Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોંગ્રેસમાં હોંશભેર કામ કરવા માંગતા યુવાનોને મળશે તકઃ ચાવડા

સૌરાષ્ટ્રમાં સોમનાથદાદાને મસ્તક નમાવી જનસંપર્ક અભિયાન આદરનાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇની અકિલા સાથે મુકત મને 'લાઇવ' ચર્ચાઃ ભાજપના રર વર્ષના શાસનમાં સૌને માત્ર તકલીફો જ મળીઃ સૌ ખભ્ભે-ખભ્ભા મિલાવી કામ કરે તેવું વાતાવરણ ઉભું કરીશું: કોંગી કાર્યકર 'પ્રજામિત્ર' બનશે

અકિલાના આંગણે અમિતભાઇ ચાવડા : ૨૦૧૯ માં કોંગ્રેસ નવપલ્લવિત થઇ લડાઇ આપશેઃ રાજકોટ : તાજેતરમાં ગુજરાત કોંગ્રેસની ધુરા સંભાળનાર કોંગ્રેસના યુવા રાજય અધ્યક્ષ શ્રી અમિતભાઇ ચાવડા અને કોંગી આગેવાનો અકિલાની પારિવારીક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

અકિલાના આમંત્રણને માન આપી ખાસ પધારેલા શ્રી અમિતભાઇનું કાઠીયાવાડની પરંપરા મુજબ ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ - જસદણના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીયા, માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડા તથા રાજકોટ કોંગ્રેસના તેજતર્રાર પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ પણ આવ્યા હતા.

શ્રી અમિતભાઇએ અકિલાના ફેસબુક- લાઇવના હજારો શ્રોતાઓ સમક્ષની લાઇવ મુલાકાતમાં અનેકવિધ પ્રશ્નોની મુકતમને ચર્ચા કરી હતી. તેઓએ કહેલ કે ૨૦૧૯ ની ચુંટણી માટે ગુજરાત કોંગ્રેસ તમામ મતભેદો ભુલી ખભ્ભે ખભ્ભા મિલાવી ભાજપની ભાગલાવાદી વિકાસ વિરોધી સરકારને પરાસ્ત કરશે.

ઉપરાંત કોંગ્રેસમાં જ રહી એકતાને તોડી રહેલા લોકોની સામે પક્ષ હળવાશથી નહી વર્તે તેવા નિર્દેશ પણ શ્રી અમિતભાઇ ચાવડાએ આ મુલાકાત દરમિયાન આપ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

રાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્રમાં જનસંપર્ક અભિયાનનો ગઇકાલે સોમનાથદાદાને મસ્તક નમાવી આરંભ કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા આજે જીલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે સંગઠન કાર્યક્રમ માટે રાજકોટ આવ્યા હતા. કાર્યક્રમ અગાઉ અકિલા પરિવાર સાથેના વર્ષો જુના પારાવારીક સંબંધોના નાતે અકિલા કાર્યાલય ખાતે પધાર્યા હતા અને અકિલાના મોભી કિરીટભાઇ સાથે 'લાઇવ' ચર્ચામાં જુના સંસ્મરણો વાગોળ્યા હતા અને કોંગ્રેસની કાયાપલટ માટેની મક્કમ કટીબધ્ધતા પણ વ્યકત કરી હતી.

'અકિલા ફેસબુક લાઇવ' દરમિયાન અમિતભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પ્રજાએ કોંગ્રેસને અગાઉ કરતા સારો જનાદેશ આપ્યો છે.જેમાં ગ્રામિણ વિસ્તારોમાં સારા આશિર્વાદ મળ્યા છે, પણ શહેરી વિસ્તારોમાં ભાજપે ધાર્મિક ધૃવિકરણ ઉભુ કરવાને કારણે કયાંક સંગઠન જરૂર નબળુ પુરવાર થયું છે...રાહુલજીએ સંગઠનની પુનઃ રચનાની જવાબદારી સોંપી હોવાથી આવનારા સમયમાં પરેશભાઇ ધાનાણી સાથે મળી ગુજરાતના તમામ જીલ્લાઓનો પ્રવાસ કરવાને પ્રાથમિકતા આપશુ.જેની શરૂઆત ઉત્તર ગુજરાતમાં માં અંબાજીના દર્શન કરી અને સૌરાષ્ટ્રમાં પણ સોમનાથદાદાના દર્શન કર્યા બાદ કરી દેવાઇ છે.આવનારા સમયમાં પક્ષનું સંગઠન મજબુત બનાવાશે, જેમાં બુથ લેવલે ધ્યાન અપાશે.એવી જ રીતે તાલુકા અને જીલ્લા લેવલે પણ સંગઠનશકિત વિકસાવાશે.

વધુમાં જણાવ્યુ હતુ કે, હોંશભેર કામ કરવા માંગતા યુવાનોને તક મળશે...યુવાનોની શકિતના ઉપયોગથી પક્ષની વિચારધારા દરેકે દરેક બુથ લેવલ સુધી પહોંચશે.

તો, કોંગ્રેમાં અવાર-નવાર કાર્યકરોમાં પ્રસરેલી રહેલી નારજગી અને વિરોધી સુર વિશે વર્ણવ્યુ હતુ કે, સતત કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા ચુંટાયેલી પાંખના સભ્યો પાસેથી ખુલાસા મંગાશે, જો યોગ્ય કારણ નહિ હોય તો પક્ષ પગલા લેતા પણ અચકાશે નહિ.

