Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પુરૂષોતમ -સ્તવન

પુરૂષોતમ એ છેકે જે અનિષ્ટો સામે લડીને આચારની સ્થાપના કરે

બીજા ધર્મની જે નિંદા કરે તે ધર્મ નથી કુધર્મ છે

પાવન પવિત્ર પુરૂષોતમ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. પુરૂષોતમ એ છે કે જે અનાચાર સામે લડીને આચારની સ્થાપના કરે છે. આ માસમાં તીર્થસ્થાનનું મહત્વ અનેરૂ છે. તેથી પવિત્ર તીર્થો, નદીઓ અને પર્વતોનું મહાત્મ્ય વધી જાય છે, ભાવિક ભકતો આવા પવિત્ર સ્થળોના દર્શન કરે છે. અને જેઓ યાત્રા કરી શકે એમ ન હોય તેઓ નદી પર્વત કે મંદિરમાં ભગવાન શ્રી પુરૂષોતમનું સ્તવન કરશે.

પુરૂષોતમ એછે કે જે અવતાર ધારણ કરી સમાજ ક્ષેત્ર અને દેશમાં પ્રર્વતતી અરાજકતા, અજ્ઞાનતા, અનિતી સામે લડીને શાંતિ, જ્ઞાન, નિતી તથા આચારની સ્થાપના કરે ભારતમાં બે પુરૂષોતમ એવા થઇ ગયા છે કે, જેમણે અધર્મની સામે ધર્મનું યુધ્ધ કર્યુ હતું એકે નિતિમતાની મર્યાદા બાંધી, તો બીજાએ અનિષ્ટ તત્વની સામે શસ્ત્રો ખખડાવ્યા. એક પુરૂષોતમ મર્યાદા પુરૂષોતમ કહેવાયા જયારે બીજા પુર્ણ પુરૂષોતમ કહેવાયા.

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદાપુરૂષોતમ છે. ભગવાનશ્રી કૃષ્ણ પુર્ણ પુરૂષોતમ છે. આ બે પુરૂષોતમોએ ધર્મ અને સત્યના વિશાળ વટવૃક્ષનું બીજ વાવ્યું છે.

શ્રી રામે ઉત્તરના આર્યો, દક્ષિણની વનજાતિ અને રાક્ષસોને એક કરીને તેમના ઉચ્ચ આદર્શોને અનુસરતી કરી હતી. નિતિમતા એ આદર્શ સ્થાપવા તેમણે અનેક પ્રકારના શારિરીક માનસિક કષ્ટ સહન કર્યા હતા. એક પત્નીતાનું વ્રત પાળીને જગતને એક પત્નીત્વનો આદર્શ આપ્યો. રાજયનો ત્યાગ કરીને બંધુત્વ ભાવના આપી. સોૈના માટે આદર્શ સ્થાપીને તેની મર્યાદા બાંધી સ્વયં આદર્શનું પાલન કરી કેડી કંડારી જે આજેપણ પથદર્શક બની રહી છે.

પુર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણે અવતાર ધારણ કરતા ની સાથે જ પરાક્રમોનો પ્રારંભ કર્યો, મથુરાની તુરંગના તાળા તોડયા, વરસતા વરસાદમાં જમુનાજીના પુરને અટકાવ્યા એટલુ જ નહી પુરના પાણી અટકાવી તેમાંથી ગોકુળ જવાનો માર્ગ કર્યો. જન્મની પ્રથમ ઘડીનું આવું પરાક્રમ..

શિશુકનૈયાએ માસી પુતનાને મારી ગાડાને ઉલાળી શકટશુરને તેની નીચે દબાવ્યો, બાળકૃષ્ણએ મામા કંસ સામે અવાજ ઉઠાવ્યો, મથુરાના રાજા કંસની હકુમત સામે પડકાર ફેંકયો, શ્રી કૃષ્ણના પરાક્રમથી સમગ્ર ગોકુળના માનવીઓમાં આત્મ વિશ્વાસનું સિંચન થયું.

મામા કંસનો પ્રાણ હરતો કૃષ્ણ મહાભારતના યુધ્ધમાં સખા અર્જુનને ગીતાનું જ્ઞાન આપતો વિરાટ સ્વરૂપધારી શ્રીકૃષ્ણ પાપીઓને હણવામાં પાપ નહી જોનારો શ્રીકૃષ્ણ તો વળી સમયવર્તીને સાવધાન રહેવાની શીખ આપતો રણછોડ દ્વારકાનો અધિપતિ, શ્રીકૃષ્ણ અર્જુનનો સારથી, ભગવાન શ્રી કૃષ્ણે જન્મથી અંત સુધી અનેક આદર્શોનું દર્શન કરાવ્યું એવા પૂર્ણ પુરૂષોતમ શ્રી કૃષ્ણ...

રામ અને કૃષ્ણ આપણી સંસ્કૃતિના સર્જક સંરક્ષક મહા પુરૂષોતમ એવા, જેમણે ધર્મની સ્થાપના કરીને આપણને સોૈને શીખવ્યું કે બીજા ધર્મની જે નિંદા કરે છે તે ધર્મ નથી કુધર્મ છે.

ધર્મ તે જ છે કે જે સ્પર્ધામાંજ શ્રેય માને છે. અને પરધર્મનો વિરોધ કરતો નથી. તેનો ભય રાખવા છતાં તે તરફ અસહિષ્ણુતા બતાવતો નથી. આમ, કરીને સર્વધર્મ સમાન ગણવાનો આદર્શ શીખવ્યો.

સો ભાવિક ભકતજનોને પુરૂષોતમ સ્તવન વખતે શ્રીજી રામચંદ્રજી અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાઓ..!

''ઉતારો આરતી પુરૂષોતમ ઘીરે આવ્યા.. જીણે જીણે મોતીડેને ફુલડેથી વધાવ્યા.. રે..ઉતારો..''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(3:58 pm IST)