Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

હત્યાનો ભોગ બનેલ વૃદ્ધાનું દોઢ કરોડનું મકાન પચાવવાના કારસા બદલ ચીટર ટોળકીના ૧૦ સામે ગુન્હો નોંધાયોઃ હત્યા હજુ વણઉકેલ

વાંકાનેર, મોરબી, રાજકોટની ટોળકીના વિનુ પટેલ, મહમદહુસેન શેરસીયા, લાલુભા ઝાલા, વિક્રમ પટેલ, કલ્પેશ કુકડીયા, રમેશ સોમાણી, રણજીત સરીયા, શાંતાબેન પરમાર, આશિષ પંડયા અને કાંતિલાલ સિદ્ધપુરાએ એકબીજાની મદદગારીથી હત્યાનો ભોગ બનનાર વૃદ્ધાના મકાનના બોગસ દસ્તાવેજ ઉભા કર્યા'તાઃ પાંચની ધરપકડ

રાજકોટ, તા. ૧૬ :. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી માસ્તર સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન દયાશંકરભાઈ શુકલ (ઉ.વ. ૭૨)ની તેમના જ રહેણાકમાં હત્યા કરી નાખવામા આવી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથ હજુ હત્યારા સુધી તો નથી પહોંચ્યા પરંતુ વૃદ્ધાની જાણ બહાર બારોબાર તેમના મકાનના બોગસ દસ્તાવેજ ઉભા કરી વેચી મારવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. ભકિતનગર પી.આઈ. વી.કે. ગઢવીએ વૃદ્ધાની મિલ્કતના દસ્તાવેજોની સીટી સર્વે અને રજીસ્ટ્રારમાં તપાસ દરમ્યાન મોરબી, વાંકાનેર, રાજકોટની ચીટર ટોળકીની સંડોવણી શોધી ૧૦ સામે ગુન્હો નોંધી પાંચની ધરપકડ કરી છે.

વિનુ પટેલ (રહે. સજ્જનપર, તા. મોરબી), મહમદહુસેન નુરમહમદ શેરસીયા (રહે. દીઘલીયા, તા. વાંકાનેર), લાલુભા બીપીનસિંહ ઝાલા (રહે. દિગ્વીજયનગર-વાંકાનેર), વિક્રમ અજીતભાઈ પટેલ, કલ્પેશ ધીરૂભાઈ કુકડીયા (રહે. પીપલાળા, તા. કોટડાસાંગાણી), રાજેશ ઉર્ફે રાજુ પરબતભાઈ સોમાણી (રહે. ભાવનગર રોડ, થોરાળા પોલીસ ચોકી સામે), રણજીત કરશન સરીયા (રહે. માંડાડુંગર-રાજકોટ), શાંતાબેન લાલજીભાઈ પરમાર (રહે. આંબેડકરનગર-વાંકાનેર), આશિષ પંડયા અને કાંતીલાલ ઓધવજી સિદ્ધપુરા સહિત ૧૦ સામે આઈપીસી કલમ ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦-બી મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ ટોળકીએ સીટી સર્વે નં. ૨૨૪૪, પ્લોટ નં. ૨૩-બ ઉપર ઉભેલા હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેનની માલિકીના મકાનની કિંમત આશરે દોઢ કરોડ થાય છે. તેના બોગસ દસ્તાવેજ એકબીજાની મદદગારીથી ખોટા ઉભા કરી બારોબાર વેચી દીધા હતા. ભોગ બનનાર જ્યોતીબેનની બાજુમાં જ મકાન ધરાવનાર વાસંતીબેન દુર્ગાશંકર પંચોલીના આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ બોગસ બનાવી તેમના બદલે આરોપી શાંતાબેનને રજીસ્ટ્રાર ઓફિસમાં ખડા કરી સ્વ. જયશ્રીબેનના મકાનનો બોગસ સોદો રણજીત સરીયા (આરોપી પૈકી એક) સાથે ઉભો કરી ચાલીસેક લાખમાં વેચી દેવાયુ હતુ. આ કારસામાં પોલીસે મહમદહુસેન, લાલુભા, વિક્રમ, રાજેશ ઉર્ફે રાજુ અને રણજીતની ધરપકડ કરી અન્યોની શોધખોળ આદરી છે.(૨-૭)

 

(12:01 pm IST)