Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

એક ડુંગર બને એટલો કાંપ અને માટી રાજકોટ જિલ્લાના જળાશયોમાંથી કઢાયો

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ ૨૬૫૩૯૬ ઘન મિટર માટી ખોદી કઢાઈ : પખવાડિયામાં ૮૮૪૫૬ ટ્રેકટર ભરી શકાય એટલી માટી કાઢવામાં આવી, મનરેગા હેઠળ ૬૨૩૩ શ્રમિકોને જળઅભિયાન હેઠળ કામગીરી આપવામાં આવી

જળસંગ્રહ થકી જળશકિતનો વ્યાપ વધારવા માટે રાજય સરકાર દ્વારા આરંભવા આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં જળશયોને ઉંડા ઉતારવાની કામગીરી યુદ્ઘના ધોરણે કરવામાં આવી છે. ગુજરાત દિનથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને એક પખવાડિયુ પૂર્ણ થયું છે. આ પંદર દિવસ દરમિયાન એક ડુંગર બની જાય એટલી માટી,  કાંપ કાઢવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૮૮૪૫૬ ટ્રેકટર ભરી શકાય એટલી માટી કાઢવામાં આવી છે. માટી ભરવા માટે જિલ્લામાં ૧૪૫૨ ટ્રેકટર કામે લાગ્યા છે.

સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના એક પખવાડિયા બાદની સ્થિતિ પર દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કેટલી ઝડપથી જળશાયો ઉંડા ઉતારવાની કામગીરી થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં ૫૦૫ કામોને આવરી લેવામાં આવ્યા છે. તે પૈકી તા.૧૫ મે-૨૦૧૮ની સ્થિતિએ ૩૨૪ કામો ચાલુ છે. જયારે, ૧૫૨ કામો પૂર્ણ થઇ ગયા છે. પૂર્થ થયેલા કામો પાછળ અત્યાર સુધીમાં રૂ.૮૦.૨૮ લાખનો ખર્ચ થવા પામ્યો છે.

જેમાંથી રૂ. ૭૮.૭૫ લાખનો ખર્ચ સહકારી, સ્વૈચ્છિક સંસ્થાએ વહન કર્યો છે. એટલે કે, લોકભાગીદારીથી ૮૮ કામો પૂર્ણ થયા છે. જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ સહિતની ખેડૂતલક્ષી સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક આગેવાની લીધી છે. લોકભાગીદારીથી કૂલ ૨૬૬ કામો કરવાનું આયોજન છે.

જળાશયોમાંથી કાઢવામાં આવેલા કાંપની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં ૨૬૫૩૯૬ લાખ ઘન મિટર માટી કાઢવામાં આવી છે. માટીના આટલા જથ્થાને જો સો બાય સો મિટરના બેઝ ઉપર એક જગ્યાએ એકત્ર કરવામાં આવે તો ૯૦ ફૂટ ઉંચો ડુંગરો બની જાય એવું તજજ્ઞોનું માનવું છે. આટલી માટી જો એક ટ્રેકટર દ્વારા ફેરા કરવામાં આવે તો ૮૮૪૫૬ ફેરા કરવા પડે. કેમકે, એક ટ્રેકટરમાં ત્રણ ઘન મિટર માટી સમાય શકે છે. જો કે, રાજકોટ જિલ્લામાં ૧૪૫૨ ટ્રેકટર કામ કરી રહ્યા છે.

જળ અભિયાનમાં ૩૧૯ બૂલડોઝર, હિટાચી કામ કરી રહ્યા છે. જુદા જુદા તાલુકામાં જરૂરિયાત મુજબના બૂલડોઝર ફાળવવામાં આવેલા છે. વળી, જળ અભિયાનને કારણે રોજગારીની તકો પણ ઉભી થઇ છે. મનરેગા હેઠળ ૬૨૩૩ શ્રમિકોને જળઅભિયાન હેઠળ કામગીરી આપવામાં આવી છે. એ જ રીતે ૫૧.૧૫ કિલોમિટર લંબાઇની નહેરોની સફાઇ કરવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૧૩૧૮ એરવાલ્વની ચકાસણી, મરમ્મત કરવામાં આવી છે.

વન વિભાગ દ્વારા તેના ક્ષેત્રમાં આવેલા ૧૬ પૈકી ૧૦ ચેકડમોને ઉંડા ઉતારવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જયારે, પાંચ ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નેત્રદીપક કામગીરી કરાઇ છે. તેમાંય ખાસ તો આજી નદીનું શુદ્ઘિકરણ કરવામાં આવી રહ્યું છે. તદ્દઉપરાંત, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવરનું કામ પૂરપાટ ગતિથી ચાલી રહ્યું છે. રાજકોટ શહેરને દોઢસો વર્ષ બાદ નવું સરોવર મળી રહ્યું છે. (૩૦.૫)

દર્શન ત્રિવેદી, માહિતી ખાતુ

(12:38 pm IST)