Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

બુધવારી અમાસ સાથે પુરૂષોતમ મહિનો પુર્ણઃ હવે ૨૦૨૦માં અધિક માસ

મહિલાઓ દ્વારા અંતિમ દિવસે પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, દાન, પુણ્ય-સેવાકાર્યોઃ તિર્થ સ્થાનોમાં ભાવિકો ઉમટયા

રાજકોટ તા.૧૩: આજે પુરૂષોતમ મહિનાનું સમાપન બુધવારી અમાસ સાથે થયું છે. છેલ્લા એક મહિનાથી મહિલાઓ દ્વારા પુરૂષોતમ મહિના નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઇ રહયા હતા અને સેવાકાર્યોનો ધમધમાટ થતો હતો.

જયોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે આવતો પુરૂષોતમ મહિનો ૨૦૨૦માં એટલે કે ૨૭ મહિના પછી આવશે.

બુધવારી અમાસ સાથે મહિનો પુર્ણ થયો છે. અને મહિલાઓ દ્વારા અંતિમ દિવસે પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, દાન, પુણ્ય, સેવાકાર્યો કરાયા હતા.

રાજકોટના પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ અને જાગનાથ મંદિરે કથા સહિત અનુષ્ઠાનોના કાર્યક્રમોનુ઼ આયોજન કરવામાં આવ્યું જેમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે. જયારે સુપ્રસિધ્ધ સોમનાથના ત્રિવેણી સંગમ, દ્વારકામાં ગોમતી નદી અને જુનાગઢમાં દામોદરકુંડમાં સ્નાન માટે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી પડશે.

પુરૂષોતમ માસનો ભારે ઉત્સાહ અને પુજન,અર્ચન વચ્ચે પુર્ણાહુતિ કરવામાં આવશે. શહેરના પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, જાગનાથ મંદિર, રામનાથ મંદિર તથા હવેલીઓમાં કથા સહિતના કાર્યક્રમો દ્વારા પુરૂષોતમ માસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. આજે અંતિમ દિવસે આ તમામ મંદિરોમાં કથા તથા વિશેષ અનુષ્ઠાનો સહિતના અનેક કાર્યક્રમોનુ઼ આયોજન કરાયું છે.

સોૈરાષ્ટ્રના નાના ગામડાઓમાં પણ ગોરમાનું પૂજન અને ભગવાન પુરૂષોતમજી મહારાજના નાદ તથા વન ભોજન સહિતના કાર્યક્રમો દ્વારા અધિક માસની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.

સોમનાથ તીર્થ ધામમાં બુધવારે પુરૂષોતમ માસના અંતિમ દિવસ છે. ત્યારે મુખ્ય બજારમાં આવેલા મીની તિરૂપતિ ગણાતા ઠાકોર મંદિરે બુધવારે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોર મંદિરે પુરૂષોતમ માસના સમાપને છપ્પન ભોગ નિમિતે વિવિધ વાનગીઓ ઠાકોરજી સન્મુખ ધરવામાં આવશે અને અમાસની પૂર્વ સંધ્યાએ ઠાકોર મંદિરમાં વિવિધ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવી છે.

(2:44 pm IST)