Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઈસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રા મહોત્સવ

શનિવારે અષાઢી બીજ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજનઃ કોટેચા ચોકથી પ્રારંભ થશે કોટેચા ચોક, કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો ઉપર ફરી ઈસ્કોન મંદિરે સમાપન : બુંદી પ્રસાદ વિતરણ : નિજ મંદિરે મહાપ્રસાદ

રાજકોટ, તા. ૧૧ : શહેરમાં ૧૯મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ઈસ્કોન મંદિર દ્વારા આ વર્ષે ઈસ્કોન સંસ્થાની સ્થાપનાના સુવર્ણ જયંતિ અવસર નિમિતે ઇસ્કોનના દરેક કેન્દ્રો અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવાના છે. આ અષાઢી બીજના પવિત્ર દિવસે ઈસ્કોન મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથ, બળદેવ તથા સુભદ્રાદેવી, રાજમાર્ગો પર પોતાના દર્શન આપશે.

આ ભવ્ય રથયાત્રા મહોત્સવમાં ભાગ લેવા ઈસ્કોન મંદિરના દેશ-વિદેશના ઘણા-ખરા ભકતો ભકિતભાવે જોડાય છે. આજ દુનિયાભરમાં શ્રીલપ્રભુપાદ (ઈસ્કોન સંસ્થાપકાચાર્ય) દ્વારા સ્થાપિત જગન્નાથ રથયાત્રા મહોત્સવ ૫૦૦થી પણ વધારે શહેરોમાં આનંદ-ઉલ્લાસથી ઉજવાય છે. રથયાત્રાએ ગાન, નૃત્ય, કિર્તન અને સંગીતના ભવ્ય સામાજીક એકત્રીકરણનું તેમજ શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિ ભકિત સમર્પણ કરતો એક અદ્દભૂત અને આનંદસભર પ્રસંગ છે. તદુપરાંત, આ ઉત્સવ વિશ્વભરમાં શાંતિ, સમાનતા તથા વૈશ્વિક ધાર્મિક ભાઈચારાનો સંદેશો પણ પહોંચાડે છે.

પૂ. મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજની પ્રેરણાથી આ વર્ષે ઈસ્કોન મંદિર રાજકોટના સંચાલન હેઠળ આ ભવ્ય રથયાત્રા ઉત્સવનું આયોજન થયુ છે. આ શુભ અવસરે સમગ્ર રથયાત્રા દરમિયાન ૫૦૦૦ કિલો બુંદી પ્રસાદ વિતરણ તેમજ મંદિરે રાત્રે ૮:૩૦ વાગ્યે ૭૦૦૦થી પણ વધુ ભકતો માટે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે.

તા.૧૪ને શનિવારે સવારે ૪:૩૦ વાગ્યે મંગળાઆરતી દર્શન, સવારે ૮ કલાકે શૃંગાર આરતી દર્શન, સવારે ૯ વાગ્યે અન્નકૂટ દર્શન, બપોરે ૧૨ વાગ્યે રાજભોગ આરતી, સાંજે ૭:૩૦ વાગ્યે શ્રી દેવકીનંદન પ્રભુ (સીંગાપોર) દ્વારા જગન્નાથ લીલા પર પ્રવચન થશે.

રથયાત્રા પ્રારંભ શ્રી રામકૃપા ડેરી (કોટેચા ચોક)થી કોટેચા ચોક, કેકેવી હોલ, આત્મીય કોલેજ યોગીધામ, રાણીટાવર મોટા મવા, કોસ્મોપ્લેક્ષ સીનેમા, ઈસ્કોન મંદિર (કાલાવડ રોડ) ખાતે સમાપન થશે. વધુ વિગતો માટે પ્રસન્નાત્મા દાસ ૮૮૬૬૫૮૨૩૯૮નો સંપર્ક કરવા યાદી જણાવે છે.(૩૭.૧૩)

 

(2:29 pm IST)