Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રૂ.૭૨ લાખના ઘઉં ખરીદ કરી ઠગાઇ કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૩: જસદણ મુકામે રહેતા વસંત બ્રધર્સના નામે અનાજ કરીયાણાના કમીશન એજન્ટ તરીકે વ્યવસાય કરતા અશ્વિનકુમાર શાંતિભાઇ વસંતે આરોપી અતુલભાઇ ભીખાભાઇ રાઠોડ રાજકોટવાળા વિરૂધ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં પોતાની પાસેથી રૂ.૭૨,૦૦,૦૦૦/ રૂપિયાના ઘઉં ખરીદ કરી રકમ પરત ન આપતી વિશ્વાસઘાત, ઉચાપાત, ઠગાઇ કરવા સબબ ફરીયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી જસદણ કોર્ટમાં રજુ કરતા જસદણ કોર્ટે જામીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરતા આરોપીએ રાજકોટ સેસન્સ જજ શ્રી ડી.ડી.ઠકકરની કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી તરફે રોકાયેલ વકીલ રોહીતભાઇ ધીયાની રજુઆત ધ્યાને લઇ રૂ.૧પ,૦૦૦/ ના શરતી જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આરોપી રાજકોટ રહેતા હોય ફરીયાદીના સંપર્કમાં આવતા આરોપી પોતે મામલતદાર છે તેવી ઓળખ આપી ફરીયાદીને વિશ્વાસ આપી વિશ્વાસમાં લાવી રૂ.૭૨,૦૦,૦૦૦/ રૂપિયાના ઘઉં ૧૮,૪૨૦ મણ ખરીદ કરેલ અને આરોપીને ઉપરોકત ઘઉંનો જથ્થો આરોપીના શાપર વેરાવળના ગોડાઉનમાં વાહન મારફત માલ મોકલાવેલ આરોપીને ઘઉં મળ્યા બાદ ઘઉં વેંચી નાખેલ હતાં.

આ કામના ફરીયાદીએ મોકલેલ ઘઉંના જથ્થાની રકમ રૂ.૭૨,૦૦,૦૦૦/ ની માંગણી, ઉઘરાણી કરતા આજ આપીશુ કાલ આપીશુ, તેવો વાયદો આપેલ પરંતુ આરોપીએ તેના બદલામાં ૧૭ ચેક આપેલ જે ચેક રીટર્ન થયેલ અને ફરીયાદીની વેચાણ ઘઉંની માંગણી રકમની ઉઘરાણી કરતા આરોપીઓ ધમકી આપેલ અને થાય તે કરી લેજો તેમ કહી આરોપીએ વિશ્વાસઘાત, છેતરપીંડી આચરેલ આ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

આ કામમાં આરોપીના એડવોકેટ દલીલ વખતે ઉપરોકત અરજી તેમજ નોટીસ ઉપર ધ્યાન દોરેલ અને રજુઆત કરેલ કે આ કામના ફરીયાદીને તેની લેણી રકમ આપી દીધેલ છે માત્ર રૂ.૩,૦૦,૦૦૦/ લેણું નીકળે છે જે રૂ.૩,૦૦,૦૦૦/ સ્વીકારવા અને ચેકો પરત આપવા રજુઆત કરેલ ફરીયાદીએ લેણી રકમ લેવા ના પાડેલ અને ચેક પરત આપવાની ના પાડેલ જેથી ફરીયાદીએ કહેવાતી ફરીયાદ ખોટી આપેલ છે અને તેમજ ગુન્હાની જોગવાઇ જોતા ૭ વર્ષની જોગવાઇ  છે કેસ ચાલતા સમય જાય તેમ હોય તેથી જામીન પર છોડવા અરજ કરેલ, તેમજ સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા રજુ કરતા મ.કોર્ટે દલીલ તેમજ ચુકાદાઓ ધ્યાને લેતા જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ શ્રી રોહિતભાઇ બી. ધીયા, ચેતન આર. ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર.બી.સોરીયા રોકાયેલા હતા. (૨૩.૧૩)

(2:46 pm IST)