જુથવાદ મુદેના સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, ભાજપ તાનાશાહીથી ચાલે છે, જયારે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી ખુબ મજબુત છે.વિચારભેદ હોય, મતભેદ હોય પણ કોંગ્રેસમાં મનભેદ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.જે કોઇ જગ્યાએ કામ કરવાની પધ્ધતિ જુદી જણાશે ત્યાં પણ સૌને એક કરવાના પુરા પ્રયાસો થવાના છે.

જુથવાદના નામે કોંગ્રેસને બદનામ કરવામાં આવી હોવાનું કહી અમિતભાઇ ચાવડાએ ઉમેર્યુ હતુ કે, હવે યુવા પેઢી દ્વારા તમામને જોડીને ચોકકસ નીતિ સાથે આગળ વધીશુ.જુથવાદ નહિ, પણ બુથવાદને ધ્યાનમાં રખાશે.સૌરાષ્ટ્રના પ્રવાસમાં  સામે આવેલી પરિસ્થિતિને ટાંકીને જણાવ્યુ હતુ કે , તમામ સરકારી કચેરીઓ ભાજપની ઓફિસો બની છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ દિવસે દિવસે કથળતી જાય છે.પોલીસ અધિકારીઓ પણ ભાજપના કાર્યકરો હોય ેએમ વર્તી રહયાનો પણ લોકો કહેતા સંભળાતા હતા.ખેડુતો પણ ખુબ દુઃખી છે.જણસીના પુરતા ભાવ નથી મળતા, સિંચાઇ-પીવાના પાણીની સમસ્યા પણ ચારેકોર છે.તો, બેરોજગારી જેવા અનેક પ્રશ્નોને ઉકેલવામાં સરકાર સાવ નિષ્ફળ નિવડી છે ત્યારે કોંગ્રેસ તમામ પ્રશ્નોને વાચા આપવા સાથે સાથે સંગઠન માળખાને મજબુત કરવા મુદે આગળ વધશે.

ઉપરાંત પાટીદાર અનામત મામલે જણાવ્યુ હતુ કે, આંદોલન ખરેખર ભાજપની નિષ્ફળતામાંથી જ ઉદભવ્યું છે.શિક્ષણનું વેપારીકરણ થયું એટલે અભ્યાસ કરતા છાત્રો, વાલીઓમાં જરૂર નિરાસા,અસંતોષનો ભાવ ઉભો થયો છે.હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન શરૂઆત થઇ ત્યારથી કોંગ્રેસનું સ્ટેન્ડ રહયુ છે, એસસી, એસટી,ઓબીસીના અનામતની જોગવાઇમાં કોઇ પણ જાતનો બદલાવ કર્ર્યા વિના જ બિન અનામત વર્ગમાં આવતા તમામ સમાજોને ૨૦ ટકા અનામત આપવી જોઇએ.જે મુદે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિધાયક પણ લેવામાં આવ્યુ હતુ.

સાથે સાથે ૨૦૧૯ની ચુંટણીમાં કોંગ્રેસ કયાં મુદા ઉપર લડશે? ના જવાબમાં જણાવ્યુ હતુ કે, મુદા તો અનેક, પણ ભાજપે ૨૦૧૪માં જે વાયદા-વચન આપ્યા'તા, એમાંથી પાંચ વર્ષમાં એક પણ વાયદો કે વચન નથી પાળ્યુ ત્યારે ખેડુતો, યુવાનો,બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા તમામ પ્રશ્નો ઉઠાવવામાં આવશે, જેમાં કોંગ્રેસ જરૂર જનતાના આર્શિવાદ મેળવી વિજયી બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જયારે માળખા બાબતે જણાવ્યુ હતુ કે, રાહુલજીએ દેશમાં બદલાવની રાજનીતિ શરૂ કરી છે, બદલાવ કોંગ્રેસના સંગઠન  અને કાર્યપ્રણાલીમાં જોવા મળશે.અમારી અનેક એવા અનુભવી સિનિયર આગેવાનો છે, જેમને સાશન,સંગઠન અને વહીવટનો ખુબ અનુભવ છે એવા તમામનો પણ અનુભવ,માર્ગદર્શન લેવા સાથે સાથે  લઇ નવા ચહેરાઓને કામ કરવાની તક પણ અપાશે.

એવી જ રીતે દર્શકના પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસ પક્ષની શરૂઆત એક વિચારધારાથી થઇ હતી.આંદોલન અને વિચારધારાએ દેશને આઝાદી પણ અપાવી છે.આઝાદીની લડાઇમાં પણ પ્રથમ હરોળમાં કોંગ્રેસના આગેવાનો જ હતા...દેશની એકતા, અખંડિતતા માટે પણ તમામ જાતિ-ધર્મ અને વિસ્તારના લોકોને સાથે રાખી મહાસતા શોધી....રાજીવજી હોય  કે ઇન્દીરાજી જેવા અનેક નેતાઓએ દેશની સુરક્ષા કાજે પોતાના જીવના પણ બલિદાન આપ્યા છે.કોંગ્રેસની વિચારધારા છે કે, તમામ જાતિ-ધર્મ અને વિસ્તારના લોકોને સાથે રાખવી.

એવી જ રીતે ભાજપ અને આરએસએસની વિચારધારાને સમાજમાં ભાગલા પાડી રાજ કરવાની ગણાવી હતી.ઙ્ગ(૪.૨૨)

(4:23 pm IST)