Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સરગમના હોદેદારો દ્વારા હરીદ્વારમાં મૃતાત્માનાં અસ્થિઓનું સામુહિક વિસર્જન

રાજકોટઃ. છેલ્લા છ માસ દરમિયાન રાજકોટના રામનાથપરા મુકિતધામમાં જેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમના અસ્થિનું સામુહિક વિસર્જન કરવાનું પૂણ્યકામ સરગમ કલબના હોદેદારોએ કર્યુ હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાની આગેવાની હેઠળ સ્વખર્ચે હરદ્વાર ગયેલા સરગમના હોદેદારોએ પવિત્ર ગંગા નદીમાં પૂજાવિધિ કર્યા બાદ અસ્થિ વિસર્જન કર્યુ હતું. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કર્યા પૂર્વે રાજકોટ ખાતે રામનાથ મુકિતધામમાં ધાર્મિક વિધિ મુજબ અસ્થિઓનું સામુહિક પૂજન કરાયુ હતુ. આ ઉપરાંત ગંગાઘાટ ખાતે સાધુ-સંતોને ભોજન પણ કરાવાયુ હતું.

તા. ૧-૧-૨૦૧૮ થી તા. ૩૦-૬-૨૦૧૮ દરમિયાન રામનાથપરા મુકિતધામમાં વિદ્યુત વિભાગ અને લાકડા વિભાગમાં જેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેવા ૨૫૦૦થી વધુ અસ્થિઓનું ગંગા નદીમાં ડૂબકી લગાવી વિસર્જન કરવામાં આવ્યુ હતું.

વર્ષમાં બે વખત હરદ્વાર ખાતે ગંગા નદીમાં ધાર્મિક વિધિ કર્યા બાદ અસ્થિનું સામુહિક વિસર્જન કરે છે. આ અસ્થિ વિસર્જન કાર્યમાં ગુણવંતભાઈ ડેલાવાળા, મનસુખભાઈ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, દિપકભાઈ શાહ, કિરીટભાઈ આડેસરા, ગુણવંતભાઈ ભટ્ટ, વલ્લભભાઈ ગોંડલીયા, નરેન્દ્રભાઈ આડેસરા, હરેશભાઈ શાહ સહિતના સરગમના હોદેદારો અને અગ્રણીઓએ એક એક મૃતકના નામ લઈને અસ્થિઓનું હરદ્વાર મુકામે ગંગા નદીમાં વિસર્જન કર્યુ હતું.(૨-૧૫)

(2:27 pm IST)