Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભારે વરસાદને કારણે રાજકોટના ૫૦ યાત્રાળુ તિ:પતીમાં ફસાયાઃ આજે જે ટ્રેન પકડવાની હતી એ આવી જ નહિ!

ગુજરાત સરકાર પાસે મદદની આજીજી કરીઃ મવડીના માધવ સંઘ મારફત ગયા છે યાત્રાળુઓ આવતીકાલે સવારે ચેન્નઇથી ઉપડતી ટ્રેન હાઉસફૂલઃ તેમાં એક કોચ વધારી દેવામાં આવે તો યાત્રાળુઓ ભાડુ ચુકવવા તૈયારઃ આયોજક અને યાત્રાળુઓએ પરમ દિવસે દર્શનાર્થે જતી વખતે રસ્તા પર ઝાડ પથ્થરો પડતાં ભયાનક દ્રશ્યો નિહાળ્યાઃ મોડી રાતે દર્શન કરી શકયા

રાજકોટ તા. ૨૦: રાજકોટથી ગત નવમી તારીખે રામેશ્વર, કન્યાકુમારી, કેરેલા, ત્રિવેન્દ્રમ, મદુરાઇ, શ્રીરંગમ, વેલ્લુર અને તિ:પતિ સહિતના સ્થળોની યાત્રાએ ગયેલા રાજકોટના ૫૦ યાત્રાળુઓ પરમ દિવસે તિ:પતીમાં પડેલા ભારે વરસાદ અને ભયાનક પુરને કારણે ફસાઇ જતાં અને આજે તેમને તિ:પતિથી રાજકોટની જે ટ્રેન પકડવાની હતી એ ટ્રેન જ ડાયવર્ટ કરી નાંખવામાં આવતાં આ પ્રવાસીઓ ફસાઇ ગયા હતાં. હવે અમદાવાદ સુધી પહોંચવા માટે તેમની પાસે કાં તો હવાઇમાર્ગ અથવા ચેન્નઇથી આવતીકાલે સવારે ઉપડતી ટ્રેનનો સહારો છે. બધા મુસાફરો મોંઘી હવાઇ ટીકીટ ખરીદી શકે તેમ ન હોઇ અને આવતીકાલે સવારે ચેન્નઇથી ઉપડતી ટ્રેન પણ હાઉસફુલ હોઇ તેમાં એક વધારાનો કોચ લગાડી દેવામાં આવે તો મુસાફરો અમદાવાદ આવી શકે તેમ હોવાનું અને આ માટે ગુજરાત સરકાર વ્હારે આવે તેવી આજીજી યાત્રાના આયોજક અને યાત્રાળુઓએ કરી છે.

યાત્રીકો પૈકીના હનુમાન મઢી પાછળ રંગ ઉપવન પાસે પરિશ્રમ પ્રોવિઝન સ્ટોર ધરાવતાં વિનુભાઇ ચોૈહાણે જણાવ્યું હતું કે અમે ગત નવમીએ મવડી ચોકડીએથી માધવ ટૂર એન્ડ ટ્રાવેલ્સ આયોજીત યાત્રા પ્રવાસમાં જોડાયા હતાં. સમગ્ર પ્રવાસ આ આયોજક દ્વારા ખુબ સારી રીતે પુરો કરાવાયો હતો. પરંતુ પરમ દિવસે અમે તિ:પતી દર્શનાર્થે બસ મારફત જતાં હતાં ત્યારે અચાનક ભારે વરસાદ અને પુર આવતાં રસ્તા પર ઝાડ, પથ્થર પડતાં અમે ભયાનક દ્રશ્યો નિહાળ્યા હતાં. જો કે તિ:પતી બાલાજી દાદાની કૃપાથી અમને એકપણ યાત્રીકને આંચ આવી નહોતી. અમે તિ:પતી પહોંચ્યા ત્યાં દર્શન બંધ કરી દેવાયા હતાં. એ પછી મોડી રાતે અમે દર્શન કરી શકયા હતાં.

આજે શનિવારે અમારે તિ:પતીથી ડાયરેકટ રાજકોટથી ટ્રેન પકડવાની હતી અને ટિકીટ પણ બૂક કરેલી હતી. પરંતુ ભારે વરસાદને કારણે આ ટ્રેનને ડાયવર્ટ કરી નાંખવામાં આવતાં ટ્રેન તિ:પતી આવી જ નહોતી. આ કારણે અમે ૫૦ યાત્રીકો ફસાઇ ગયા હતાં. આયજકોએ અમને રહેવા માટેની વ્યવસ્થા કરાવી આપી હતી અને સ્થાનિક તંત્રવાહકો તથા ગુજરાત સરકાર પાસેથી મદદ મેળવવા પ્રયાસ કર્યા છે. યાત્રાળુઓમાં મોટા ભાગના રાજકોટના જ છે, થોડા અમરેલી તરફના પણ છે.

યાત્રાળુઓએ વિનંતી કરી છે કે અમારે હવે અમદાવાદ સુધી પહોંચવું હોય તો તિ:પતીથી આજે ચેન્નઇ પહોંચવું પડશે. ત્યાંથી આવતીકાલે રવિવારે સવારે એક ટ્રેન છે. પરંતુ એ ટ્રેન હાઉસફુલ છે. જો એ ટ્રેનમાં સરકારના પ્રયાસોથી એક વધારાનો કોચ લાગી જાય તો તમામ પ્રવાસીઓ ઝડપથી માદરેવતન પહોંચી શકે તેમ છે. બીજી એક ટ્રેન આવતીકાલે સાંજે છે. તેમાં પણ હાઉસફુલની હાલત છે. અમુક પાંચ સાત આર્થિક સધ્ધર પ્રવાસીઓ પ્લેન મારફત  ગુજરાત પહોંચવા તૈયારી કરી રહ્યા છે. પરંતુ બધા પ્રવાસીઓ પાસે આવી સુવીધા નથી. આથી ગુજરાત સરકાર દરમિયાનગીરી કરી ટ્રેનમાં એક કોચ વધી જાય તેવી વ્યવસ્થા કરાવે તેવી અમે રજૂઆતો કરી છે. વિનુભાઇ ચોૈહાણના મોબાઇલ નં. ૯૯૭૪૩ ૬૯૯૯૦ છે.

(3:38 pm IST)