Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટનું સંગઠન મજબૂત : વિજયભાઇ સ્ટાર પ્રચારક છે અને રહેશે

શહેર ભાજપની કામગીરીને બીરદાવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજકોટમાં પત્રકાર પરિષદ : વિવાદ હોવાનું નકાર્યુ

પાટીલની પ્રેસ મીટ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભાજપના સ્થાનિક અગ્રણીઓ સર્વશ્રી મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, પ્રદિપ ડવ, રાજુ ધ્રુવ, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, લાખાભાઇ સાગઠિયા, ભરત બોઘરા, નાગદાન ચાવડા, જીતુ કોઠારી, પ્રશાંત કોરાટ, હરેશ જોષી વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદિપ બગથરિયા) 

રાજકોટ તા. ૨૦ : ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી સી.આર.પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ અંતર્ગત આજે રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ પર શહેર ભાજપ દ્વારા શાનદાર સ્વાગત કરાયેલ. એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચી તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે શહેર ભાજપ સંગઠનને મજબૂત ગણાવી ટીમ કમલેશ મિરાણીને અભિનંદન આપ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક હોવાનું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. તેમણે ખેડૂતો, ભાજપનો જુથવાદ, અંબરીશ ડેરને ભાજપમાં જોડવાનું આમંત્રણ વગેરે મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

શ્રી પાટીલે પત્રકાર પરિષદના પ્રારંભે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી જણાવેલ કે, ભાજપ દ્વારા જિલ્લાવાર ૮ થી ૧૦ હજાર કાર્યકરોની હાજરીમાં સ્નેહમિલનો થઇ રહ્યા છે. કાર્યકરો દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા પ્રયાસો થઇ રહ્યા છે. રાજકોટ સંગઠન પડકારોને ઝીલવા માટે સક્ષમ છે. કમલેશ મિરાણી સારી રીતે પાર્ટી ચલાવી રહ્યા છે. તેમના નેતૃત્વમાં જ રાજકોટમાં ચૂંટણી લડવામાં આવશે.

સ્નેહમિલનના વિવાદ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવેલ કે, કયાં વિવાદ છે ? ૩ દિવસ પૂર્વે શહેર ભાજપનું સ્નેહમિલન યોજાઇ ગયા પછી ફરી કાર્યકરોને ભેગા કરવાનું યોગ્ય લાગેલ નહી તેથી બીજા આયોજનની મેં જ ના પાડી હતી. બધા નેતાઓના હોર્ડીંગ્ઝ લાગે જ છે.

વિજયભાઇ રૂપાણીની ભૂમિકા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ ભાજપના સ્ટાર પ્રચારક છે અને રહેશે. સરકારમાં ઘણા યુવાનો આવ્યા છે તેઓ સારૂ કામ કરે છે.

કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરને ભાજપમાં આવવાના આમંત્રણ બાબતે તેમણે જણાવેલ કે, અમે કોઇ કોંગી ધારાસભ્યને આમંત્રણ આપેલ નથી કે લેવા માંગતા નથી. મેં અંબરીશ ડેર બાબતે વાત કરેલ તેનું જુદુ અર્થઘટન થયું છે. ભાજપ ચૂંટણી પૂર્વે પોતાની નીતિરીતિ મુજબ સંગઠન વધુ મજબૂત કરવા માંગે છે.

શ્રી સી.આર.પાટીલએ જણાવેલ કે, રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત ખેડૂતોના હિતમાં પગલા ભરી રહી છે. ભવિષ્યમાં વધુ સુધારા સાથે ખેડૂતલક્ષી પગલા ભરશું. ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.

(3:09 pm IST)