Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભગવતીપરામાં રહેતો માસૂમ વિદ્યાલયનો ધોરણ-૧૨નો છાત્ર પ્રણવ ભેદી રીતે ગૂમ

ગઇકાલે તેના ફોનમાંથી કોઇએ શાળાએ તેના પિતા બનીને ફોન કર્યો કે-'પ્રણવને દાખલ કર્યો છે, સ્કૂલે નહિ આવે!': શિક્ષીકાએ કહ્યું-અઠવાડીયાથી તે સ્કૂલમાં અનિયમીત હતોઃ પોલીસે અપહરણનો ગુનો નોધી તપાસ આદરીઃ બે વર્ષ પહેલા છુટાછેડા લઇને પિતા સાથે રહેતાં ચંદનબેન સોલંકી (કુંભાર) દિકરો ગાયબ થતાં આકુળ-વ્યાકુળ

રાજકોટ તા. ૬: ભગવતીપરા મહાકાળીનગર-૨માં રહેતો અને સામા માસૂમ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં ભણતો પ્રણવ (ઉ.૧૬) ગઇકાલે સવારે ઘરેથી સાઇકલ લઇ સ્કૂલ ડ્રેસ પહેરી સ્કૂલે જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને સ્કૂલમાંથી તેના માતા ચંદનબેન નરેન્દ્રભાઇ સોલંકી (ઉ.૩૯)ને શિક્ષીકાએ ફોન કરી પ્રણવ શાળાએ આવ્યો નહિ હોવાની જાણ કરતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચંદનબેનના પતિ  સાથે બે વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. પોતે પુત્ર પ્રણવ સાથે હાલ પિતા નરેન્દ્રભાઇ સોલંકી સાથે ભગવતીપરા મહાકાળીનગરમાં રહે છે અને કુચીયાદળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે. ગઇકાલે સવારે સાતેક વાગ્યે પ્રણવ શાળાએ જવા નીકળ્યા બાદ લગભગ સવા આઠેક વાગ્યે શિક્ષીકાએ તેમને ફોન કરીને પ્રણવને શું થયું છે? કેમ દાખલ કર્યો છે? તેવા સવાલ કરતાં ચંદનબેને તેને તો કંઇ નથી થયું, શાળાએ જ ગયો છે તેમ જણાવતાં શિક્ષીકાએ તે સ્કૂલે આવ્યો નહિ હોવાનું અને અઠવાડીયાથી અનિયમીત હોવાની જાણ કરી હતી.

તેમજ ફોન કરનારે પોતે પ્રણવના પિતા બોલે છે, પ્રણવને મજા નથી અને દાખલ કર્યો છે તેવી વાત શાળામાં કરી હતી. આ ફોન પ્રણવના મોબાઇલમાંથી જ થયો હતો. ચંદનબેને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં દિકરાનો કોઇ પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરતાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને રાઇટર કેતનભાઇએ સગીર ગુમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રણવના પિતા બનીને ફોન કરનાર કોણ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

માતા ચંદનબેનના કહેવા મુજબ પ્રણવ ભણવામાં થોડો નબળો છે એ સિવાય બીજી કોઇ તકલીફ નથી. તેને કોઇ ઉઠાવી ગયું કે તે જાતે ગયો? તે ખબર પડતી નથી. પોલીસે પ્રણવની ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી છે. તસ્વીરમાં દેખાતો છોકરો કોઇને જોવા મળે તો બી-ડિવીઝન પોલીસને ફોન નં. ૨૨૩૦૬૩૭ અથવા મો. ૯૯૨૯૯ ૮૨૯૨૭ ઉપર જાણ કરવી. (૧૪.૬)

 

 

(11:59 am IST)