Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વેરામાં ૧૦ ટકા વળતર યોજના લંબાવાશેઃ મેયર

વેરા બીલ મળવાના ધાંધિયાને કારણે અનેક કરદાતા વળતર યોજનાથી વંચીત રહી જવાની શકયતાઃ વાંધા અરજીનાં ઢગલા થવા લાગ્યાઃ ટૂંક સમયમાં જ વેરા બીલ મામલે યોગ્ય પગલાઓ લઈ પ્રશ્નો ઉકેલવા ખાત્રી ઉચ્ચારતા ડો. જૈમન ઉપાધ્યાય

રાજકોટ, તા, ૧૬: મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા મકાન વેરામાં ૧૦ ટકા વળતર યોજના પુર્ણતાના આરે છે. તેમ છતા હજુ અનેક લોકોને નવા કાર્પેટ વેરાવાળા બીલ મળ્યા નથી. એટલું જ નહિ અનેક લોકોને આડેધડ વેરા ઝીંકવામાં આવતા વાંધા અરજીઓના ઢગલા થયા છે. પરીણામે લાખો કરદાતા ૧૦ ટકા વળતર યોજનાથી વંચીત રહી જવાની સંભાવના છે. ત્યારે ૧૦ ટકા વેરા વળતર યોજનાની મુદત લંબાવવી જોઇએ તેવી પ્રબળ માંગણી ઉઠી રહી છે. ત્યારે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આ વેરા વળતર યોજનાની મુદત જુન સુધી લંબાવાય તેવો નિર્દેશ આપ્યો છે. આ અંગેની વિગત મુજબ ૧૦ ટકા વેરા વળતર યોજના જે એપ્રિલ મહિનામાં શરૂ થઇ હતી. જે હવે પુર્ણતાના આરે છે ત્યારે તંત્રના વાંકે અનેક લોકો વેરા વળતર યોજનાથી વંચીત રહી જવાની સંભાવના છે. કેમ કે અંદાજે ૪ાા લાખ મિલ્કત ધારકો પૈકી હજુ હજારો લોકોને નવા કાર્પેટ વેરા આકારણીના બીલો પહોંચ્યા નથી ૭૬૦૦ જેટલી વાંધા અરજીનો ઢગલો થઇ ગયો છે. તેની સામે માત્ર ૧૬૦૦ જેટલી જ વાંધા અરજીનો નિકાલ થઇ શકયો છે. પરીણામે આ હજારો કરદાતાઓ ૧૦ ટકા વેરા વળતર યોજનાથી વંચીત રહી જવાની પુરેપુરી શકયતા છે. ત્યારે ૧૦ ટકા વેરા વળતર યોજના ૩૦ જુન સુધી લંબાવવી જોઇએ તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.  દરમિયાન આ બાબતે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે એવી સ્પષ્ટતા કરી હતી કે વાંધા અરજીના નિકાલ માટે વધુ સ્ટાફ ફાળવી અને ઝડપી વાંધા અરજીનો નિકાલ કરી લોકો વેરા બીલ ભરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. જયારે ૧૦ ટકા વેરા વળતર યોજના લંબાવવા અંગે આગામી ટુંક સમયમાં શાસક પક્ષના તમામ પદાધીકારીઓની સંકલન બેઠક યોજી અને ત્યાર બાદ નિર્ણય લઇ વેરા વળતર યોજનાની મુદત લંબાવાશે.

ટેક્ષ આવક ૪૦ કરોડને આંબી

દરમિયાન વેરા વળતર યોજનાનો લાભ લેવા શહેરના નિયમીત અને પ્રમાણીક કરદાતાઓએ વેરા બીલ ભરવા લાઇનો લગાવી દીધી છે અને એક મહિનામાં ૪૦ કરોડ રૂપીયાનો વેરો તંત્રની તિજોરીમાં ઠાલવી દીધાનું જાહેર થયું છે.

(3:19 pm IST)