Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત ગમે ત્યારે મૂકી શકાય

બહુમતી સભ્યો સામે પડે તો પ્રમુખની ખુરશી પર ખતરોઃ હાઈકોર્ટનો ચુકાદો તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંદર્ભમાં છેઃ જિલ્લા પંચાયતમાં કોઈ નિયમ સ્થાપિત નહિ પણ કાનૂની લડતનો માર્ગ ખૂલ્લો

રાજકોટ, તા. ૧૧ :. જિલ્લા પંચાયતમાં કુંવરજીભાઈ બાવળિયાના પક્ષપલ્ટા પછી રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થતા ગઈ ૨૦ જૂને વટભેર પ્રમુખ બનેલા શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા સામે અવિશ્વાસ દરખાસ્ત આવવાની વાતો વહેતી થઈ છે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે બે તૃતિયાંશ સભ્યોની બહુમતી જરૂરી છે. અવિશ્વાસ દરખાસ્ત મુકવાના સમયગાળા બાબતે કોઈ નિયમ ન હોવાનું રાજકીય વર્તુળો જણાવે છે.

સરકારના વર્તુળોના કહેવા મુજબ ભૂતકાળમાં હાઈકોર્ટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સંદર્ભે માર્ગદર્શક ચુકાદો આપેલ. તે મુજબ તાલુકા પંચાયતમાં પ્રમુખ ચુંટાયા પછી ઓછામાં ઓછા ૬ મહિના પહેલા અને ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયા પછી ઓછામાં ઓછા ૧ વર્ષ સુધી તેની સામે અવિશ્વાસ દરખાસ્ત મુકી શકાય નહીં. આ ચુકાદામાં જિલ્લા પંચાયત સંદર્ભે કોઈ ઉલ્લેખ નથી તેથી જિલ્લા પંચાયત પ્રમુખ સામે સભ્યો સંખ્યાબળના આધારે ગમે ત્યારે અવિશ્વાસ દરખાસ્ત મુકી શકે તેવા સંજોગો છે. અવિશ્વાસ દરખાસ્ત મુકાયા પછી અસરકર્તા પક્ષ પાસે તેને હાઈકોર્ટમાં પડકારવાનો રસ્તો ખુલ્લો છે. જો ભાજપની કલ્પના મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાય તો રાજકીય અને કાનૂની દાવપેચ જામવાની પ્રબળ શકયતા છે.(૨-૨૧)

(4:09 pm IST)