Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૩૧ જિલ્લા પંચાયત અને ર૪૮ તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ કયા વર્ગના ? રોટેશન ટુંક સમયમાં જાહેર થશે

પ્રમુખોની મુદ્દત પાંચના બદલે અઢી વર્ષ કરવા સામેના કેસમાં ૧૧ જૂનની મુદ્દત : પ૦ ટકા પ્રમુખો મહિલા : આવતા મહિને પંચાયતોના સુકાનીઓની ચૂંટણી

રાજકોટ, તા. ૧૬ : રાજયની ૩૧ જિલ્લા પંચાયતો અને ર૪૮ તાલુકા પંચાયતોના પ્રમુખોની અઢી વર્ષની મુદત જુન મધ્યે પૂરી થઇ રહી છે. સરકારે આવતા અઢી વર્ષ માટે પ્રમુખ પદનું રોટેશન જાહેર કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. ટૂંક સમયમાં જાહેર થશે.

સરકારે ર૦૧પમાં વિધાનસભામાં ખરડો પસાર કરી પ્રમુખ પદની મુદ્દત પાંચના બદલે અઢી વર્ષની કરી નાખેલ તેની સામે કોંગ્રેસના અમૂક જિલ્લા પંચાયત પ્રમુખોએ હાઇકોર્ટમાં ધા નાખી મુદ્દત ફરી પાંચ વર્ષની કરવા માંગણી કરી છે. આ કેસમાં ૧૧ જુનની મુદ્દત પડયાનું જાણવા મળે છે. અરજદાર દ્વારા પ્રમુખ પદની મુદ્દત પૂરી થતી હોવાની બાબત ધ્યાને રાખી ચૂકાદો પ્રમુખની નવી ચૂંટણી પૂર્વે આવે તે માટે હાઇકોર્ટને વિનંતી કરવાનું નક્કી કર્યાનું જાણવા મળે છે.

સરકારી સૂત્રો એવું જણાવે છે કે પ્રમુખની મુદ્દત અંગેનો કેસ અને નવુ રોટેશન તે બન્ને અલગ બાબતો છે. રોટેશન જાહેર કરવા સામે કોઇ કાનૂની અડચણ નથી તેથી સરકાર ચાલુ મહિનાના અંત સુધીમાં ર૪૮ તાલુકા પંચાયતો અને ૩૧ જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ માટે જ્ઞાતિ આધારિત રોટેશન જાહેર કરી દેવા માંગે છે. રાજયની કુલ પંચાયતોમાંથી પ૦ ટકા પંચાયતોમાં પ્રમુખ પદ મહિના માટે અનામત છે. હાલ જયાં પુરૂષ પ્રમુખ છે તેવી મોટાભાગની પંચાયતોમાં આવતા અઢી વર્ષ માટે  પ્રમુખ પદે મહિલા આવે તેવા સંજોગો છે. સરકારે પંચાયતો પાસેથી છેલ્લા ૩ પ્રમુખ પદના રોટેશનની માહિતી મંગાવી છે. નવા રોટેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે.

(11:28 am IST)