Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજીવનગરની વ્યાજખોર ફરીદાના ત્રાસને લીધે ગંગોત્રી પાર્કના સોહેલભાઇ કુરેશીનો આપઘાત

બે માસ પહેલા ૬૦ હજાર વ્યાજે લીધા હતાં: તેનું અધધધ ૨૦ ટકા વ્યાજ વસુલાતું હતું: ગઇકાલે મૃતકના ભાઇ થોડી મુદ્દત આપવાનું સમજાવવા જતાં ફરીદાએ કહ્યું-વ્યાજ તો ચુકવવું જ પડશેઃ કંટાળીને યુવાને મોત મેળવી લીધું: પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૩: વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યકિતને મરવા મજબુર થવું પડ્યું છે. યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં રહેતાં સોહેલભાઇ હબીબભાઇ કુરેશી (ઉ.૪૧) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો છે. રાજીવનગરમાં રહેતી ફરીદા નામની મહિલાએ વ્યાજ બાબતે ત્રાસ આપતાં આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

સોહેલભાઇએ સાંજે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ક્રિષ્નાબેન ભંભાણીએ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વીવેકભાઇ એન. કુછડીયા અને ઇકબાલભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર સોહેલભાઇ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેણે બે મહિના પહેલા બજરંગવાડી રાજીવનગરની ફરીદાબેન પાસેથી ૬૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. જેનું ૨૦ ટકા વ્યાજ ભરતો હતો. આ મહિને વ્યાજ ભરવાની વ્યવસ્થા ન થતાં ફરીદાબેને વ્યાજના ૧૨ હજાર રૂપિયાની આકરી ઉઘરાણી શરૂ કરી હતી. ગઇકાલે સોહેલભાઇએ જામનગર રહેતાં તેના ભાઇને જાણ કરતાં તેણે રાજકોટ આવી ફરીદાબેનના ઘરે જઇ તેને થોડી મુદ્દત આપવા સમજાવતાં તેણીએ વ્યાજ તો આપવું જ પડશે તેમ કહી દેતાં મુંજવણમાં મુકાયેલા સોહેલભાઇએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ આ મામલે ગુનો નોંધે તેવી શકયતા છે.

(12:12 pm IST)