Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાજકોટમાં બે લાખની ફિકસ ડિપોઝીટ સામે વધુ વ્યાજની લાલચ આપી બે મહિલા સાથે ૪ લાખની ઠગાઇ

રેસકોર્ષ રીંગ રોડ પર ઓફિસ ખોલનારા વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ કંપનીના એમ.ડી. અને એજન્ટો સામે ગુનો

રાજકોટઃ કંપનીમાં બે લાખની ફિકસ ડિપોઝીટ મુકવામાં આવે તો દર મહિને રૂ. ૨૩૦૦ વ્યાજ મળશે અને ૭૨ મહિને રોકાણ કરેલી રકમ ઉપરાંત બીજા દસ હજાર પર અપાશે તેવી લલચામણી સ્કીમ સમજાવી શહેરના નાના રોકાણકારો પાસથી ૪ લાખ મેળવી લઇ ઠગાઇ કરવા સબબ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલી વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફમા લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેકટર અને એજન્ટો સામે ઠગાઇની ફરિયાદ દાખલ થઇ છે.

આ બારામાં કાલાવડ રોડ મોટા મવામાં માસુમ સ્કુલ્ સામે ભાવનાણી નિવાસમાં રહેતાં આશાબેન હરિશભાઇ કાકુ (ઉ.૩૬) નામના સિંધી મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે રહેતાં વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફમા લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેકટર તથા ચોટીલાના કંથારીયા ગામના વનરાજ ઓલકીયા અને રાજકોટ ૧૫૦ રીંગ રોડ પર કેકેવી હોલ સામે શંખેશ્વર એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં રાજુ રૂપચંદભાઇ માંકડીયાના નામ આપ્યા છે.

આશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્યાણ પાર્કમાં વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફા લિ.ની ઓફિસ ખોલવામાં આવી હતી. વનરાજ અને રાજુએ આ કંપનીની સ્કીમમાં રૂ. બે લાખ ફિકસ ડિપોઝીટ મુકવામાં આવે તો દર મહિને ૨૩૦૦ વ્યાજ મળશે અને બોંતેર મહિના બાદ બે લાખ દસ હજાર પરત મળશે. આવી લાલચમાં આશાબેન અને સાહેદ મહેશ્વરીબેને રૂ. બે-બે લાખનું રોકાણ કર્યુ હતું. ૨૨/૩/૧૪ થી ૨૩/૨/૧૬ સુધીના સમય દરમિયાન જમા થયેલા વ્યાજની રકમ રૂ. ૨૫૩૦૦ ન ચુકવી તેમજ કંપની બંધ કરી બંને મહિલાના રૂ. ચાર લાખ ઓળવી જવાયા હતાં. પ્ર.નગરના પી.આઇ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(10:29 am IST)