Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાજકોટમાં ચકચારી ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરી સરકારને ૮૦ કરોડનું નુકશાન કરવાના કેસમાં આરોપીનો છૂટકારો

રાજકોટના ગેલેકસી હોટલ સામે આવેલ મારૂતીનંદન કોમ્પલેક્ષમાં સને - ૨૦૧૨ની સાલમાં પોલીસે રેડ કરી ગેરકાયદેસર શેરના સોદાઓ કરી સરકારને કરોડોનું નુકશાન કરવાના ગુન્હામાં પકડેલ તમામ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા રાજકોટની સેશન્સ કોર્ટે દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ગેલેકસી હોટલ સામે આવેલ મારૂતી નંદન કોમ્પલેક્ષ ચોથા માળે આવેલ આરોપી (૧) રાકેશ ધીરજલાલ પોપટ રહે. રણછોડનગર પેડક રોડ, રાજકોટવાળાની ઓફીસમાં પોતે માન્ય શેર સ્ટોક એક્ષચેન્જના બ્રોકર કે સબબ્રોકર ન હોવા છતા આરોપી (ર) અબ્બાસ હમજાભાઇ પેટીવાલા રહે. બેડીપરા રાજકોટ તથા (૩) શ્યામ જગદીશભાઇ ઠકકર રહે. ભોમેશ્વરવાડી, જામનગર રોડ, રાજકોટને પોતાની ઓફીસમાં નોકરીમાં રાખી અનઅધિકૃત રીતે સામાન્ય જનતાને પોતાના ગ્રાહક બનાવીને તે વ્યકિત સાથે કોઇ ટ્રેડીંગ એકાઉન્ટમાં ટ્રાન્જેકશન કર્યા વિના ફોન ઉપર શેરના ગેરકાયદેસર રીતે સોદાઓ કરાવી નફા-નુકશાનની રકમ રોકડેથી લેવડ દેવડ કરી માન્ય સ્ટોક એક્ષચેન્જમાં કોઇપણ જાતની નોંધ કરાવ્યા વિના અને સરકારશ્રીને ટેકસની રકમ ચુકવ્યા વિના સરકાર સાથે છેતરપીંડીથી આર્થિક નાણાકીય લાભ મેળવેલ અને આવી ગેરકાયદેસર પ્રવૃતિથી સરકારને આશરે રૂ. ૮૦ કરોડનું નુકશાન કરેલ હોવાથી ધ સીકયુરીટીઝ કોન્ટ્રાકટ (રેગ્યુલેશન) એકટની કલમ ૧૩,૧૫,૧૭,૧૯,૨૩ તથા આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૭ હેઠળ ફરિયાદ જે તે સમયના એસઓજી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જે.એચ.સરવૈયાએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

આરોપીઓ સામે એફઆઇઆર નોંધાતા પોલીસ તપાસના અંતે ચાર્જશીટ રદ કરાતા આરોપીઓ સામેનો કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલવા પર આવતા આરોપીઓ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર થયેલ અને પોતે નિર્દોષ હોવાનું કથન કરતા અદાલત દ્વારા કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હતી.

કોર્ટે તમામ પુરાવો નોંધાયા બાદ બંને પક્ષકારોની વિગતવારની દલીલો અને રજૂ થયેલ ચૂકાદાઓ ધ્યાને લીધા બાદ એડી. સેશન્સ જજ શ્રી પી.કે.સતીષકુમાર એવા નિષ્કર્ષ ઉપર આવેલ કે પ્રોસીકયુશન દ્વારા ગેરકાયદેસર સોદાઓ ઓકટોબર ૨૦૧૨ના માસમાં થયેલ હોવાનું તહોમત મુકવામાં આવેલ છે પરંતુ તે સમય દરમિયાન કોઇપણ આરોપી ઓનલાઇન ટ્રેડીંગ એકાઉન્ટ એકટીવેટ ન હતા તેવુ પ્રોસીકયુશન દ્વારા જ રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો પરથી ફલીત થાય છે. તેમજ જે કોઇ વ્યકિતઓના વોઇસ રેકોર્ડીગ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ કોમ્પ્યુટરમાંથી મળેલ આવેલ છે તે વ્યકિતઓ અદાલતમાં પોતે આરોપીઓ સાથે ગેરકાયદેસર શેરના સોદાઓ અંગે કોઇ વાતચીત કરેલ હોવાની હકીકત નકારે છે. તેમજ તપાસ કરનાર અમલદારની ભૂમિકાની ગંભીર ટીકા કરી અદાલતે ઠરાવેલ કે પોલીસ તપાસની પધ્ધતી પ્રથમ થી જ ભૂલ ભરેલી છે અને પોલીસ સેબી (સીકયુરીટી એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) કે અન્ય કોઇ અધિકૃત ઓફીસ પાસેથી પુર્ણ માહિતી મેળવ્યા વિના એફઆઇઆર દાખલ કરી તપાસ આરંભી અને આરોપીઓની અટક લીધેલ.

વિશેષમાં અદાલતે એ હકીકતની પણ ગંભીર નોંધ લીધેલ કે, સ્પેશ્યલ કાયદાની જોગવાઇઓ રાજકોટ જીલ્લામાં લાગુ પાડતું જાહેરનામું પ્રોસીકયુશનને રજૂ કરેલ નથી. તેમજ જયારે એફઆઇઆર નોંધવાનો કાયદાકીય બાધ હોય ત્યારે પોલીસ દ્વારા એફઆઇઆર નોંધી અને કરવામાં આવેલ ચાર્જશીટ મૂળભુત રીતે જ ખોટુ અને કાયદા વિરૂધ્ધનું છે જેથી પ્રોસીકયુશન પોતાનો કેસ સાબિત કરવામાં સંપુર્ણપણે નિષ્ફળ નિવડેલ છે. જેથી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં તમામ આરોપી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલ હતા.

(4:05 pm IST)