Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રાજયવ્યાપી કરુણા અભિયાનના વિજયભાઈના અનોખા અભિયાનને આવકારતા રાજુ ધ્રુવ

૨૦ જાન્યુ.સુધી એમ્બ્યુલન્સ- ૭૬૪ ટીમો ખડેપગે રહેશે

રાજકોટ, તા. ૧૨: ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી, આગામી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના તહેવારો નિમિતે, રાજયના વન વિભાગના ઉપક્રમે, હાથ ધરાયેલા 'રાજયવ્યાપી કરુણા અભિયાન-૨૦૧૮'ને ભાજપ અગ્રણી અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવે હૃદયપૂર્વક આવકાર આપ્યો છે અને 'પક્ષી સંરક્ષણ' માટેના ગુજરાત સરકારના આ શ્રેષ્ઠ અભિગમને ઉમળકાભેર વધાવી લેવા ગુજરાતની પ્રજા જોગ કરુણાસભર અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજયના વહીવટમાં ખુબ જ અસરકારક એવા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સંવેદનશીલ અને જીવદયાપ્રેમી પણ છે ત્યારે નિર્દોષ પક્ષીઓને બચાવવાની તેમની આ પહેલને વ્યાપક લોકસહયોગ મળી રહે તે જરૂરી છે.

એક યાદીમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, આગામી તા. ૨૦મી જાન્યુઆરી સુધી ચાલનારા આ 'કરુણા અભિયાન' દરમિયાન, સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી દરેક તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. આ સાથે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે '૧૦૮' ની જેમ 'હેલ્પલાઈન નંબર ૧૯૬૨' ઉપર 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ' સેવા સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત, ઘાયલ પક્ષીઓને બચાવવા ૭૬૪ ટીમો અને જેમાં પક્ષી ફસાઈ ગયા હોય તેવા કપાયેલા પતંગોના દોર કાઢવા માટે ૫૮૪ ટીમો જોડાયેલી રહેશે.

વધુ વિગતો આપતાં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, રાજયના ૬૭૫ પશુ દવાખાનાઓમાં ૪૫૩ પશુ ચિકિત્સકો ઉપરાંત, ૨૩૫૩ સ્વયંસેવકો અને વન વિભાગના ૨૬૧૯ કર્મયોગીઓ ઘાયલ પક્ષીઓ માટે ખડે પગે કાર્યરત રહેશે. આ રીતે 'કરુણા અભિયાન' ખરા અર્થમાં જીવ માત્ર માટે કરુણા દાખવવાના રાજય સરકારના નિર્ધારને ચરિતાર્થ કરશે.

તમામ ગુજરાતવાસીઓને દર્દભરી અપીલ કરતાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, કોઈપણ ઘવાયેલું પક્ષી જોવા મળે તો તેને તત્કાલ સારવાર મળી શકે તે માટે નજીકની કોઈપણ જીવદયાપ્રેમી સંસ્થાઓને જાણ કરવાથી એ નિર્દોષ પક્ષીનો જીવ બચાવવામાં મદદ મળી રહેશે. સવારે ૯ વાગ્યા પહેલાં પક્ષીઓ ચણવા માટે નીકળતા હોય છે અને સાંજે ૫ વાગ્યા પછી પક્ષીઓ પોતાના માળા ભણી પાછા ફરતા હોય છે એટલે સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ નહીં ચગાવવા જોઈએ. નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવા માટે આટલું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે એમ તેમણે વધુમાં જણાવ્યું છે.

યાદીના અંતમાં, ભાજપ અગ્રણી શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિક કે, કાચના માન્જાવાળી દોરીઓ પક્ષીઓ માટે તેમજ મનુષ્ય માટે પણ ખતરનાક હોઈ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉત્તરાયણ પછી લોકોએ પોતાના રહેઠાણ અને ધંધા-રોજગારના સ્થળો આસપાસથી પતંગની નકામી દોરીઓ એકથી કરી તેનો નાશ કરવાનું ખુબ જ આવશ્યક છે તેને પોતાની ફરજ સમજીને કરુણા અભિયાનને સાર્થક બનાવવા સહુકોઈને અપીલ છે.(૩૦.૩)

(12:02 pm IST)