની તોતીંગ બહુમતી છે એ વાસ્તવિકતા, બહુમતીને લઘુમતીમાં ફેરવવા ભાજપની મતિ સાથે ગતિઃ ગઇકાલે સ્થાનીક અગ્રણીઓને ગાંધીનગર તેડાવી એકશન પ્લાન ઘડાયોઃ સામાન્ય સભાનો એજન્ડા બહાર પડે એટલે ભાજપ પોતાનો 'એજન્ડા' અમલમાં મૂકશે

રાજકોટ તા.૧૧: કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભંગાણ કરાવવા ભાજપે જોયેલું  સપનું સાકાર કરવાની દિશામાં પગલા મંડાયા છે ગઇકાલે ગાંધીનગરમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાના આગેવાનોની હાજરીમાં મળેલ અલગ-અલગ બેઠકોમાં કોંગ્રેસ માટે હાનિકારક 'સાઇકલોન સિસ્ટમ' કાર્યરત કરવામાં આવેલ. તા. ર ઓગસ્ટે પંચાયતની વિવિધ સમિતિઓની મુદત પૂરી થઇ રહી છે. તે પૂર્વે સામાન્ય સભાનો એજન્ડા બહાર પડતાની સાથે જ ભાજપે પોતાનો એજન્ડા અમલમાં મુકવાનું નક્કી કર્યુ છે. અત્યારે સર્જાઇ રહેલ વાવાઝોડુ ગણતરીના દિવસોમાંજ કોંગ્રેસ પર ત્રાટકે તેવા એંધાણ છે. જિલ્લા પંચાયતમાં તોતીંગ બહુમતી સાથે કોંગ્રેસના મૂળ ઉંડા છે તેને સંભવિત રાજકીય વાવાઝોડુ કેટલી અસર કરી શકે છે તે તો સમય જ બતાવશે.

પંચાયતમાં ૩૬ પૈકી ર સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. બે મહિલા સભ્યોને કોંગીએ સસ્પેન્ડ કર્યા છે. કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ ૨૬ સભ્યોની ઓળખપરેડ કરાવી બહુમતી દેખાડી છે. બાકીના ૬ સભ્યો પણ પાર્ટી સાથે જ હોવાનો દાવો કર્યો છે. પંચાયતમાં કોંગ્રેસની લોખંડી બહુમતી હોવા છતા ભાજપે તેને મતિ અને ગતિથી લઘુમતીમાં (અલ્પ સંખ્યામાં) ફેરવી નાખવાનું બીડું ઝડપ્યું છે.

ગઇકાલે ગાંધીનગર ખાતે ભીખુભાઇ દલસાણિયા અને કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં મળેલ બેઠકમાં આંકડાકીય અને જ્ઞાતિગત વિશ્લેષણ કરી કયા સભ્યને કઇ 'પધ્ધતિ' થી ભાજપ તરફ ખેંચવા તેની ચર્ચા થયેલ. સામાન્ય સભામાં સમિતિઓની રચના વખતે સાદી બહુમતીથી (બધા સભ્યો હાજર હોય તો ૧૯ની બહુમતી) ભાજપનું અથવા ભાજપ પ્રેરિત અસંતુષ્ટોનું પ્રભુત્વ સ્થાપિત કરી શકાય તેવી સ્થિતિ હોવાનું તારણ કાઢવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કે સમિતિઓમાં ઝટકો આપ્યા બાદ પંચાયત પ્રમુખને હટાવવા તરફ આગળ વધવાની વાત થઇ હતી. કુંવરજીભાઇએ જસદણ-વીછીયા પંથકના એક-બે સિવાઇના તમામ કોંગી સભ્યોને કોેંગીની સામે મૂકી દેવાની જવાબદારી લીધાનું ચર્ચાઇ રહ્યુ છે સરકારે ઓપરેશન માટે અસીમ આશીર્વાદ આપી દીધા છે.

ખાટરિયા તરફી ઓળખ પરેડમાં હાજર રહેલા સભ્યો પૈકી ઓછામાં ઓછા ૯ સભ્યો કોંગ્રેસની સામે પડે તો જ ભાજપનું પંચાયતમાં ભંગાણ કરવાનું સપનું સાકાર થાય તેમ છે. કોંગ્રેસ આ સપનાને 'મુંગેરીલાલ કે હસીન સપને' ગણાવે છે જયારે ભાજપ સપનાને વાસ્તવિકતામાં પલટવા પ્રચંડ પુરૂષાર્થ સાથે અશાવાદી છે.

ગઇકાલની મીટીંગ બાબતે કોઇ સતાવાર મગનું નામ મરી પાડતુ નથી પણ રાજકીય કુકરમાં કંઇક રંધાઇ રહ્યાનું અને રંધાઇ ગયા બાદ 'સીટી' વાગવાના ઐધાણ મળે છે જિલ્લા પંચાયત માટેની પોલીટીકલ સાઇકલોન સિસ્ટમ એકટીવ થઇ ગયાની બાબતને ભાજપના ટોચના વર્તુળો સમર્થન આપી રહ્યા છે.

જિલ્લા ભાજપના અગ્રણીઓ ડો. ભરત બોઘરા, નાગદાનભાઇ ચાવડા, ચંદુભઇ શીંગાળા, કુલદીપસિંહ જાડેજા, ધીરૂભઇ તળપદા, ચેતન રામણી, વગેરેની ગઇકાલની ગાંધીનગરી મુલાકાતને અનુલક્ષીને જુદી જુદી રાજકીય વાતો સંભળાઇ રહી છે. (૧.૨૨)

(4:09 pm IST)