Gujarati News

Gujarati News

News of Saturday, 4th March 2017

કેતન દવે મોટો 'કારિગર': કલર પ્રિન્ટરથી છાપી'તી કરોડોની જાલીનોટો

ભંગારના વેપારી નિતીન પટેલ સાથે આરટીજીએસના બહાને ૫૦ લાખની ઠગાઇમાં જેલ હવાલે થયેલો બ્રાહ્મણ શખ્સ અનેકને છેતરવાનો હતોઃ એ-ડિવીઝન પોલીસે કેતનના કર્મચારી ઉમંગની પુછતાછ કરતાં કેતન મોટા ભાગે જુદી-જુદી કારમાં જ નકલી નોટો રાખતો હોવાનું કહેતાં ૪ કરોડની નોટોના બંડલો સાથે સ્કોડા કાર શોધી કઢાઇઃ તેમાંથી ૮૦ હજારની નોટો અસલી નીકળીઃ જેલમાંથી કબ્જો લેવા કેતનના રિમાન્ડ માટે રિવીઝન અરજી કરાશ

નકલી નોટોનો જથ્થો ઝડપાયા બાદ ગણત્રી કરી રહેલો પોલીસ સ્ટાફ અને જેમાંથી નોટો મળી તે કેતનની સ્કોડા કાર જોઇ શકાય છે  ઇન્સટ તસ્વીરમાં કેતન દવેનો ફાઇલ ફોટો (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧: કોઠારીયા રોડ પર રહેતાં ભંગારના વેપારી નિતીનભાઇ અજાણી (પટેલ) સાથે રૂ. ૫૦ લાખની ઠગાઇ કરવાના અને ૫૭ લાખની જાલી નોટોના ગુનામાં પકડાયેલો ફાયનાન્સર કેતન સૂર્યકાંત દવે છેતરપીંડીના કાવત્રાનો માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલ્યું છે. આ ગુનામાં તે હાલ જેલવાલે છે. તેના કર્મચારીઓ પૈકીના ઉમંગ ગજ્જરની એ-ડિવીઝન પોલીસે વિશેષ પુછતાછ કરતાં કેતન દવે મોટો 'કારીગર' હોવાની અને તેણે કરોડોનો બે હજારના દરની નકલી નોટો છાપી નાંખી હોવાનું ખુલ્યું છે. પોલીસે ગત સાંજે પુનિતનગર પાસે રેઢી મુકી દેવામાં આવેલી કેતન દવેની કાર કબ્જે કરતાં તેમાંથી રૂ. ૩ કરોડ ૯૨ લાખ અને ૨૨ હજારની નકલી નોટો મળી આવી છે. આ બંડલોની ઉપર-નીચે બે હજારના દરની સાચી નોટો લગાડાઇ હતી. એંસી હજારની અસલી નોટો પણ મળી છે. કરોડોની આવી નકલી નોટો કલર પ્રિન્ટરથી છાપી કેતન અનેક વેપારીઓને શીશામાં ઉતારવાનો હોવાનું સમજાય છે. તેની વિશેષ પુછતાછ કરવાની હોઇ કોર્ટમાં રિવીઝન અરજી કરી રિમાન્ડ માંગવા તજવીજ થઇ રહી છે. નવી નોટો બહાર પડ્યા પછી દેશભરમાં રાજકોટ એવું પહેલુ શહેર બન્યું છે જ્યાં કરોડોની નકલી નોટો ઝડપાઇ હોય!

અગાઉ તપાસમાં ખુલ્યું હતું કે કેતન દવેએ  નિતીનભાઇ પટેલ ઉપરાંતના અન્ય એક વેપારીને પણ આ રીતે છેતરીને રૂ. ૧ કરોડની બબ્બે હજારના દરની જાલીનોટો ધાબડી દેવાનો પ્લાન ઘડી રાખ્યો હતો. પરંતુ ૫૦ લાખની ઠગાઇનુ ભોપાળુ છતું થઇ જતાં ૧ કરોડ ૨૦ લાખની નકલી નોટો સળગાવી નાંખી હતી. આ નકલી નોટો કેતનને અમદાવાદનો કોઇ મયુર નામનો શખ્સ નહોતો આપી ગયો પણ તેણે જાતે જ કલર પ્રિન્ટરમાં છાપી નાંખી હોવાનું પણ કબુલ્યું હતું. જો કે બીજી ચારેક કરોડની નકલી નોટો પણ પડી હોવાની માહિતી જે તે વખતે બહાર આવી નહોતી.

પોલીસે ગુનો દાખલ થતાની સાથે જ  પકડી લીધેલા કેતન દવે અને તેના મિત્ર શૈલેષ નરસીભાઇ બરવાડીયા (પટેલ)ના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે થયા હતાં. બીજી તરફ પોલીસે આ કાવત્રામાં સામેલ અનવર ઇબ્રાહીમ તાયાણી અને બી.કે. એન્ટરપ્રાઇઝવાળા કિશોર કાનજીભાઇ રાણપરીયા (પટેલ)ની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા હતાં. તે પણ જેલહવાલે થયા છે.

