Gujarati News

Gujarati News

News of Monday, 11th September 2017

અભિનય ખાં, અશરફખાન

આજે તેમનો વફાત દિન છે

૧૯૪૭થી ૫૦ની સાલ દરમિયાનનું સ્વ. પ્રભુલાલ દ્વિવેદી લેખિત નાટક પૃથ્વીરાજ ચૌહાણમાં ગવાતી બે ગઝલો, 'હૃદયના શુધ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે' તથા 'એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી'ને ગાનાર અને પૃથ્વીરાજની ભૂમિકામાં ઘોડા પર રંગભૂમિએ પ્રવેશી, દમામથી જીવી જનાર અભિનય ખાં એટલે માસ્ટર અશરફ ખાન. પૃથ્વીરાજ જેવો જ અભિનય વાવટો નાટક માલવપતિ મુંજમાં પણ તેઓએ ફરફરાવ્યો. જૂની - નવી રંગભૂમિના સેતુ સમા અશરફખાન પોતાના સાત્વિક અભિનય જેટલાં જ ખુદાના પણ પરમ બંદા (ભકત-સેવક) હતા. સ્વર અને ઉચ્ચાર શ્રેષ્ઠી, અભિનયની બાદશાહત ભોગવનાર આ અભિનય ખાં નો આજે વફાત દિન છે, જે હંમેશ અભિનયને એક ઇબાદત જ સમજતા.

એમના જન્મ વર્ષ માટે વિરોધાભાસ વાંચવા મળે છે. (૧૮૮૦ કે ૯૩?) પણ વાતની મહત્તા અહીં તો છે માત્ર કલાકાર આત્મા જન્મની. જેમણે અભિનય, શાસ્ત્રી સંગીત સાથોસાથ ધર્મજ્ઞાન પામવાની પણ બંદગી કરી. તેઓ ખાસ ભણતરી ન્હોતા થઇ શકયા, કેમ તેમના વાલી દે, અશરફ બે વર્ષના હતા, ત્યારે જ અલ્લાહને પ્યારા થવા રૂખસત લઇ લીધી હતી.

'આ કલાકાર પોતાની અભિનય ઉર્જાથી પ્રત (સ્ક્રીપ્ટ) દ્રશ્યથી પણ વધુ સારી રીતે તે દ્રશ્યને રજુ કરી શકતા.' આ અભિપ્રાય હતો નાટ્યવર્ય જયશંકર સુંદરીજીનો અશરફખાન માટે. રંગભૂમિ પરની પોતાની પ્રભાવી હાજરી, તેઓની ગાયકી તથા સંવાદ થરોના એક અનોખા અંદાજના દીદાર તેઓ પ્રેક્ષકોને કરાવતા રહેતા. પાત્રની માનસ, શાસ્ત્રીયતા, તેના વાચિક, આંગિક તથા અહૈયિક અભિનયના સમન્વયે સંપૂર્ણતઃ સાત્વિક અભિનયના તેઓ એ સમયના સર્વોત્તમ કલાકાર સ્થાપિત થયા. ઉર્દુના મહાજ્ઞાતા, નટવર્ય, અમૃત કેશવ નાટક અને ગુલામ સરવર સાહેબ પાસેથી વિશેષ તાલીમ બાદ પારસી નાટકોના દાદા ઠુંઠી, કાવસજી ખટાઉ સાથે જોડાયા પછી તેઓએ કદી પાછા વળી જોવું પડયું જ નહતું. એ હદ સુધી કે તેઓના નામ પર કોઇકોઇ નાટકોના એકએક હજારથી પણ વધુ પ્રયોગો થયા.

