Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નરેન્દ્રભાઈ અને અમિતભાઈને અભિનંદન

કર્ણાટકમાં જનાદેશ મુજબ ભાજપની જ સરકાર બનશેઃ રાજુભાઈ

રાજકોટ,તા.૧૬:કર્ણાટક વિધાનસભાનાં  પરિણામો જાહેર થતા ૧૦૪ બેઠકો પરથી વિજયી થતા સાથે ભાજપ કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ તરીકે જીત મેળવનાર પાર્ટી બની છે. ભાજપનાં સીમાચિહ્રનરૂપ વિજયને વધાવતા પાર્ટી પ્રવકતા રાજુભાઇ ધ્રુવે હર્ષભેર જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના રાજયમાં પણ હવે ભાજપની વિજયકુચનો પ્રારંભ થઈ ચૂકયો છે. દેશનાં અન્ય રાજયોની જેમ કર્ણાટક પણ હવે કોંગ્રેસ મુકત બન્યું છે અને આગળ જતા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ભૂતકાળ બની જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ પરિણામે ફરી એક વખત સાબિત કર્યું છે કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના એકમાત્ર સર્વાધિક લોકપ્રિય અને વિરાટ રાજનેતા છે. તેમની વિકાસની રાજનીતિ પર પ્રજાએ મહોર મારી છે. દેશના  કરોડો ગરીબો, કિશાનો અને છેવાડાના માનવીની સુખાકારી માટે મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકારે કરેલી વિકાસ અને જનકલ્યાણની કામગીરીની પ્રજાએ કદર કરી છે જેનું પરિણામ   પંચાયતની હોય કે  પાર્લામેન્ટની દરેક  ચુંટણીમાં ભાજપને મળ્યું છે. કર્ણાટકની ઐતિહાસિક જીત ભાજપની સાથોસાથ કર્ણાટકની જનતાની પણ જીત છે .

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના પ્રજાલક્ષી અભિગમ અને અમિતભાઈ શાહની સંગઠન શકિત, રણનીતિ તથા છેક બુથ લેવલ સુધીના યોગ્ય મેનેજમેન્ટ સામે બાકીના બધા પક્ષો વામણા સાબિત થઈ રહ્યા છે. પક્ષના લાખો -કરોડો રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર સમર્પિત કાર્યકરોની મહેનત રંગ લાવતી રહી છે અને સરકાર માં નરેન્દ્રભાઈ નું અને પક્ષ માં અમિતભાઈના નેતૃત્વ તથા કાર્યકરોની મહેનતને કારણે એક પછી એક રાજયોમાં ભગવો શાનથી લહેરાઈ રહ્યો છે. આજે દેશનાં ૭૦ ટકાથી વધુ ભાગ અને ૨૧ રાજયોમાં કેસરિયો લહેરાઈ ચૂકયો છે.

રાજુભાઈએ કોંગ્રેસની ભાગલા પાડો   અને રાજ કરોની નીતિની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે માત્ર સતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસે કર્ણાટકમાં હિંદુઓમાં ભાગલા પડાવવાનું પાપ આચર્યું હતું, પણ કર્ણાટકની શાણી પ્રજાએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. ચૂંટણીમાં કારમા પરાજય અને ચૂંટણી અગાઉ જે.ડી.એસ. ના વિરોધ માં લડનાર કોંગ્રેસે હવે તેની સાથે તકવાદી ગઠબંધન કર્યું છે પણ એવા એક પણ અનૈતિક કારસાને કર્ણાટકની પ્રજા સ્વીકારશે નહીં અને કર્ણાટકમાં ભાજપની સરકાર જ રચાશે.(૩૦.૬)

(1:52 pm IST)