 કેતને આપેલી કબુલાત મુજબ તેણે છાપેલી બીજી નકલી નોટો પૈકીની ૧ કરોડ ૨૦ લાખની નકલી નોટો તેના ઓફિસબોય પાર્થ જગદીશભાઇ તેરૈયા (ઉ.૧૯-રહે. માધાપર ગામ મહાદેવ પાર્ક-૪) તથા તેના મિત્ર ઉમંગ બિપીનભાઇ ગજ્જર (ઉ.૨૧-રહે. પુનિત પાર્ક-૩)એ સળગાવી નાંખી હતી. કાવત્રામાં આ બંનેની પણ સંડોવણી ખુલતાં તેને પણ ઝડપી લઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવાયા હતાં. ગઇકાલે વિશેષ રિમાન્ડ માંગણી કરવામાં આવતાં વધુ એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં.

ઉમંગ ગજ્જરની વિશેષ પુછપરછ કરવામાં આવતાં તેણે વટાણા વેરી નાંખ્યા હતાં કે કેતન દવે છાપેલી નકલી નોટોના બંડલો તેની કારમાં જ રાખે છે. જેથી કોઇની નજરે ન ચડી જવાય. આથી પોલીસને શંકા ઉપજી હતી કે કદાચ કારમાં વધુ નકલી નોટો હશે. પોલીસે કેતન જેનો ઉપયોગ કરતો હતો તેવી ત્રણેક કાર તપાસી હતી. પણ તેના માસીના નામની જીજે૧કેએ-૮૫૫૧ નંબરની કાર કેતનના ઘરે જોવા ન મળતાં તપાસ કરતાં ગોંડલ રોડ પર પુનિતનગર પાસે સુખસાગર સોસાયટીના મેદાનમાંથી આ કાર મળી આવી હતી. તેની ડેકીમાંથી બે બોકસમાં જાલીનોટોના બંડલો મળ્યા હતાં. કલાકો સુધી પોલીસે ગણતરી કરતાં આ નોટો ૪ કરોડની હોવાનું સ્પષ્ટ થયું હતું. પણ તેમાંથી ૮૦ હજાર જેટલી અસલી નોટો નીકળી હતી. બાકીની રૂ. ૩,૯૨,૨૨,૦૦૦ની નોટો નકલી હોવાનું ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ પોલીસ કમિશ્નર ડીે.એસ. ભટ્ટ, ડીસીપી સુબોધ ઓડેદરા, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી બી.ડી. જોષીની રાહબરીમાં એ-ડિવીઝનના ઇન્ચાર્જ એલ.એલ. ચાવડા, પી.એસ.આઇ. એલ.આર. ગોહિલ, હેડકોન્સ. જયસુખભાઇ હુંબલ, વિજયસિંહ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. કેતને કરોડોની જાલીનોટો કલર પ્રિન્ટરથી છાપી નાંખી હોઇ અનેક વેપારીઓને છેતરવાનો પ્લાન ઘડ્યો હોવાનું લાગે છે. તેની વિશેષ પુછતાછ માટે ફરીથી જેલમાંથી કબ્જો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

કેતન જાન્યુઆરીથી જાલીનોટ છાપતો હતોઃ પંચનાથ પ્લોટમાં ભાડે રાખેલા ફલેટમાં નકલી નોટો છાપ્યાની શંકા

 હાલ જેલ હવાલે રહેલા કેતન દવેનો ફરીથી કબ્જો મેળવી તેની વિશેષ પુછતાછ કરવા તજવીજ હાથ ધરાઇ છે. એ-ડિવીઝન પોલીસે કેતને છાપેલી વધુ ૩ કરોડ ૨૨ ૯૨ લાખ ૨૨ હજારની નકલી નોટો કબ્જે લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ જાલીનોટો કેતને જાન્યુઆરીથી જ છાપવાનું શરૂ કરી દીધું હતું. કેતને પંચનાથ પ્લોટમાં એક એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડેથી રાખ્યો હતો. આ ફલેટનો જ જાલીનોટો છાપવા માટે ઉપયોગ થયો હતો કે કેમ? તેની તપાસ થઇ રહી છે. કારમાંથી ત્રણ કલર પ્રિન્ટર મળ્યા છે. આ પ્રિન્ટરથી જ જાલીનોટો છાપી છે કેમ? તે સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

કેતન જાન્યુઆરીથી જાલીનોટ છાપતો હતોઃ પંચનાથ પ્લોટમાં ભાડે રાખેલા ફલેટમાં નકલી નોટો છાપ્યાની શંકા

 હાલ જેલ હવાલે રહેલા કેતન દવેનો ફરીથી કબ્જો મેળવી તેની વિશેષ પુછતાછ કરવા તજવીજ હાથ ધરાઇ છે. એ-ડિવીઝન પોલીસે કેતને છાપેલી વધુ ૩ કરોડ ૨૨ ૯૨ લાખ ૨૨ હજારની નકલી નોટો કબ્જે લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ જાલીનોટો કેતને જાન્યુઆરીથી જ છાપવાનું શરૂ કરી દીધું હતું. કેતને પંચનાથ પ્લોટમાં એક એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડેથી રાખ્યો હતો. આ ફલેટનો જ જાલીનોટો છાપવા માટે ઉપયોગ થયો હતો કે કેમ? તેની તપાસ થઇ રહી છે. કારમાંથી ત્રણ કલર પ્રિન્ટર મળ્યા છે. આ પ્રિન્ટરથી જ જાલીનોટો છાપી છે કેમ? તે સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

 

(2:47 pm IST)