Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ચુનારાવાડના નામીચા લખન બચુ માલાણીએ વિધવા કોળી યુવતિ અને માસીયાઇ બહેને છરીના ઘા ઝીંકયા

સવારે પાછળ આવતાં પોલીસને જાણ કરી, તો સાંજે આંતરીને હુમલો કર્યો : દોઢ વર્ષથી હેરાન કરતો હોવાનો રેખાબેન કોળીનો આક્ષેપઃ માસીયાઇ બહેન મંજુબેનને હાથમાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૧૧: ચુનારાવાડમાં રહેતી વિધવા કોળી મહિલાને આ જ વિસ્તારનો નામચીન સલાટ શખ્સ દોઢ વર્ષથી પોતાના ઘરમાં બેસી જવાનું કહી હેરાન કરતો હોઇ અને ગઇકાલે સાંજે આ મહિલા તથા તેના માસીયાઇ બહેનને આંતરીને છરીથી હુમલો કરી ભાગી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

ચુનારાવાડ ચોકમાં રહેતાં મંજુબેન મેઘજીભાઇ મોરવાડીયા (ઉ.૩૫) નામના કોળી મહિલા અને તેની ભાણેજ રેખાબેન પિન્ટુ ઝીંઝુવાડીયા (ઉ.૨૫) સાંજે આઠેક વાગ્યે ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ પાસે રિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે ચુનારાવાડના લખન બચુ માલાણીએ રિક્ષા રોકાવી  રેખાને 'તું મારી સાથે રહેવા આવતી રહે' તેમ કહેતાં તેણે ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરી રેખાને ડાબા પગમાં એક ઘા ઝીંકી દીધો હતો. માસીયાઇ બહેન મંજુબેન વચ્ચે પડતાં તેને હાથમાં છરી ઝીંકી દેતાં અંગુઠામાં ફ્રેકચર થઇ ગયું હતું.

થોરાળા પોલીસ મથકના પીએસઆઇ કે. કે. પરમારે સિવિલ હોસ્પિટલે પહોંચી મંજુબેનની ફરિયાદ પરથી લખન સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. લખન માલાણી ચિલઝડપના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

રેખાબેનના કહેવા મુજબ તેના પતિનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું છે. લખન ત્યારથી પાછળ પડી ગયો છે અને ઘરમાં બેસી જવાનું કહી સતત હેરાન કરે છે. પોતે અને માસી ગઇકાલે સવારે આઠેક વાગ્યે નવાગામ માતાના ઘરે જવા નીકળી ત્યારે લખને પાછળ આવી હેરાન કરતાં પોલીસને જાણ કરતાં તે ભાગી ગયો હતો. બાદમાં સાંજે ઘરકામ પતાવીને બંને રિક્ષા મારફત ઘરે જતી હતી ત્યારે ફરીથી લખને આવી રિક્ષા આંતરી હુમલો કર્યો હતો.

(12:31 pm IST)