Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બજરંગ વાડીના દરજી યુવાનની હત્યાના ગુનામાં અનિશ ઉર્ફે ગોલ્ટીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૪ : અહીંના પોપટપરા વિસ્તારમાં આવેલ સુલભ શોચાલય પાસેના એક અવાવરૂ મકાનમાં ગોંધી રાખી સાહિલ નામના ર૪ વર્ષના યુવાનની લાકડીના ઘા મારી ઘાતકી હત્યા કરીને તેની લાશને મોરબી રોડ ઉપરની સીટી રેલ્વે સ્ટેશન પાસે ફેકીં દેવાના ગુનામાં પકડાયેલ અહીના સદરબજાર તાર ઓફીસથી પાછળ રહેતા અને જેલ હવાલે થયેલા આરોપી અનીસ ઉર્ફે ગોલી મહેમુદ સાંધીને  એક.સેસન્સ જજ શ્રી આર.એલ.ઠકકરે જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે મરનાર સાહીલ (ઉ.ર૪)ના બજરંગવાડીમાં રહેતા પિતા સુધીરભાઇ અમૃતલાત પરમાર નામના દરજી પ્રૌઢે પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જાણ થતા પ્રમાણે મોટર સાયકલ વેચવા અંગે થયેલ મનદુઃખઅને પૈસાની લેતી દેતીના મામલે હાલના આરોપી અનિશ ઉર્ફે ગોલી સહિત ચાર આરોપીઓએ ભેગા મળીને સાહીલની હત્યા કરી હતી.

આ કેસના અન્ય આરોપીને અગાઉ જામીન પર છોડવામાં આવતા આરોપી અનિશ ઉર્ફે ગોલીએ પેરીટીના સિધ્ધાત ઉપર પોતાને જામીનપર છોડવા અરજી કરી હતી.

આરોપી વતી એડવોકેટ  ભગીરથસિંહ ડોડીયાએ રજુઆત કરેલ કે, અગાઉ અન્ય આરોપીના જામીન મંજુર થયેલ હોય હાલના આરોપીને તેનો લાભ મળવો જોઇએ અગાઉ જે આરોપી તૌશીક જામીનપર છુટેલ છે તેનો અને હાલના આરોપી અનિશનો બનાવમાં સરખો રોલ છે. સાંયોગીક પુરાવાની કક્ષાઓ મળતી નથી  તેથી જામીન અરજી મંજુર કરવી જોઇએ  છે.

ઉપરકત રજુઆત અને કેસની હકીકતોને ધ્યાને લઇને અસડી.સેસ.જજ શ્રી ઠકકરે આરોપી અનિશ ઉર્ફે ગોલીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો આ કામમાં આરોપી વતી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, હિમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મિલન જોષી, રોકયા હતા.(૬. ૨૧)                                             

 

(3:59 pm IST)