એ સમયે શરાબ એક વિશેષ દૂષણ બની ગયું હતું. (જો કે અત્યારે તો સવિશેષ છે...) ત્યારે આ બેદાગી કલાકારે શરાબને કદી સૂંધ્યો પણ ન્હોતો. ને તેમ છતાં સીરાઝ - ઉદ્-દૌલાની શરાબીની ભૂમિકામાં તેઓએ પ્રાણ પ્રતિષ્ઠા કરી. તેઓની નોંધનીય બાબત એ વખતે એ બની કે ભગવાન કૃષ્ણની ભૂમિકા માટે તેઓ ખૂબ જ આદર પામ્યા. પાનના પાક્કા બંધાણી એવાં અશરફખાને, સંસાર સાગર નાટકમાં એન્ટી હિરોની ભૂમિકાનો આસ્વાદ પણ સૌને કરાવ્યો. સમુદ્રગુપ્તમાં એ તદ્દન જુદી જ રીતે રજુ થઇ, આથમતા સિતારા નાટકમાં હાસ્ય રસને પણ છલકાવ્યો. એક અબળા અને સજ્જન કોણમાં એટલી જ પ્રાણવાન અદાયગી. એક તબક્કે રંગકર્મી તરીકે પણ જેમની એટલી જ ખ્યાતિ હતી તે, તત્કાલિન ખૂબ જ જાણીતા કામદાર નેતા સનત મહેતાની મંડળીના નાટકોમાં પણ રમ્યા. નબળી કંપનીઓને બેઠી કરવા હરહંમેશ તૈયાર રહેતા. અશરફખાન પોતાના કિરદારના ઓતારને આવકારતા પહેલા, રંગભૂમિ બંદગી વખતે પ્રાર્થતા કે 'હું ખુદાથી ગાફિલ રહું તો ખુદા મારાથી ગાફિલ થઇ જાય.' ભોજન પહેલાં પણ એ 'કુલ્હોવલ્લાહ' જરૂર પઢતા. પૈસા કે પ્રસિધ્ધિને તેઓએ કદી ન ચાહી, જેટલા ખુદાને ચાહ્યા અને એટલે જ અંતિમ વર્ષોમાં તેઓની એક સૂફી સંત તરીકે પણ ગણના થઇ. ઇસ્લામના સિધ્ધાંતો પર ચાલનાર આ નિરાભીમાનીને, પોતાના જેવું જ પાક મિત્ર મંડળ હતું. શરીરે ટૂંકા પણ માનવ - એકટર તરીકે બહુ ઉંચા કદના આ કલાકારના ચાહકોની સંખ્યા ત્યારે બહુ મોટી હતી.

તેઓએ અભિનિત કરેલ થોડી ફિલ્મો માહેની મહેબૂબખાનની પ્રખ્યાત ફિલ્મ 'રોટી'ની ફકીરની ભૂમિકામાં ગાયેલ ગીતના બોલ હતા, 'રોટી... રોટી, હિમ્મત તેરી છોટી.' પોતાના વખતના 'અભિનય સમ્રાટ' સ્થાપિત થઇ ગયેલ દિલીપકુમાર, આ નાટ્ય અભિનય સમ્રાટ અશરફખાનના ખાસ ચાહક હતા. ૧૯૬૦માં પોતાની જ નાટય કાું. સ્થાપી, ઘણું કરીને ગોંડલમાં રહી ઠીકઠીક નાટકો સર્જ્યા. પણ એ સમય હતો તેમના ઉત્તરાર્ધનો... ને ૧૯૬૨ની ૧૧મી સપ્ટેમ્બરે તેઓ રાજકોટની સરકારી હોસ્પિટલમાં વફાતની રાહે રૂખસત થયા. સુપર્દે ખાક (દફનવિધિ) થઇ અમદાવાદના દાણી લીમડાના કબ્રસ્તાનમાં.

કવિ હૃદયના આ નેકદિલ કલાકારે રચેલી બે રચનાને અર્જ કરી વિરમીએ. (૧) 'આંખ કાન મુહ બંધ કર, નામ ખુદા કા લે, અંદરકે પટ જબ ખુલે... બહારકે પટ ખોલ દે.' (ર) 'કલ્મે શરીફકા ઇતના જીક્ર કર, કે તેને દિલ સે કલ્મે પાક કી આવાઝ નીકલે, ઔર તેરા દિલ ખૂદા કે નૂરસે તરબતર હો જાયે.' શુભાન - અલ્લાહ... શુભાન અલ્લાહ...

: આલેખન :

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

 

(4:00 pm IST)